પ્રિટોરિયા કેપિટલ્સ SA20 સીઝન-4ની ફાઈનલમાં:પહેલી ક્વોલિફાયરમાં સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપને હરાવ્યું, પાર્સન્સ અને બ્રેવિસની ફિફ્ટી

Last Updated: January 22, 2026By

પ્રિટોરિયા કેપિટલ્સે સાઉથ આફ્રિકાની લીગ SA20ની સીઝન-4ની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. કેપિટલ્સે બુધવારે રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચમાં બે વખતની ચેમ્પિયન સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપને 7 વિકેટે હરાવી દીધું. સનરાઇઝર્સે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા. જોની બેયરસ્ટોએ સૌથી વધુ 50 રન બનાવ્યા. જોર્ડન હર્મને 41 અને કેપ્ટન ટ્રિસ્ટન સ્ટબ્સે 26 રનની ઇનિંગ રમી. કેપિટલ્સ માટે બ્રાઇસ પારસન્સે સૌથી વધુ 3 વિકેટ લીધી. જવાબમાં પ્રિટોરિયા કેપિટલ્સે 18.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. કેપિટલ્સ તરફથી બ્રાઇસ પારસન્સે બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરતા 60 રન બનાવ્યા. ડેવાલ્ડ બ્રેવિસે અણનમ 75 રન બનાવ્યા. બીજી વખત ફાઇનલમાં પહોંચી કેપિટલ્સની ટીમ પ્રિટોરિયા કેપિટલ્સની ટીમ SA20ની ચાર સીઝનમાં બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. કેપિટલ્સ પ્રથમ સીઝનની ફાઇનલમાં પણ પહોંચી હતી, જ્યાં તેને સનરાઇઝર્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદની બે સીઝન કેપિટલ્સ માટે સારી રહી ન હતી. સીઝન-2 અને સીઝન-3માં ટીમ પાંચમા સ્થાને રહી હતી. સનરાઇઝર્સ પાસે વધુ એક તક
આ મેચમાં હાર છતાં સનરાઇઝર્સ માટે ફાઇનલના દરવાજા હજુ બંધ થયા નથી. હવે ટીમ શુક્રવારે જોહાનિસબર્ગમાં ક્વોલિફાયર-2 રમવા ઉતરશે. તે મુકાબલામાં સનરાઇઝર્સ સામે ગુરુવારે રમાનારી એલિમિનેટર મેચની વિજેતા ટીમ હશે. IPLની જેમ જ SA20માં પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-2 પોઝિશન પર રહેલી ટીમ વચ્ચે ક્વોલિફાયર-1 રમાય છે. જ્યારે, ત્રીજા અને ચોથા નંબર પર રહેલી ટીમ વચ્ચે એલિમિનેટર મેચ રમાય છે. આ સીઝનમાં લીગ મેચ પછી સનરાઈઝર્સની ટીમ પહેલી અને કેપિટલ્સની ટીમ બીજા સ્થાને રહી હતી. જ્યારે, પાર્લ રોયલ્સ ત્રીજા અને જોબર્ગ સુપર જાયન્ટ્સ ચોથા સ્થાને રહી. આ બંને ટીમ વચ્ચે જ એલિમિનેટર મેચ રમાશે.