'પંડ્યા સ્ટોર' ફેમ રોહિતે 16 વર્ષની સગીરા સાથે છેડતી કરી:એક્ટર પર પીછો કરીને ગાળાગાળી-મારપીટ કર્યાનો આરોપ, પોક્સો એક્ટ હેઠળ ધરપકડ

Last Updated: July 12, 2026By

‘પંડ્યા સ્ટોર’ સિરિયલ ફેમ એક્ટર રોહિત ચંદેલની સગીરા સાથે છેડછાડ કરવા અને તેનો પીછો કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તેના પર મારપીટ કરવાનો પણ આરોપ લાગ્યો છે. ‘એબીપી ન્યૂઝ’ના રિપોર્ટ અનુસાર, રોહિત વિરુદ્ધ 10 જુલાઈએ પોક્સો એક્ટ (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ) હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. 10 જુલાઈએ જ તેને મુંબઈના દહિસર સ્થિત તેના ઘરેથી ધરપકડ કરીને સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. હાલમાં એક્ટર કસ્ટડીમાં છે. સગીરાનો પીછો કરીને મારપીટ કરી શુક્રવારે મુંબઈના પૂર્વ ઉપનગરની રહેવાસી 16 વર્ષની સગીરાની ફરિયાદ મળ્યા બાદ પંત નગર પોલીસ સ્ટેશને એક્ટર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 78 (પીછો કરવો) અને 115(2) (ઈજા પહોંચાડવાનો ઈરાદો) પણ લગાવી છે. એક્ટર પર આરોપ છે કે, તે સગીરાને પોતાના નંબર પરથી ફોન કરીને વારંવાર પરેશાન કરી રહ્યો હતો. જ્યારે સગીરાએ તેનો ફોન ઉપાડવાનું બંધ કર્યું, ત્યારે એક્ટર બીજા નંબર પરથી વારંવાર ફોન કરીને પરેશાન કરવા લાગ્યો. ફરિયાદ મુજબ, 5 જુલાઈએ રોહિતે સગીરાને તેના ઘર પાસે જબરદસ્તી રોકવાનો પ્રયાસ કર્યો અને બાદમાં તેનો પીછો પણ કર્યો. જ્યારે છોકરીએ વિરોધ કર્યો, ત્યારે એક્ટરે દલીલ કરતા કરતા તેને ગાળો આપી અને મારપીટ કરી. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’એ પોલીસ અધિકારીને ટાંકીને લખ્યું છે કે, ‘જે વિસ્તારમાં કથિત ઘટના બની છે, ત્યાંના સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસ એકત્રિત કરશે. પોલીસ સગીરાનું વિગતવાર નિવેદન પણ નોંધશે, જેના આધારે તપાસ આગળ વધશે.’ કોણ છે રોહિત ચંદેલ? રોહિત ચંદેલે સ્ટાર પ્લસના પ્રખ્યાત શો ‘પાંડ્યા સ્ટોર’માં ધવલ મકવાણા અને ઝી ટીવીના ઐતિહાસિક શો ‘કાશીબાઈ બાજીરાવ બલ્લાલ’માં બાજીરાવની ભૂમિકા ભજવી હતી. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાહદાનો રહેવાસી રોહિત અભિનયમાં આવતા પહેલા પ્રોફેશનલ ક્રિકેટ રમી ચૂક્યો છે. તે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માટે ક્રિકેટ રમ્યો અને માર્શલ આર્ટ્સમાં પણ પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું. વર્ષ 2015માં રોહિત એક્ટિંગમાં કરિયર બનાવવા માટે મુંબઈ પહોંચ્યો. શરૂઆતના તબક્કામાં તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. લગભગ 90 ઓડિશનમાં રિજેક્ટ થયા પછી તેને પહેલી કોમર્શિયલ જાહેરાત મળી. આ પછી તેણે ‘હર મુશ્કિલ કા હલ અકબર બીરબલ’થી ટીવી ડેબ્યૂ કર્યું. આગળ જતાં તે ‘ચંદ્રગુપ્ત મૌર્ય’, ‘તમન્ના’ અને ‘યે ઉન દિનોં કી બાત હૈ’ જેવા ઘણા ધારાવાહિકોમાં જોવા મળ્યો. વર્ષ 2022માં તેણે ડિઝની+ હોટસ્ટારની વેબ સિરીઝ ‘એસ્કેપ લાઇવ’માં રાજકુમારનું પાત્ર ભજવ્યું, જેને દર્શકોએ પસંદ કર્યું. ‘કાશીબાઈ બાજીરાવ બલ્લાલ’ અને ‘પંડ્યા સ્ટોર’એ તેને ઘેર ઘેર પ્રખ્યાત કર્યો. તાજેતરમાં તે ‘સૈરાબ’ અને ‘ચાવલ સે ચેમ્પિયનશિપ તક’ જેવી સિરીઝમાં જોવા મળ્યો.

Leave A Comment