પિતાને યાદ કરીને રિતેશ દેશમુખ સ્ટેજ પર રડી પડ્યો:છત્રપતિ શિવાજીનું પાત્ર ભજવતી વખતે પિતાની ખોટ સાલી, પત્ની જેનેલિયા પણ આંસુ રોકી ન શકી

Last Updated: April 22, 2026By

રિતેશ દેશમુખની ફિલ્મ ‘રાજા શિવાજી’નું દમદાર ટ્રેલર રિલીઝ થયું છે. મુંબઈમાં ફિલ્મની ટ્રેલર લોન્ચ ઇવેન્ટ યોજાઈ હતી. આ દરમિયાન રિતેશ દેશમુખ ભાવુક થઈ ગયો હતો. ‘છત્રપતિ શિવાજી મહારાજ’ના પાત્ર વિશે વાત કરતા કરતા તેને ગળે ડુમો ભરાઈ ગયો હતો, અને તે સ્ટેજ પર જ રડી પડ્યો હતો. શિવાજીનું પાત્ર ભજવવાના પડકારો વિશે જણાવતા સમયે તેણે પિતા વિલાસરાવ દેશમુખને યાદ કર્યા હતા. દરમિયાન વાતાવરણ ભાવનાત્મક બની ગયું હતું. પતિની આંખોમાં આંસુ જોઈને જેનેલિયા ડિસોઝા પણ રડી પડી હતી. ‘છત્રપતિ શિવાજી મહારાજનું પાત્ર ભજવવું ગર્વનું પ્રતીક છે’ રિતેશે કહ્યું કે, ‘આ પાત્ર મારા માટે માત્ર એક ભૂમિકા નથી, પરંતુ ગર્વ અને જવાબદારીનું પ્રતીક છે. ‘છત્રપતિ શિવાજી મહારાજ’નું પાત્ર ભજવવું મારા કરિયરનો સૌથી પડકારજનક અનુભવ રહ્યો છે. આ પાત્ર ભજવતી વખતે મને વારંવાર પિતાની શીખ અને મૂલ્યો યાદ આવ્યા, જેણે મને મજબૂત બનાવ્યો, પરંતુ ભાવુક પણ કર્યો.’ ‘પિતાના સંસ્કારો આગળ વધવાની તાકાત આપે છે’ વાત કરતાં-કરતાં રિતેશનો અવાજ ભરાઈ આવ્યો અને તે થોડી ક્ષણો માટે ચૂપ થઈ ગયો. તેણે કહ્યું કે, ‘પિતાના ગયા પછી જીવનમાં ખાલીપો આવી ગયો, જેને ભરવો સહેલો નથી. છેલ્લા 12 વર્ષની આ સફર મુશ્કેલ રહી, પરંતુ પિતાએ આપેલા સંસ્કારો મને આગળ વધવાની તાકાત આપે છે.’ જેનેલિયા પણ આંસુ રોકી ન શકી આ દરમિયાન સ્ટેજ પર હાજર તેની પત્ની જેનેલિયા ડિસોઝા પોતાને સંભાળી શકી નહીં. રિતેશને ભાવુક થતો જોઈને તેની આંખો પણ ભરાઈ આવી. જેનેલિયા આ ફિલ્મમાં એક્ટિંગની સાથે પ્રોડ્યુસરની ભૂમિકા પણ ભજવી રહી છે, જેના કારણે આ પ્રોજેક્ટ તેના માટે ખાસ છે. ફિલ્મમાં સંજય દત્ત, અભિષેક બચ્ચન અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. ટ્રેલર લોન્ચમાં હાજર કલાકારો અને દર્શકોએ ફિલ્મના ભવ્યતા અને વિષયને લઈને ઉત્સુકતા વ્યક્ત કરી. એકંદરે, ‘રાજા શિવાજી’નું ટ્રેલર લોન્ચ માત્ર એક ફિલ્મી ઇવેન્ટ નહોતી, પરંતુ એક એવી ક્ષણ બની ગઈ, જ્યાં અંગત યાદો, લાગણીઓ અને ઐતિહાસિક પાત્રનો ભાર એકસાથે જોવા મળ્યો. આ જ કારણોસર રિતેશ અને જેનેલિયાના આંસુ તે લાગણીનું ઊંડાણ દર્શાવી ગયા. રિતેશ-જેનેલિયાનો દીકરાએ ભજવ્યું બાળ શિવાજીનું પાત્ર ‘રાજા શિવાજી’નું દમદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 2 મિનિટ 59 સેકન્ડના આ ટ્રેલરની શરૂઆત શિવાજી મહારાજના બાળપણથી થાય છે. ટ્રેલરમાં બાળ શિવાજી મુઘલો વિશે વાત કરતા જોવા મળે છે. ત્યાર બાદ રાજા શિવાજીના પાત્રમાં રિતેશ દેશમુખની એન્ટ્રી થાય છે, જે મરાઠા સામ્રાજ્ય પર ખરાબ નજર નાખનારા દુશ્મનો પર હુમલો કરતા જોવા મળે છે. ફિલ્મમાં રિતેશ દેશમુખની પત્ની જેનેલિયા ડિસોઝા રાજા શિવાજીના પત્ની સાઈ બાઈના પાત્રમાં જોવા મળે છે. સાઈ બાઈ રાજા શિવાજીને દુશ્મનો સામે લડવા માટે પ્રોત્સાહિત કરે છે. નોંધનીય છે કે, ફિલ્મમાં બાળ શિવાજીનું પાત્ર રિતેશ દેશમુખના દીકરા રાહિલે ભજવ્યું છે.

Leave A Comment