પેટ્રોલ-ડીઝલ અને ATF ની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો:પેટ્રોલ પર એક્સપોર્ટ ડ્યુટી ઝીરો થઈ, ડીઝલ પર ₹24 અને ATF પર ₹19.5 પ્રતિ લિટર લાગશે

Last Updated: August 15, 2026By

કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને હવાઈ ઈંધણ એટલે કે ATFના એક્સપોર્ટ પર લાગતા વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે. નવા દરો 14 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે. નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલી અધિસૂચના અનુસાર, પેટ્રોલના એક્સપોર્ટ પરના ટેક્સને સંપૂર્ણપણે નાબૂદ એટલે કે ‘ઝીરો’ કરી દેવામાં આવ્યો છે, જ્યારે ડીઝલ અને જેટ ફ્યુઅલ પરની ડ્યુટીમાં રાહત આપવામાં આવી છે. કયા ઈંધણ પર કેટલો ઘટાડો થયો ડીઝલની નિકાસ પર વિશેષ વધારાની આબકારી જકાત એટલે કે SAEDને 25.5 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 24 રૂપિયા પ્રતિ લિટર કરી દેવામાં આવ્યો છે. આ જ રીતે ATF પરની એક્સપોર્ટ ડ્યુટીને 22 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 19.5 રૂપિયા પ્રતિ લિટર નક્કી કરવામાં આવી છે. સૌથી મોટી રાહત પેટ્રોલના એક્સપોર્ટ પર મળી છે. 3 ઓગસ્ટે લાદવામાં આવેલા 3.5 રૂપિયા પ્રતિ લિટરના ટેક્સને હવે ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો પર શું અસર થશે? નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશની અંદર સામાન્ય ગ્રાહકો માટે વેચાતા પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ડ્યુટી દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સ્થાનિક બજારમાં ઇંધણની કિંમતો પહેલાની જેમ જ રહેશે. આ નિર્ણય ફક્ત વિદેશોમાં ફ્યુઅલ એક્સપોર્ટ કરતી રિફાઇનરીઓ અને કંપનીઓ માટે લાગુ પડશે. વિન્ડફોલ ટેક્સ શું છે અને તે શા માટે લાદવામાં આવ્યો હતો? મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ સમયગાળા દરમિયાન, ભારતીય ઓઇલ રિફાઇનિંગ કંપનીઓ સ્થાનિક બજારમાં સપ્લાય કરવાને બદલે વિદેશી બજારોમાં ઊંચા ભાવે તેલ વેચીને નફો કમાઈ રહી હતી. આ નફાને નિયંત્રિત કરવા અને દેશમાં ઇંધણની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે, સરકારે પ્રથમ વખત 27 માર્ચે ડીઝલ અને ATFના એક્સપોર્ટ પર ટેક્સ લગાવ્યો હતો. ત્યારબાદ 16 મેથી પેટ્રોલના એક્સપોર્ટ પર પણ આ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. 15 દિવસમાં સમીક્ષા થાય છે સરકાર દર 14-15 દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો અને રિફાઇનિંગ માર્જિનનું મૂલ્યાંકન કરે છે. જો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ અને રિફાઇનિંગ માર્જિનમાં નરમાઈ આવે છે, તો વિન્ડફોલ ટેક્સ ઘટાડવામાં આવે છે.