પ્રભાસની ફિલ્મના સેટ પર દુર્ઘટના:એક્ટર રાજેશ શર્માને ઝેરી જંતુ કરડતા હૉસ્પિટલમાં ખસેડાયા; ડૉક્ટરે કહ્યું- 'હજુ ખતરાની બહાર નથી'
સાઉથ સ્ટાર પ્રભાસની ફિલ્મના સેટ પર અકસ્માત થયો છે. હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં શૂટિંગ દરમિયાન બોલિવૂડ એક્ટર રાજેશ શર્માને કોઈ ઝેરી જંતુ કે કરોળિયાએ કરડ્યું હતું. ત્યારબાદ તેમના પગમાં ઇન્ફેક્શન લાગ્યા બાદ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તબિયત બગડતાં તેમને પશ્ચિમ બંગાળના ઠાકુરિયા સ્થિત મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ ડોકટરોની દેખરેખ હેઠળ છે. તેમની કૉ-એક્ટર સુદીપા ચેટર્જીએ સોશિયલ મીડિયા પર એક્ટરના પરિવાર વતી હેલ્થ નોટ જાહેર કરીને આ માહિતી આપી છે. ડોક્ટરના મતે રાજેશ શર્મા હજુ ખતરાની બહાર નથી. સેટ પર પેકઅપ પછી થયો અકસ્માત
સુદીપા ચેટર્જીના સોશિયલ મીડિયા પોસ્ટ મુજબ, આ ઘટના હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં બની હતી. રાજેશ શર્મા ત્યાં પ્રભાસની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. શૂટિંગ પૂરું થયા પછી તેઓ સેટ પાસે વૃક્ષો અને છોડવાવાળા વિસ્તારમાં સ્થાનિક ટેકનિશિયનો સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને પગમાં કોઈ જીવડા કે ઝેરી કરોળિયાએ કરડ્યો. તે સમયે મામલો ગંભીર લાગ્યો નહીં, તેથી તેમણે તરત કોઈ મેડિકલ મદદ લીધી નહીં અને કામ ચાલુ રાખ્યું. ફ્લાઇટમાં અચાનક તાવ વધી ગયો
જીવડાના કરડ્યાના લગભગ છ કલાક પછી રાજેશ શર્માના જમણા પગમાં તીવ્ર દુખાવો શરૂ થયો અને તેમની તબિયત બગડવા લાગી. આ પછી પણ તેમણે કોલકાતા માટે ફ્લાઇટ પકડી. મુસાફરી દરમિયાન તેમને તીવ્ર તાવ આવ્યો અને તેઓ ખૂબ જ બેચેન થઈ ગયા. કોલકાતા પહોંચ્યા પછી બીજા દિવસે તેમની હાલત વધુ બગડી. આ પછી પરિવારે તેમને તરત જ ઢાકુરિયાની મણિપાલ હોસ્પિટલમાં દાખલ કર્યા. હોસ્પિટલમાં દાખલ થયાને એક દિવસથી વધુ સમય થઈ ગયો છે. પગમાં ફોલ્લા પડ્યા, ફેફસામાં ક્લોટનો ખતરો
હોસ્પિટલના ડૉક્ટર અભિજીત ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, જંતુનો ચેપ પગના અંગૂઠાથી લઈને ઘૂંટણ સુધી ફેલાઈ ગયો છે. અસરગ્રસ્ત ભાગ પર મોટા ફોલ્લા પડી ગયા છે. ડૉક્ટરના મતે હાલની સ્થિતિ વિશે સ્પષ્ટપણે કંઈપણ કહેવું વહેલું ગણાશે. રાજેશ શર્માને ડૉકટરોની સઘન દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ડૉકટરોને ચિંતા છે કે ચેપને કારણે બ્લડ ક્લોટ (લોહીનો ગઠ્ઠો) બની શકે છે. જો આ ક્લોટ ફેફસાં સુધી પહોંચે છે, તો જીવનું જોખમ થઈ શકે છે. પ્રભાસની ફિલ્મો અને રાજેશના તાજેતરના પ્રોજેક્ટ્સ
રાજેશ શર્મા તાજેતરમાં ફિલ્મ ‘ભૂત બંગલા’ અને ‘કૃષ્ણાવતારમ પાર્ટ 1: ધ હાર્ટ (હૃદયમ્)’ માં જોવા મળ્યા હતા. જ્યારે પ્રભાસ આ દિવસોમાં ડિરેક્ટર હનુ રાઘવપુડીની ફિલ્મ ‘ફૌજી’ અને સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’ નું શૂટિંગ કરી રહ્યા છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે જ્યારે આ અકસ્માત થયો, ત્યારે રાજેશ શર્મા આમાંથી કઈ ફિલ્મના સેટ પર શૂટિંગ કરી રહ્યા હતા. પ્રસેનજીત ચેટર્જી અને કલાકારોનો મળ્યો સાથ
હેલ્થ નોટમાં જણાવવામાં આવ્યું છે કે, આ મુશ્કેલ સમયમાં બંગાળ મોશન પિક્ચર્સ આર્ટિસ્ટ્સ ફોરમ અને રાજેશના મિત્રો તેમની સાથે ઊભા છે. એક્ટર પ્રસેનજીત ચેટર્જી સતત પરિવારના સંપર્કમાં છે અને મદદ કરી રહ્યા છે. રાજેશ શર્માની માતા અને આખા પરિવારે સંકટની આ ઘડીમાં સાથ આપવા બદલ મીડિયા અને શુભચિંતકોનો આભાર વ્યક્ત કર્યો છે. હોસ્પિટલની ટીમ સતત તપાસ કરી રહી છે અને ગુરુવારે તેમનું ઓફિશિયલ હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવી શકે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

