દુબઈના પેલેસમાં શું ચાલી રહ્યું છે?:પેલેસની મહિલાઓ ભાગી જાય છે; ત્રણ દીકરી સાથે ઝૈનબ લાપતા થઈ, બે દીકરી વર્ષોથી કેદમાં
મને મદદ કરો. હું અને મારા બાળકો અમારા જીવન અને સુરક્ષા માટે ભયભીત છીએ. અમે એક રીતે બેઘર છીએ કારણ કે અમને દુબઈની એક હોટેલમાં ચાર વર્ષથી રહીએ છીએ. મારી ત્રણેય દીકરીઓ બહાર નીકળી શકતી નથી. મને ડર છે કે ગમે ત્યારે મારી ધરપકડ કરીને કેદ કરી લેવામાં આવશે. આ શબ્દો ઝૈનલ જવાદલીના છે. તેણે એક વીડિયો વાયરલ કરીને આ વાત કરી હતી. તે દુબઈના શાહી પરિવારની પુત્રવધૂ છે. છેલ્લા બે દાયકામાં ચાર કેસ એવા આવ્યા જેમાં મહિલાઓ પેલેસ છોડીને ભાગી ગઈ હોય. દુબઈના પેલેસમાં આખરે શું ચાલી રહ્યું છે? ઝૈનબનો કિસ્સો તો લેટેસ્ટ છે. ડેવિડ હેગ મૂળ બ્રિટીશ વકીલ અને હ્યુમન રાઈટ્સ કેમ્પેનર છે. તેણે 4 જૂન 2026એ પોસ્ટ કરીને લખ્યું કે ઝૈનબ અને તેની ત્રણેય દીકરીઓ લાપતા છે. એ પછી 5 જૂને નવી પોસ્ટ કરીને ડેવિડે લખ્યું કે, ઝૈનબ 5 દિવસથી અટકાયતમાં છે. તેને તેના વકીલો સાથે મળવા દેવાતી નથી. તેને કોન્સ્યુલર એક્સેસની મનાઈ છે. તેની ત્રણ પુત્રીઓ સના, આસિયા અને સલમા ગુમ છે. આ કોઈ અલગ કેસ નથી. આ એક પેટર્ન છે. રાજકુમારી શમસા, રાજકુમારી લતીફા, જોર્ડનની રાજકુમારી હયા અને હવે ઝૈનબ. એ જ શાસક. એ જ રીત. એ જ મૌન. અહીંથી જ દુબઈ પેલેસની મિસ્ટ્રી શરૂ થાય છે. આ મિસ્ટ્રીઝને ચેપ્ટર વાઈઝ સમજીએ તે પહેલાં થોડી પૂર્વ ભૂમિકા વાંચી લો… દુબઈ. દુનિયાનું સૌથી મોટું ટુરિસ્ટ સિટી. દુનિયાનું સૌથી મોટું ઈન્ટવેસ્ટમેન્ટ સિટી. અહીંની ઝાકઝમાળ ભરેલી દુનિયા ત્યાંના રાજા ચલાવે છે. રાજાનું નામ છે- શેખ મોહમ્મદ બિન રાશીદ અલ મકતુમ. અત્યારે જે દુબઈ છે, તે એમનું જ વિઝન છે. દરિયા વચ્ચે પામ એટલાન્ટિસ, દુનિયાની ઊંચી ઈમારત બુર્જ ખલીફા, મિરેકલ ગાર્ડન, દુબઈ ફ્રેમ, દુબઈ આઈ, દુબઈ મોલ આ બધું એમની જ દેન. મીડલ ઈસ્ટના જ લોકો નહીં, દુનિયાના લોકો આ રાજાને મહાન માને છે. ઘણા લોકો દુબઈ અને UAEને એક માને છે પણ એવું નથી. UAE એ સાત મોટા શહેરોનો સમૂહ છે, તેમાંનું સૌથી મોટું શહેર એટલે દુબઈ. સાત શહેરોમાં ચૂંટણી થતી નથી. રાજાશાહી પરિવારો જ અંદરો અંદર બધું નક્કી કરી લે છે. અબુધાબીના રાજા UAEના રાષ્ટ્રપતિ છે અને દુબઈના રાજા શેખ મોહમ્મદ બિન રાશીદ અલ મકતુમ UAEના વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ બંને છે. એટલે પૂરેપૂરો પાવર. દુબઈના રાજા શેખ મોહમ્મદ બિન રાશીદ અલ મકતુમની અબજો ડોલરની સંપત્તિ છે. આખું દુબઈ પોતે ચલાવે છે. 76 વર્ષના આ રાજાએ છ લગ્ન કર્યા. 30 સંતાનોના પિતા છે. છએ છ પત્ની અલગ અલગ દેશની છે. પહેલી પત્ની દુબઈની જ છે અને તેનાથી 12 સંતાન છે. આ સિવાય જોર્ડન, બલ્ગેરિયાની છે, ગ્રીસની પત્નીઓ છે. જોકે શેખે છમાંથી પાંચને તો તલાક આપી દીધા છે. દુબઈનું રોયલ ફેમિલી રિચેસ્ટ છે. અબજો ડોલરની સંપત્તિમાં આળોટે છે. દરેકનો પર્સનલ સ્ટાફ છે. એક જ પ્રિમાઈસીસમાં 3 પેલેસ છે. જેમાં રાજા પોતે રહે છે તે ઝબીલ પેલેસ છે. આ પેલેસનો ઘેરાવો 10 કિલોમીટરનો છે. તેની નજીક તેના ક્રાઉન પ્રિન્સ હમદાનનો પેલેસ છે. તે ડાયમંડ પેલેસ છે અને ત્રીજો પેલેસ પરિવારજનો માટે છે. તેનું નામ છે- નદ અલ શેબા. નહીં નહીં તો ય 35 કિલોમીટર વિસ્તારમાં આ ત્રણેય પેલેસ ફેલાયેલા છે. મોટા રસ્તા, કરોડો રૂપિયાની આલિશાન કારો, ઊંચી ઊંચી ઈમારતો, ઈન્ટરનેશનલ સ્ટોર્સ દુબઈની આ જાહોજલાલી દુનિયાને ખેંચે છે. પણ પેલેસની અંદરની દુનિયા અલગ છે. દુબઈની ઊંચી ઈમારતો વચ્ચે પેલેસમાં એવું તે શું ચાલી રહ્યું છે કે મહિલાઓ ત્યાં રહેવા માગતી નથી, તેની વાત કરીશું. 2002થી 2026 સુધીમાં ચાર કિસ્સા એવા બની ગયા છે જેનાથી દુનિયાને જાણ થઈ કે દુબઈના રાજા બહાર ભલે સારું સારું બતાવે પણ પેલેસ એ પેલેસ નથી, સોનાનું પાંજરૂં છે. તેમાંથી નીકળવા ઘણી મહિલાઓ મથે છે. આ વાત એટલા માટે કરવાની છે કે 4 જૂન 2026ના દિવસે દુબઈ રહેતા મૂળ બ્રિટિશર હ્યુમન રાઈટ્સ કેમ્પેનર ડેવિડ હેગે એક પોસ્ટ કરી. તેમાં લખ્યું કે ઝૈનબ જવાદલી અને તેની ત્રણ દીકરી મિસિંગ છે. તેનો અત્તોપત્તો નથી. ઝૈનબ જવાદલી દુબઈના રોયલ ફેમિલીની પુત્રવધૂ છે. દુબઈના રાજા શેખ મોહમ્મદના ભત્રીજા શેખ સઈદની ત્રીજી પત્ની છે ઝૈનબ. એની સ્ટોરી પણ દિલચસ્પ છે. ત્રણ કિસ્સા તો રાજાના પોતાના છે. ઝૈનબના કિસ્સાથી દુબઈનો શાહી પરિવાર ફરી દુનિયાની નજરમાં આવી ગયો છે. અત્યારે ઝૈનબ જવાદલી અને તેની ત્રણ દીકરી ક્યાં છે તે કોઈને ખબર નથી પણ અહીં એક પછી એક કિસ્સાના ચેપ્ટર આપ્યા છે. શરૂઆત 2026ના જ કિસ્સાથી કરીએ. ઝૈનબ જવાદલી મીડલ ઈસ્ટના જ દેશ અઝરબૈજાનની નામાંકિત જિમનાસ્ટિક પ્લેયર હતી. 1991માં જન્મેલી ઝૈનબ કોઈ શાહી પરિવારમાંથી નહોતી. મીડલ ક્લાસ પરિવાર. નાનપણથી જિમનાસ્ટિકનો શોખ. ધીમે ધીમે મહેનત રંગ લાવી અને તે અઝરબૈજાનની નેશનલ જિમનાસ્ટિક ટીમ સુધી પહોંચી. એ સમયે ઝૈનબ અઝરબૈજાનનો ચહેરો બની ગઈ હતી. 2012માં મોટી ઈજા થઈ અને તેણે સ્પોર્ટ્સ છોડવું પડ્યું. પછી તેણે બાળકોને જિમનાસ્ટિકની ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. પહેલા તુર્કીમાં ટ્રેનિંગ આપી. પછી બાકુ પરત ફરીને પોતાની જિમનાસ્ટિક સ્કૂલ પણ ખોલી. પછી આવ્યું 2015નું વર્ષ. થયું એવું કે એ વખતે અઝરબૈજાનના ગબાલા શહેરમાં ઈન્ટરનેશનલ શૂટિંગ કોમ્પિટિશન હતી. આ કોમ્પિટિશનમાં તેની મુલાકાત દુબઈના શાહી પરિવારના સદસ્ય શેખ સઈદ બિન મકતુમ બિન રાશીદ અલ મકતુમ સાથે થઈ. ટૂંકું નામ શેખ સઈદ. તે દુબઈના રાજાનો ભત્રીજો. સઈદ સાધારણ વ્યક્તિ તો નહોતો. તેના પિતા દુબઈના રાજા રહી ચૂક્યા હતા. પોતે પાંચ વખત ઓલિમ્પિક ગેઈમ્સમાં UAEનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો હતો. અરબ દુનિયામાં જાણીતો ચહેરો હતો. 2015માં શેખ સઈદ અને ઝૈનબની પહેલી મુલાકાત થઈ. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્ન સુધી તો બધું બરાબર હતું પણ લગ્ન પછી ઝૈનબની જિંદગી બદલાઈ ગઈ. બાકુથી દુબઈ આવી ને શાહી પરિવારનો ભાગ બની. તેના માટે આ બધું નવું હતું. આલિશાન મહેલ, પર્સનલ સ્ટાફ, રોલ્ય રોયસ જેવી ગાડીઓ, બધું તેની જિંદગીમાં વણાવા લાગ્યું. સોશિયલ મીડિયા પર પરિવારની તસવીરો આવતી હતી. લક્ઝરી લાઈફ હતી. શાહી ઠાઠ હતા. શેખ સઈદ અને ઝૈનબને 3 દીકરી પણ થઈ. 2019માં ઝૈનબ અને સઈદના સંબંધમાં તિરાડ પડી ને બંનેના તલાક થઈ ગયા. એ પછી ત્રણેય દીકરીઓની કસ્ટડીની લડાઈ શરૂ થઈ. સઈદ નહોતો ઈચ્છતો કે બાળકો ઝૈનબ પાસે રહે. 2020માં ઝૈનબ એક વીડિયો વાયરલ કરે છે જેમાં તે રડતી જોવા મળે છે. તેમાં તેણે કહ્યું કે તેને મહેલમાં ટોર્ચર કરવામાં આવે છે. ધમકાવાય છે અને દીકરીઓને અલગ કરવાની કોશિશ થાય છે. ઝૈનબે બ્રિટીશ હ્યુમન રાઈટ્સ કેંપેનર અને વકીલ ડેવિડ હેગને હાયર કર્યા. ઝૈનબે તેની ત્રણેય દીકરીઓને પોતાની પાસે રાખી. પોતે મહેલમાંથી ગમે તેમ કરીને નીકળીને એક હોટેલમાં રહેવા લાગી. હોટેલના રૂમમાંથી ન પોતે બહાર નીકળતી, ન બાળકોને બહાર નીકળવા દેતી. હોટેલમાંથી પણ રડતાં રડતાં મદદ માગતી હોય તેવા વીડિયો વાયરલ કર્યા. લગભગ ચાર વર્ષ સુધી એક જ હોટેલના એક જ રૂમમાં મા અને 3 દીકરી રહ્યાં. સઈદે કોર્ટના દરવાજા ખખડાવ્યા કે હોટેલના એક રૂમમાં ત્રણેય દીકરીઓ મુંઝાતી હશે, તે સ્કૂલે જઈ શકતી નથી એટલે તેની કસ્ટડી મને મળે, પણ કોર્ટે કોઈ આદેશ આપ્યો નહીં. અંતે શાહી પરિવાર તેની અસલીયત પર ઉતરી આવ્યો ને હોટેલમાં એક રાત્રે દુબઈ પોલીસ પહોંચી ગઈ. ઝૈનબ અને ત્રણ દીકરીઓને ઉઠાવી લીધા. આ બન્યું 3 જૂન 2026ની રાત્રે ને 4 જૂન 2026એ ડેનિડ હેગે પોસ્ટ કરતાં જ દુનિયાને જાણ થઈ. ઝૈનબ અને તેની દીકરીઓ અત્યારે ક્યાં છે તે કોઈને ખબર નથી. દુબઈ પોલીસ એવું કહે છે કે ઝૈનબ તો અમારી કસ્ટડીમાં છે. સાચું- ખોટું શેખ જાણે. (એનાલિસિસ પોઈન્ટ: જ્યારે ઝૈનબે 2020માં વીડિયો જાહેર કર્યો ત્યારે રડતાં રડતાં એવું કહ્યું હતું કે, હું એ જેલ જેવા પેલેસમાં ફરી જવા માગતી નથી. મને ટોર્ચર કરાય છે, માર મારવામાં આવે છે અને મારી દીકરીઓ ત્યાં સેફ નથી. એનો મતલબ એ કે દુબઈના ઝબીલ પેલેસમાં મહિલાઓ સલામત તો નથી જ. પછી એ યુવતી હોય કે બાળકીઓ. બહારથી દેખાતી ચમકદાર દુનિયા વચ્ચે અંધકારભરી દુનિયા દબાઈ ગઈ છે. સિક્કાની બીજી બાજુ એ છે રોયલ પરિવાર પોતાનો બચાવ કરવામાં પાછો પડતો નથી. આ કેસમાં પણ શેખ સઈદે કોર્ટમાં આંસુ સાર્યા કે ઝૈનબ માથાભારે છે, મારી ત્રણ દીકરીઓને લઈ ગઈ છે ને કસ્ટડી આપતી નથી. આમાં મારો કોઈ વાંક નથી. જો વાંક નથી તો દુબઈ પોલીસ ઝૈનબ અને ત્રણ દીકરીઓને ઉઠાવીને ક્યાં લઈ ગઈ?) અહીં દુબઈના રાજા શેખ મોહમ્મદની જોર્ડનની ત્રીજા નંબરની પત્નીની વાત કરવાની છે. 2004માં દુબઈના રાજા શેખ મોહમ્મદે ત્રીજા લગ્ન કર્યા. જોર્ડનની રાજકુમારી હયા બિન અલ હુસેન સાથે. ત્યારે રાજાની ઉંમર 54 વર્ષ હતી અને રાજકુમારી 30 વર્ષની. ભણેલી-ગણેલી રાજકુમારી રૂપરૂપનો અંબાર. સ્પોર્ટ્સની શોખીન. પબ્લિક લાઈફમાં પણ જાણીતી. સ્વભાવે ઓપન માઈન્ડેડ. જ્યારે હયાના લગ્ન શેખ મોહમ્મદ સાથે થયા ત્યારે મીડલ ઈસ્ટમાં બે શાહી પરિવારનું મિલન માનવામાં આવ્યું. લગ્ન પછી હયા દુબઈના પેલેસમાં પહોંચી. શાહી જીવન જીવતી હતી. બે બાળકો થયા. દીકરો ઝાયેદ અને દીકરી જલીલા. 2006માં શેખ મોહમ્મદના મોટાભાઈનું નિધન થઈ ગયું પછી તે પોતે રાજા બની ગયા. એ હિસાબે હયા દુબઈની રાણી બની ગઈ. હયાને આછોપાતળો ખ્યાલ હતો કે પેલેસમાં મહિલાઓ ટકતી નથી. તેને પરેશાન કરાય છે. પોતાને અનુભવ પણ થયો. પછી હયાને થયું કે હવે દુબઈના પેલેસમાં રહેવાય નહીં. તેણે ભાગવાનો પ્લાન બનાવ્યો. પાસપોર્ટ, ટિકિટ બધું રેડી કરાવ્યું. અંગત સ્ટાફને ફોડીને તક જોઈને દુબઈ છોડીને બ્રિટન પહોંચી ગઈ. બ્રિટનમાં તેણે આશ્રય માગ્યો. બ્રિટનની ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કર્યો. કેસમાં કહેવામાં આવ્યું કે, હું મારો બાળકોને ત્યાં નહીં રાખી શકું. ત્યાં બાળકોની મરજી વિરૂદ્ધના કામો થાય છે. ત્યાં બાળકો સેફ નથી. એટલે તે બ્રિટનમાં રહેશે અને દુબઈના રાજા શેખ મોહમ્મદ સાથે તલાક લેશે. શેખ મોહમ્મદે પત્ની હયા અને તેના વકીલના ફોન હેક કરાવ્યા. હેકીંગમાં તેમણે પેગાસસની મદદ લીધી હતી. બ્રિટનમાં ત્રણ વર્ષ કેસ ચાલ્યો ને 2021માં બ્રિટનની કોર્ટે હયાની તરફેણમાં ચૂકાદો આપ્યો. 550 મિલિયન પાઉન્ડમાં ડિવોર્સ સેટલ થયા. અંદાજે 7 હજાર કરોડ રૂપિયા. તેમાંથી અડધી રકમ કેશ આપવાનો હુકમ હતો. હયા આજે તેના બંને બાળકો સાથે બ્રિટનમાં જ રહે છે. પણ તેણે બ્રિટનમાં બેઠાંબેઠાં દુબઈના શેખના પગે પાણી લાવી દીધાં. હયાનો પર્સનલ સ્ટાફ હતો અને તેમાં બ્રિટિશ બોડીગાર્ડ હતો. હયાને તેની સાથે આડા સંબંધો બંધાયા, કોઈએ રાજાને કાનભંભેરણી કરી દીધી. રાજાએ વોચ રખાવી ને હયાનું પેલેસની બહાર નીકળવાનું બંધ થઈ ગયું. હયા જાણતી હતી કે જો વધારે સમય દુબઈના પેલેસમાં રહેશે તો રાજા તેની બે દીકરીની જેમ તેને પણ કેદ કરી લેશે. હયાએ બોડીગાર્ડની મદદ લીધી ને ભાગીને લંડન પહોંચી ગઈ. (એનાલિસિસ પોઈન્ટ : દુબઈ હોય કે ગલ્ફનો કોઈપણ દેશ હોય. આજે પણ મહિલાઓને સંતાન પેદા કરવાનું ‘મશીન’ જ મનાય છે અને પરપુરૂષ સાથે વાત કરવાની પણ છૂટ નથી. બંધન વચ્ચે આલિશાન પેલેસની ચમક દમકમાં સપનાં દબાઈ જાય છે. આ અરબ વર્લ્ડની વરવી વાસ્તવિકતા છે.) આગળના ચેપ્ટરમાં જોર્ડનની રાજકુમારી હયા બિન અલ હુસેનની વાત કરી. આ રાજકુમારી જ્યારે દુબઈની રાણી બનીને પેલેસ પહોંચી, ત્યારે તેણે એકવાર જોયું કે પેલેસમાં પણ એક જેલ છે અને ત્યાં ઘરના જ સભ્યોને બંદી બનાવવામાં આવે છે. એક દિવસ તેને એવી ખબર પડી કે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને ખબર પડી કે શેખ મોહમ્મદે તેની પહેલી પત્નીથી થયેલી બે દીકરીઓને આ જેલમાં કેદ રાખી છે. તેમાંથી એક દીકરીને સેન્ટ્રલ દુબઈના એક વીલામાં શિફ્ટ કરાઈ હતી. રાજકુમારી હયા સમજી ગઈ કે સગી દીકરીઓની આ હાલત હોય તો મારું ભવિષ્ય સેફ નથી. મારા બાળકોનું ભવિષ્ય સેફ નથી. બંનેને જેલમાં જોયા પછી તે સાવચેતીપૂર્વક રહેતી હતી. જેલમાં રાખેલી ને પછીથી જેને વિલામાં શિફ્ટ કરી હતી તે દીકરીનું નામ છે- લતીફા બિન મોહમ્મદ અલ મકતુમ. તેણે હિંમત કરીને 2002માં પેલેસમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. ત્યારે લતીફા 17 વર્ષની હતી. એટલે બીજી ગતાગમ નહોતી. જે વાહન મળ્યું તેમાં બોર્ડર સુધી પહોંચી પણ પકડાઈ ગઈ. પછી તેને પેલેસમાં અલગ રૂમમાં રાખવામાં આવી ને સિક્યોરિટી ગોઠવી દેવાઈ. તેને રૂમમાંથી બહાર નીકળવા પર મનાઈ ફરમાવી દેવાઈ. જિંદગી દોઝખ બનવા લાગી. સમય વિતતો ગયો. 17 વર્ષની લતીફા 2018માં 33 વર્ષની થઈ ચૂકી હતી. એ જ વર્ષમાં તેણે નક્કી કર્યું કે ગમે તે થાય, દુબઈમાં નથી રહેવું. લતીફાએ તેની નાનપણની ફ્રેન્ડ ટીના ઝોહયાનેનને ચોરી છુપે ફોન કર્યો. ટીનાએ પ્લાન બનાવ્યો અને દુબઈમાંથી ભાગવા માટે નેસ્ટ્રોમો નામની નાનકડી યાટ (નાની ઈલેક્ટ્રીક બોટ) લીધી. ટીના અને લતીફાને યાટ ભાડે કરીને ભગાડવા માટે ફ્રાન્સના પૂર્વ ગુપ્તચર ઓફિસર હર્વે જોબર્ટે મદદ કરી. પણ દુબઈમાં જેનું રાજ હોય તેનાથી આવી વાત છુપી ન રહે. શેખને ખબર પડી ગઈ કે લતીફા દરિયાઈ રસ્તે ભાગી ગઈ છે. તેમણે યાટને ટ્રેક કરવાનું શરૂ કરાવ્યું. બીજા દેશોને જાણ કરીને મદદ માગી. આ તરફ હવામાં આઝાદીનો શ્વાસ લેતી લતીફા યાટમાં બેસીને બ્લૂ દરિયો જોતાં જોતાં સપનાં સજાવતી હતી કે બીજા દેશમાં જઈને સેટલ થઈશ. ભણીશ, આગળ વધીશ, મારી રીતે જીવી શકીશ. મધદરિયે રાત પડી તો યાટના ઉપલા ડેક પર જઈને તારલા જોવા લાગી. ત્યારે ખબર પડી કે દુનિયા કેટલી સુંદર છે. ત્રીજા દિવસની બપોરે દુબઈથી નીકળેલી યાટ ગોવાના કિનારે પહોંચી. જોયું તો ત્યાં ભારતની એજન્સીઓ ત્રણ બોટ સાથે ઊભી હતી. લતીફા ગભરાઈ ગઈ. તે અને તેની ફ્રેન્ડ યાટના બાથરૂમમાં પુરાઈ ગયાં. ભારતીય એજન્સીઓએ યાટ પર જઈને લતીફાને કહ્યું કે, દુબઈ સરકાર અને ભારત સરકાર વચ્ચે વાતચીત થઈ છે. તમને ફરી દુબઈ મોકલવાના છે. આ તરફ અમિરાતનું પ્રાઈવેટ પ્લેન ગોવા પહોંચી ગયું હતું. લતીફા બાથરૂમની બહાર આવતી નહોતી. અંતે સ્મોક સેલ છોડીને તેને બહાર કાઢવામાં આવી અને ગોવાથી પ્રાઈવેટ વિમાનમાં દુબઈ મોકલી દેવાઈ. તે ભારતીય એજન્સીઓ પાસે કરગરતી હતી કે, મને તમે ગોળી છોડીને મારી નાખો પણ દુબઈ ન મોકલો. તેણે દુબઈથી આવેલા કમાન્ડોના હાથે બચકું ભરી લીધું. તેને બેભાન કરીને દુબઈ લઈ જવામાં આવી. અંતે દુબઈના એ જ પેલેસના કેદખાનામાં લતીફા પહોંચી ગઈ. તેણે 2020માં કેદખાનામાં સિક્રેટ મોબાઈલ ફોન મેળવીને વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો ત્યારે દુબઈના પેલેસની વરવી વાસ્તવિકતા સામે આવી હતી. લતીફાએ વાયરલ કરેલા વીડિયોમાં કહ્યું હતું કે, મને સેન્ટ્રલ દુબઈના એક વીલામાં રાખવામાં આવી છે. હું બંધક છું અને આ વીલા બંગલાને જેલ બનાવવામાં આવ્યો છે. કોઈ બારી ખુલતી નથી. હું એકલી રહું છું. કોઈ મેડીકલ સુવિધા નથી. કાંઈ નથી. 30 પોલીસવાળા વારાફરતી વીલા પર પહેરો આપે છે. દુબઈના રાજા, તેના દીકરાઓ મોજ કરે છે. નાઈટ ક્લબમાં છોકરીઓ સાથે ડાન્સ કરે છે પણ દીકરીઓને કોઈ છૂટ નથી. મને દુબઈ પોલીસે ધમકી આપી છે કે હું જીવનભર કેદમાં રહીશ અને સૂરજ નહીં જોઈ શકું. તેણે છેલ્લે એક લાઈન કહી કે, મારી મોટી બહેન શમસા તો મારાથી પણ ખરાબ હાલતમાં છે. એ પણ પેલેસના કેદખાનામાં છે. બીબીસીના સૌજન્યથી ધ ગાર્ડિયને યૂટ્યૂબ પર લતીફાનો આ વીડિયો મૂક્યો છે… આ વીડિયો વાયરલ થયા પછી યુએનથી દુબઈ સુધી તપાસ લંબાઈ હતી. યુએનના લેડી પ્રતિનિધિ મેરી રોબિન્સન દુબઈ પહોંચ્યા હતા, પણ તેની સામે હકીકતો છુપાવામાં આવી. લતીફા આજે 42 વર્ષની છે. તેનો સિક્રેટ ફોન પણ બંધ થઈ ગયો છે. લતીફા જીવે છે કે નહીં, તે ખબર નથી. પણ લતીફાએ તેના વીડિયોમાં એક વાત કરી હતી કે તેની બહેન શમસા વધારે ખરાબ હાલતમાં છે. શમસાનો કિસ્સો જાણો નવા ચેપ્ટરમાં… (એનાલિસિસ પોઈન્ટ : આરબ વર્લ્ડમાં એક પુરૂષને ચાર-પાંચ લગ્ન કરવાની છૂટ છે. પણ મહિલાઓને બોલવાની, બહાર નીકળવાની આઝાદી નથી. ખાસ કરીને ત્યાં રહેતા શેખોની દીકરીઓને. દીકરી ઘરમાં બળવો કરે તો ખતમ કરી દેવાય છે. મોર્ડન ટેકનોલોજી, AI વર્લ્ડ અને આલિશાન દુનિયા વચ્ચે પણ આરબ શેખોની માનસકિતામાં બદલાવ આવ્યો નથી. એ લોકો મહિલાઓને ગુલામની જેમ રાખવામાં માને છે.) દુબઈના રાજા શેખ મોહમ્મદ બિન રાશીદ અલ મકતુમના ઝબીલ પેલેસમાં બધું બરાબર ચાલતું નથી તે વાત પહેલીવાર દુનિયા સામે આવી 2000ની સાલમાં. એ વખતે થયું હતું એવું કે દુબઈના રાજાની પહેલી પત્નીની દીકરી હતી. નામ શમસા. શમસાને સ્પોર્ટસ ગમે, ટ્રાવેલિંગ ગમે, હરવું ફરવું ગમતું. તેને ગિફ્ટ આપવી ને લેવી ગમતી. પણ તેના પિતા શેખ મોહમ્મદને આ પસંદ નહોતું. તે લંડન ભણતી પણ તેના પિતાએ એજન્ટોને નજર રાખવા રાખ્યા હતા. શમસા 18 વર્ષની થઈ. ભણવાનું પૂરું થવામાં હતું. શમસાને થયું કે હવે દુબઈના એ પેલેસમાં જવું પડશે. તેને જવું નહોતું. તે હિંમત કરીને કેમ્બ્રિજની હોસ્ટેલમાંથી ભાગી ગઈ. આ વાતની જાણ થઈ એટલે કેમ્બ્રિજ પોલીસે સર્ચ શરૂ કર્યું. લંડનના રસ્તા પરથી દુબઈની રાજકુમારી શમસાને પકડી લેવાઈ. તેને દુબઈ મોકલી દેવામાં આવી. કેમ્બ્રિજ પોલીસે છેક દુબઈ સુધી તપાસ લંબાવી પણ પુરાવાના અભાવે કેસ દબાઈ ગયો. શમસાનો આ પહેલો કિસ્સો હતો જ્યારે દુનિયાને દુબઈ પેલેસમાં ચાલતા કરતૂતોની જાણ થઈ. દુબઈના રાજા સમસમી ગયા હતા. તેની આબરૂ પર કલંક લાગી ચૂક્યું હતું. શમસા લંડનથી દુબઈ પહોંચી. બસ, ત્યારથી તે જાહેરમાં નથી દેખાઈ. તેની નાની બહેન લતીફાએ વીડિયો વાયરલ કર્યો તેમાં કહેલું કે શમસાને જેલમાં નાખી દીધી છે તેની જિંદગી નરક બની ગઈ છે. મારી મોટી બહેન શમસા મારી માતા જેવી હતી. તેને જેલમાં નાખી પછી 8 વર્ષે હું તેને મળી. ઓળખી ન શકી. તે બરાબર ચાલી શકતી નહોતી. તેની ઈચ્છાશક્તિ દબાવવા માટે હેવીપાવરની ગોળીઓ આપવામાં આવી હતી. તે ઝોમ્બી જેવી બની ગઈ હતી. શમસાના પિતરાઈ ભાઈ માર્ક્સ એસ્સાબરીએ બીબીસીને કહ્યું હતું કે શમસા જીવે છે પણ યાદશક્તિ ખોઈ બેઠી છે. તેને નર્સ અને ગાર્ડની સાથે જ કોટડીની બહાર નીકળવાની છૂટ છે. તે ગોળીઓના કારણે જીવતી લાશ બની ગઈ છે. 2018માં શમસાનો કેસ પાછો ખુલ્યો ને 2019માં કોર્ટે કબૂલ્યું કે તેની બંને દીકરીઓનું અપહરણ કરીને કેદમાં રાખનારા તેના પિતા શેખ મોહમ્મદ જ છે. રાજા સામે આરોપ લાગ્યા પણ એ તો રાજા હતા. ઉપરાષ્ટ્રપતિ પણ હતા. એટલે સજા થઈ નહીં. લતીફાએ એક વીડિયોમાં કહેલું કે તેના પિતા પોતાની પ્રતિષ્ઠા અને ઈમેજ જાળવી રાખવા કોઈપણ હદે જઈ શકે છે. શમસાનું લંડનમાંથી અપહરણ થયું ત્યારે તે 20 વર્ષની હતી. અત્યારે 45 વર્ષની થઈ ચૂકી છે. તેના અપહરણને 22 વર્ષ થઈ ચૂક્યા છે. બંને બહેનો કેદ છે. દુબઈની ઝાકઝમાળ ને ઊંચી ઈમારતો વચ્ચે હજી ઘણા રહસ્યો દબાયેલાં છે. (એનાલિસિસ પોઈન્ટ : ભારતમાં દીકરીને વ્હાલનો દરિયો ગણાય છે. બેટી બચાવો, બેટી પઢાઓ જેવી સૂત્રો અપાય છે. તેનું કારણ એ છે કે ભારતમાં તેની સંસ્કૃતિનો આત્મા વસે છે. દુબઈ કોપી પેસ્ટ જેવું શહેર છે. ઈમારતો ને ઝાકઝમાળ તો ઘણા છે પણ દુબઈમાં ત્યાંનો સાંસ્કૃતિક આત્મા નથી. એટલે બહેન- દીકરીઓ, પુત્રવધૂઓ આઝાદી ઈચ્છે છે, આઝાદી દિલ કી..)
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

