થિયેટરોમાં ગૂંજ્યો ‘કડકનાથ’નો ખોફ!:દહોદની આદિવાસી બોલી, રહસ્ય અને રોમાંચથી ભરપૂર ગુજરાતની પ્રથમ ‘ફોક-થ્રિલર’ ફિલ્મ રિલીઝ
ગુજરાતી સિનેમાના પડદા પર સામાન્ય રીતે કોમેડી કે ફેમિલી ડ્રામા ફિલ્મોનો દબદબો જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે કંઈક એવું આવ્યું છે જે દર્શકોના રૂંવાડા ઊભા કરી દેશે. ગુજરાતની માટીમાંથી જન્મેલી તદ્દન અનોખી સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ ‘કડકનાથ’ 26 જૂન, 2026ના રોજ ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મની શરૂઆત જ એક ઘેરા અને ગંભીર સંવાદ સાથે થાય છે જે પ્રેક્ષકોને જકડી રાખે છે: “તો હાસુ હુ? ને ઝૂઠું હુ? કાંઈ હાસુ નથી, ને કાંઈ ઝૂઠું નથી, ખાલી એક સત્ય સે, મરણ સત્ય સે…” પૂર્વ ગુજરાતના જંગલો અને ભેદી મોતોનું કાળું સત્ય ફિલ્મની વાર્તા પૂર્વ ગુજરાતના આદિવાસી વિસ્તારના એક એવા રહસ્યમય ગામની આસપાસ વણાયેલી છે, જ્યાં અચાનક જ યુવાનોના ભેદી મોત થવા લાગે છે. આ આકસ્મિક મોતના કારણે આખું ગામ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યું છે અને લોકો ડરીને સ્થળાંતર કરી રહ્યા છે. પોલીસ આ ક્રૂર હત્યાઓનો ભેદ ઉકેલવા મથી રહી છે, ત્યારે મુખ્ય પાત્ર જંગલના અંધકાર અને આ કાળા સચ્ચાઈના મૂળ સુધી પહોંચવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. કાળા રંગના કડકનાથ મરઘા, અંધારી રાતો, બળતી ચિતાઓ અને રહસ્યમય કલ્ચર આ ફિલ્મને વધુ રોમાંચક અને ઘેરી બનાવે છે. આ શાનદાર વાર્તાનું લેખન અને દિગ્દર્શન કૌશિક ગરાસિયા દ્વારા કરવામાં આવ્યું છે. ‘કાંતારા’ સાથે સરખામણી પર એક્ટરનો જવાબ ફિલ્મના લીડ એક્ટર અભિનય બેંકરે જણાવ્યું હતું કે, “આ ફિલ્મ માટે કોઈ જ શોર્ટકટ લેવામાં આવ્યા નથી. સતત 52 દિવસ સુધી જંગલોમાં અને સ્થાનિક આદિવાસી વિસ્તારોમાં અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં શૂટિંગ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અસલી ‘સિંક સાઉન્ડ’ ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે.” સાઉથની સુપરહિટ ફિલ્મ ‘કાંતારા’ સાથે થઈ રહેલી સરખામણી અંગે સ્પષ્ટતા કરતા તેણે ઉમેર્યું કે, “આ સ્ક્રિપ્ટ વર્ષ 2021માં જ લખાઈ ગઈ હતી. આ તદ્દન ગુજરાતની પોતાની સંસ્કૃતિ, પરંપરા, વાસ્તવિક બોલી, લોકગીતો અને માન્યતાઓ પર આધારિત મૌલિક ફિલ્મ છે.” ડિરેક્ટરે પોતે આ જ વિસ્તારના હોવાથી ફિલ્મમાં દર્શાવેલા ઘરો, કોસ્ચ્યુમ અને લોકેશન્સ તદ્દન અસલી લાગે છે. આ ઉપરાંત ઘણા સ્થાનિક આદિવાસી કલાકારોને પણ ફિલ્મમાં અભિનયની તક આપવામાં આવી છે. ફિલ્મની સ્ટારકાસ્ટ લેન્સક્વીન ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મને વિહંગ રાઠોડ અને નીરવ ભાભોર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અભિનય બેંકરની સાથે ડેનિશા ઘુમરા, ચેતન દૈયા, નીરવ ભાભોર, નિશુ ત્રિવેદી, પરમેશ્વર સિરસીકર, હેત પંચાલ, સૂર્યાંશી શાહ અને ડૉ. અમિત ડામોર જેવા જાણીતા અને સક્ષમ કલાકારોએ પોતાના અભિનયનો જાદુ વિખેર્યો છે. જુઓ ટ્રેલર:-
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

