ભારતમાં LPG અછત ખતમ કરવાની તૈયારી:સરકારે 21 કંપનીઓ માટે ટાર્ગેટ નક્કી કર્યા, દરરોજ 63,810 ટન ગેસનું ઉત્પાદન થશે

Last Updated: August 16, 2026By

મિડલ ઇસ્ટમાં તણાવ અને યુદ્ધને કારણે LPG સપ્લાય પર પડેલી અસરથી બોધપાઠ લઈને કેન્દ્ર સરકારે પહેલીવાર દેશની સરકારી અને ખાનગી રિફાઇનરીઓ અને અપસ્ટ્રીમ કંપનીઓ માટે LPG ઉત્પાદનના મહત્તમ લક્ષ્યાંકો નક્કી કર્યા છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે 13 ઓગસ્ટે જાહેર કરેલા આદેશમાં 21 કંપનીઓ માટે કુલ 63,810 ટન પ્રતિદિન એલપીજી ઉત્પાદનની ક્ષમતા અને લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. આ લક્ષ્યાંક નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન દેશમાં થયેલા કુલ ઘરેલું એલપીજી ઉત્પાદન (35,900 ટન પ્રતિદિન) કરતાં બમણાથી પણ વધુ છે અને તે દેશની કુલ દૈનિક વપરાશનો લગભગ 70% આવરી લે છે. જ્યારે પણ બજારમાં ગેસની અછત અથવા સપ્લાયમાં અવરોધ આવશે, ત્યારે આ નવો નિયમ તરત જ લાગુ પડશે. રિલાયન્સની જામનગર રિફાઇનરીને સૌથી મોટો 18,000 ટનનો લક્ષ્યાંક સરકારના આદેશ અનુસાર, સૌથી મોટો હિસ્સો ખાનગી ક્ષેત્રની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને આપવામાં આવ્યો છે. રિલાયન્સની જામનગરની ડોમેસ્ટિક-ટેરિફ એરિયા રિફાઇનરીને દરરોજ 18,000 ટન એલપીજી તૈયાર કરવાનો લક્ષ્યાંક મળ્યો છે. પ્રાઇવેટ સેક્ટરની જ રશિયાની રોસનેફ્ટ સમર્થિત નાયરા એનર્જીની વાડીનાર રિફાઇનરીને રોજ 4,480 ટન એલપીજી ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. દેશમાં 64% એલપીજી આયાત પર નિર્ભરતા બની કારણભૂત નાણાકીય વર્ષ 2025-26માં ભારતમાં કુલ 33.2 મિલિયન ટન એલપીજીનો વપરાશ થયો હતો (લગભગ 91,000 ટન પ્રતિદિન). તેમાંથી માત્ર 13.1 મિલિયન ટન (35,900 ટન પ્રતિદિન)નું ઉત્પાદન જ દેશમાં થયું હતું, જ્યારે 21.3 મિલિયન ટન (58,400 ટન પ્રતિદિન) એલપીજી વિદેશથી મંગાવવો પડ્યો હતો. આયાત પર 64% થી વધુ નિર્ભરતાને કારણે, જ્યારે ઈરાન યુદ્ધને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો રસ્તો અવરોધાયો, ત્યારે ભારતમાં સપ્લાય ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી. ભારત તેની જરૂરિયાતનો 90% આયાત આ જ દરિયાઈ માર્ગે સાઉદી અરબ જેવા દેશોમાંથી કરે છે. માર્ચમાં સંકટ દરમિયાન પ્રતિબંધો લગાવ્યા મિડલ ઇસ્ટ સંકટ દરમિયાન માર્ચમાં સરકારે પેટ્રોકેમિકલ ઉત્પાદનમાં વપરાતી ગેસને LPG બનાવવામાં ડાયવર્ટ કરવી પડી હતી. તે સમયે ઘરેલું ઉત્પાદન વધારીને દરરોજ 55,000 ટન સુધી કરવામાં આવ્યું હતું. સંકટના સમયે કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ યુઝર્સને વેચાણ બંધ કરવું પડ્યું હતું, ઘરોમાં LPG રિફિલ બુકિંગનો સમય વધારી દેવામાં આવ્યો હતો અને લોકોને PNG પર શિફ્ટ થવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. જૂનના મધ્યમાં સ્થિતિ સામાન્ય થતાં આ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા હતા. કંપનીઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી અપગ્રેડ કરવાના નિર્દેશ મંત્રાલયે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે તમામ સરકારી અને ખાનગી રિફાઇનરીઓ અને અપસ્ટ્રીમ કંપનીઓએ LPG સ્ટોરેજ, નિકાલ અને ટ્રાન્સપોર્ટેશન (રેલ/રોડ ટેન્કર) માટે પર્યાપ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવું અને જાળવવું પડશે. દર 6 મહિને પ્રોડક્શન શેડ્યૂલની સમીક્ષા થશે સરકારે જરૂર પડ્યે રિફાઇનરીઓને ઉત્પાદન વધારવા અને ઇનપુટ સ્ટ્રીમના અન્ય ઉપયોગો પર પ્રતિબંધ મૂકવાના અધિકારો પોતાની પાસે સુરક્ષિત રાખ્યા છે. નવું માળખું દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ અપડેટ કરવામાં આવશે. તેમાં નવી રિફાઇનરીઓ, નવા અપસ્ટ્રીમ ગેસ ફિલ્ડ્સ અને ટેકનોલોજી તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયેલા સુધારાઓને ધ્યાનમાં રાખીને નવા લક્ષ્યો ઉમેરવામાં આવશે.