મસ્ક Vs અંબાણી:ભારતીય માર્કેટમાં સસ્તું સ્ટારલિંક લાવવા અંગે ઈલોનનો દાવો, કહ્યું- 'અંબાણીનો ધંધો બંધ નહીં થાય, માત્ર નફો ઘટશે'
સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ ‘સ્ટારલિંક’ની કિંમતો ભારતમાં ઘણી સસ્તી હશે. દેશમાં તેની એન્ટ્રીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઇલોન મસ્કે તેના સંકેત આપ્યા છે. તેમનું કહેવું છે કે માર્કેટમાં કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધવાથી આખરે ફાયદો ભારતીય યુઝર્સને જ થશે. તેમણે કહ્યું કે સ્ટારલિંકના આવવાથી અંબાણીનો નફો થોડો ઘટી શકે છે, પરંતુ તેમનો બિઝનેસ બંધ નહીં થાય. સ્વાભાવિક છે કે જો સ્ટારલિંક ભારતમાં ખૂબ મોંઘી હશે, તો તેને કોઈ ખરીદશે નહીં. તેથી સ્પેસએક્સે અહીં ટકી રહેવા માટે પોતાની કિંમતો સસ્તી રાખવી જ પડશે. મસ્ક vs અંબાણી… સમજો સમગ્ર વિવાદ ઈલોન મસ્ક ભારતમાં સ્ટારલિંકની લોન્ચિંગમાં થઈ રહેલા વિલંબને લઈને છેલ્લા કેટલાક દિવસોથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ વિલંબ માટે તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને જવાબદાર ગણાવી રહ્યા છે અને તેમની વિરુદ્ધ સતત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. હાલમાં મસ્કે પોતાની એક પોસ્ટમાં મુકેશ અંબાણી પર કટાક્ષ કરતાં તેમને ‘પ્રાઇમ મિનિસ્ટર અંબાણી’ લખ્યું હતું. આ પોસ્ટમાં તેમણે અંબાણીને ભારતના અસલી બોસ ગણાવ્યા હતા. તેમનું કહેવું હતું કે સ્ટારલિંક ભારતમાં ઇન્ટરનેટ વિનાના વિસ્તારોમાં કનેક્ટિવિટી પહોંચાડી શકે છે. તેનાથી છેવાડાના વંચિત બાળકોને શિક્ષણ અને નાના વેપારીઓને વૈશ્વિક બજાર સુધી પહોંચ મળશે. મસ્કની આ પોસ્ટ પછી કેટલાક લોકોએ કહ્યું કે ભારતમાં દુનિયાનું સૌથી સસ્તું અને ઝડપી ઇન્ટરનેટ ઉપલબ્ધ છે. અહીં માત્ર ₹300-400 પ્રતિ મહિને 60GB ડેટા મળી જાય છે, જે છેવાડાનાં ગામોમાં પણ સારી રીતે કામ કરે છે. આવી સ્થિતિમાં એ પ્રશ્ન ઊઠવો સ્વાભાવિક છે કે જ્યારે સ્ટારલિંક અન્ય દેશોમાં આશરે ₹2,200 પ્રતિ મહિને ચાર્જ કરે છે, તો ભારતમાં તેને કોણ ખરીદશે. આ દલીલનો જવાબ આપતાં મસ્કે કહ્યું કે એક તરફ તેઓ દાવો કરે છે કે સ્ટારલિંક ભારતમાં જિયોના સસ્તા પ્લાન્સનો મુકાબલો નહીં કરી શકે. બીજી તરફ તેઓ એમ પણ કહે છે કે સ્ટારલિંકના આવવાથી સ્પર્ધા વધશે. આ બંને વાતો એકસાથે સાચી હોઈ શકે નહીં. સત્ય એ છે કે માર્કેટમાં સ્પર્ધા વધવાથી હંમેશાં સામાન્ય ગ્રાહકોને જ ફાયદો થાય છે. સ્ટારલિંકના આવવાથી અંબાણીની કંપનીનો નફો થોડો ઘટી શકે છે, પરંતુ તેમનો વ્યવસાય બંધ નહીં થાય. સ્વાભાવિક છે કે જો સ્ટારલિંક ભારતમાં ખૂબ મોંઘી હશે તો તેને કોઈ ખરીદશે નહીં, તેથી સ્પેસએક્સને અહીં ટકી રહેવા માટે પોતાની કિંમતો સસ્તી રાખવી જ પડશે. સરકારનો જવાબ- ભારતમાં મોનોપોલીની મંજૂરી નહીં મળે ‘ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2026’માં કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સરકારનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે કહ્યું કે ભારતમાં કોઈપણ ક્ષેત્રમાં મોનોપોલીની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું કે દેશમાં ત્રણ સેટેલાઇટ ઇન્ટરનેટ કંપનીઓને લાઇસન્સ મળી ચૂક્યાં છે. 1. રિલાયન્સ જિયો સેટકૉમ 2. ભારતી એરટેલ સપોર્ટેડ યૂટેલસેટ વનવેબ 3. ઇલોન મસ્કની સ્ટારલિંક જોકે, સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે લાઇસન્સ મેળવનારી આ તમામ કંપનીઓની સુરક્ષા મંજૂરી હજુ બાકી છે. આ ઉપરાંત સેટેલાઇટ સ્પેક્ટ્રમના ભાવનિર્ધારણનું માળખું પણ નક્કી કરવામાં આવી રહ્યું છે. તમામ જરૂરી શરતો પૂર્ણ થયા બાદ જ ભારતમાં આ સેવાઓ શરૂ થઈ શકશે. અંડમાનમાં ડ્રગ્સની તસ્કરી અને મણિપુર હિંસામાં મળ્યાં હતાં સ્ટારલિંકનાં સાધનો વર્ષ 2024માં ભારતીય એજન્સીઓએ અંડમાન-નિકોબાર દ્વીપસમૂહમાં ડ્રગ્સની તસ્કરીની તપાસ દરમિયાન અને મણિપુરમાં સેનાના એક ઓપરેશન દરમિયાન સ્ટારલિંકનાં સાધનો જપ્ત કર્યા હતાં. ત્યારે ઈલોન મસ્કે કહ્યું હતું કે સ્ટારલિંકની સેવા ભારતમાં ક્યારેય એક્ટિવ જ નહોતી. મળેલાં સાધનો સ્ટારલિંકના સેટેલાઇટ નેટવર્કનો ઉપયોગ કરી જ શકતાં નહોતાં. સ્ટારલિંક કિટમાં સ્ટારલિંક ડિશ, એક વાઇ-ફાઇ રાઉટર, પાવર સપ્લાય કેબલ્સ અને માઉન્ટિંગ ટ્રાઇપોડ હોય છે. હાઇ-સ્પીડ ઇન્ટરનેટ માટે ડિશને ખુલ્લા આકાશ નીચે રાખવામાં આવે છે. iOS અને એન્ડ્રોઇડ પર સ્ટારલિંકની એપ ઉપલબ્ધ છે, જે સેટઅપથી લઈને મોનિટરિંગ સુધીનું કામ કરે છે. લો અર્થ ઓર્બિટમાં રહેલા સેટેલાઇટથી ઇન્ટરનેટ આપે છે સ્ટારલિંક સ્ટારલિંક લો અર્થ ઓર્બિટમાં પોતાના સેટેલાઇટ તૈનાત કરીને ઇન્ટરનેટ સેવા આપે છે. તેના દ્વારા એવા છેવાડાના વિસ્તારોમાં પણ ઇન્ટરનેટ મળે છે, જ્યાં મોબાઇલ નેટવર્ક અથવા બ્રોડબેન્ડ નથી. કંપની 2021થી જ ભારતમાં પોતાની સેવાઓ શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


