ફિલ્મ 'ટોક્સિક'ની ઇવેન્ટમાં મોટી દુર્ઘટના:સાઉન્ડ-બોક્સ સેટઅપ પડતાં બે વિદ્યાર્થીઓ ઘાયલ, એક છોકરી બેભાન; મંચ પર યશ હાજર હતા

Last Updated: August 23, 2026By

યશની ફિલ્મ ‘ટોક્સિક’ના પ્રી-રિલીઝ ઇવેન્ટમાં શનિવારે હૈદરાબાદની મલ્લા રેડ્ડી યુનિવર્સિટીમાં અકસ્માત થયો. ભારે સાઉન્ડ-બોક્સ સેટઅપ પડવાથી બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા, જ્યારે એક છોકરી બેહોશ થઈ ગઈ. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અકસ્માત સમયે યશ મંચ પર હાજર હતા. આજતકનાં રિપોર્ટ અનુસાર, કેટલાક લોકો સાઉન્ડ બોક્સને ટેકો આપતા પોલ પર ચઢી ગયા હતા. આ દરમિયાન ભારે સેટઅપ અચાનક નીચે પડી ગયું. ઘટના બાદ સ્થળ પર અફરાતફરી મચી ગઈ. અકસ્માતમાં ઘાયલ વિદ્યાર્થીઓને તરત જ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ઇવેન્ટના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં લોકો દેખાઈ રહ્યા છે અને કેટલાક લોકો ઘાયલ વિદ્યાર્થીઓને એમ્બ્યુલન્સ તરફ લઈ જતા દેખાઈ રહ્યા છે. અકસ્માત સમયે યશ મંચ પર હાજર હતા અને ફિલ્મ ટોક્સિકની ઉજવણીમાં સામેલ લોકોને સંબોધિત કરી રહ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ તેમણે પોતાની સ્પીચ અધવચ્ચે રોકી દીધી અને આયોજકોને વિદ્યાર્થીઓની સ્થિતિ વિશે પૂછ્યું. મંચ પરથી યશે કહ્યું, ‘અરે, સંભાળીને. શું ત્યાં બધું બરાબર છે? કૃપા કરીને વિદ્યાર્થીઓ, તમે લોકો ધ્યાન રાખો.’ સ્ટેજ પાસે પહોંચ્યા હતા ઘણા વિદ્યાર્થીઓ એવું કહેવાય છે કે ઘણા વિદ્યાર્થીઓ સ્ટેજ પાસે પહોંચી ગયા હતા અને સ્પીકર તથા અન્ય સામાનને ટેકો આપતા માળખા પર ચઢી ગયા હતા. આ ઘટના પછી મોટા ફિલ્મી કાર્યક્રમોમાં ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા છે. નોંધનીય છે કે હૈદરાબાદમાં અગાઉ પણ ફિલ્મી ઇવેન્ટમાં સુરક્ષાને લઈને ગંભીર અકસ્માત થઈ ચૂક્યો છે. ડિસેમ્બર 2024માં ‘પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન નાસભાગમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. તેમના પુત્રની હાલત પણ ગંભીર થઈ હતી. પોલીસે થિયેટર મેનેજમેન્ટ પર સુરક્ષામાં બેદરકારીના આરોપો લગાવ્યા હતા. આવા સંજોગોમાં સવાલ એ છે કે મોટા સ્ટાર્સના કાર્યક્રમોમાં ભીડને સંભાળવા અને ખતરનાક જગ્યાઓ પર લોકોને જતા રોકવા માટેના પૂરતી વ્યવસ્થા શા માટે નથી હોતી? શું નિર્માતાઓ અને આયોજકોએ જૂના અકસ્માતોમાંથી બોધપાઠ ન લેવો જોઈએ? ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બનેલી ‘ટોક્સિક’માં યશ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં નયનતારા, કિયારા અડવાણી, હુમા કુરેશી, તારા સુતારિયા અને રુક્મિણી વસંત પણ મહત્વની ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ 26 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Leave A Comment