પેરા ટેબલ ટેનિસ પ્લેયર નૂરજહાં જમાનીને સરદાર પટેલ સ્પોર્ટ્સ એવોર્ડ:5 વર્ષની ઉંમરે પોલિયો થયો હતો, UTTમાં નેશનલ ટાઇટલ ડિફેન્ડ કર્યા બાદ ભારતના નંબર-1 ખેલાડી બન્યા
ભારતના ટોચના રેન્કિંગ ધરાવતા પેરા ટેબલ ટેનિસ ખેલાડી નૂરજહાં નૂરઅલી જમાનીને ગુજરાત સરકારે પ્રતિષ્ઠિત ‘સરદાર પટેલ સ્પોર્ટ્સ એવોર્ડ’ એનાયત કર્યો છે. 12 ઑગસ્ટે યોજાયેલા એક ખાસ સમારોહમાં ગુજરાતના ડેપ્યુટી CM હર્ષ સંઘવીના હસ્તે તેમને આ એવોર્ડ આપીને સન્માનિત કર્યાં હતાં. પોલિયોથી લઈને દેશના નં-1 પેરા ટેનિસ પ્લેયર બનવા સુધીની સફર માત્ર 5 વર્ષની વયે પોલિયોની અસર સામે આવ્યા બાદ નૂરજહાંએ 2007થી 2010 દરમિયાન પેરા ટેબલ ટેનિસમાં પોતાની સફર શરૂ કરી હતી. જોકે, ત્યારબાદ તેઓ એક દાયકા કરતા વધુ સમય માટે રમતથી દૂર રહ્યાં હતાં. 2022માં તેમણે રમતગમતના ક્ષેત્રે ઐતિહાસિક કમબેક કર્યું હતું. તેમણે UTT નેશનલ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ જીત્યા બાદ 2025-26માં પણ પોતાનું UTT પેરા સિનિયર નેશનલ ટાઈટલ સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યું હતું. આ શાનદાર પ્રદર્શનના જોરે તેઓ ભારતમાં નંબર-1 બનવાની સાથે પોતાની કેટેગરીમાં વિશ્વમાં 27મો ક્રમ મેળવવામાં સફળ રહ્યા છે. એશિયન પેરા ગેમ્સ 2026 પર નજર નૂરજહાંને આ સન્માન એવા સમયે મળ્યું છે જ્યારે તેઓ જાપાનના એઈચી અને નાગોયા ખાતે 18થી 24 ઓક્ટોબર દરમિયાન યોજાનારી ‘એશિયન પેરા ગેમ્સ 2026’ માટે ક્વોલિફાય થવાના નિરંતર પ્રયાસો કરી રહ્યા છે. આગામી સમયમાં આ ગેમ્સમાં ભાગ લઈને તેઓ ભારતીય પેરા સ્પોર્ટ્સની સફળતાની કહાનીમાં વધુ એક નવો અધ્યાય ઉમેરવા માટે સજ્જ છે. ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આપવામાં આવતો સરદાર પટેલ એવોર્ડ રાજ્યનો સર્વોચ્ચ રમત-ગમત પુરસ્કાર છે. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી આપવામાં આવતો આ એવોર્ડ એવા ખેલાડીઓને એનાયત કરાય છે, જેમણે પોતાની રમતગમતની સિદ્ધિઓ, નિશ્ચય, શ્રેષ્ઠતા અને સ્થિતિસ્થાપકતા દ્વારા ગુજરાત અને સમગ્ર રાષ્ટ્રનું નામ રોશન કર્યું હોય.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

