મોદીએ કહ્યું- યુવા શક્તિ બજેટ:CM ભૂપેન્દ્ર પટેલે બજેટને જનહિતલક્ષી ગણાવ્યું; રાહુલે કહ્યું- યુવાનોને કંઈ આપ્યું નહીં, 3 કોરિડોરની વાત ખોટીઃ મમતા

Last Updated: February 2, 2026By

“લોકલથી ગ્લોબલ”ની ઝડપી ગતિને વ્યાખ્યાયિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય બજેટ 2026-27ને એક સ્વપ્નદ્રષ્ટા અને ગેમચેન્જર દસ્તાવેજ તરીકે વર્ણવ્યું. પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ ભારતના વિકાસ માર્ગને વધુ વેગ આપે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની ઐતિહાસિક સિદ્ધિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, એક મહિલા નાણામંત્રી દ્વારા સતત નવમી વખત બજેટ રજૂ કરવું એ પોતાનામાં એક રેકોર્ડ છે અને મહિલા શક્તિની શક્તિનું એક ઝળહળતું ઉદાહરણ છે. આ દરમિયાન, વિપક્ષે બજેટને નિરાશાજનક ગણાવ્યું. રાહુલ ગાંધીએ કહ્યું, “આ એવું બજેટ નથી જે યુવાનો માટે નોકરીઓ પૂરી પાડે છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઘટી રહ્યું છે. રોકાણકારો મૂડી ઉપાડી રહ્યા છે. લોકોની બચતમાં તીવ્ર ઘટાડો થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેને “અવ્યવસ્થિત બજેટ” ગણાવ્યું. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મોદી સરકારે જનતાને કંઈ આપ્યું નહીં. આજે રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2026-27 અંગે પીએમ મોદીએ કહ્યું, ‘દેશમાં રિફોર્મ એક્સપ્રેસ દોડી રહી છે. જે બદલાવો કરવામાં આવ્યા છે તે એક્સપ્રેશનથી ભરેલા ભારતના સાહસિક પ્રતિભાશાળી યુવાનોને ખુલ્લું આકાશ આપે છે.’ તેમણે કહ્યું કે બજેટ સુધારાઓને નવી ગતિ આપશે. આ કૌશલ્ય, સ્કેલ અને ટકાઉપણાને મજબૂત બનાવવાનો પ્રયાસ છે. સૌથી મોટી સંપત્તિ નાગરિકો છે, અને અમે તેમનામાં જ રોકાણ કર્યું છે.
પીએમ મોદીના મતે, આ બજેટ માત્ર આજની જરૂરિયાતોને પૂર્ણ કરતું નથી પરંતુ 2047ના વિકસિત ભારતનો પાયો પણ મજબૂત બનાવે છે. તેને “તકોનો રાજમાર્ગ” ગણાવતા, તેમણે કહ્યું કે ભારત હવે ફક્ત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનવા પર રોકાઈ રહેવા માંગતું નથી; દેશની નજર હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્ય પર છે. મોદીએ કહ્યું કે આ એક એવું યુનિક બજેટ છે, જેમાં ફિસ્કલ ડેફિસિટ (રાજકોષીય ખાધ) ઓછી કરવા પર ફોકસ છે. આની સાથે બજેટમાં હાઈ કેપેક્સ (મૂડી ખર્ચ) અને હાઈ ગ્રોથ (ઉચ્ચ વૃદ્ધિ) નો સમન્વય છે. આ દેશની ગ્લોબલ ભૂમિકાને નવેસરથી સશક્ત કરે છે. મોદીના ભાષણની મોટી વાતો, કહ્યું- આ યુવા શક્તિ બજેટ અમે ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનીને જ સંતુષ્ટ નથી. પરંતુ શક્ય તેટલી વહેલી તકે ત્રીજી અર્થવ્યવસ્થા બનવા માંગીએ છીએ. આ બજેટ અપાર તકોનો રાજમાર્ગ છે. આ બજેટ વર્તમાનના સપનાઓને સાકાર કરે છે. ભારત જે સુધારાઓ પર સવાર છે, બજેટથી તેને નવી ગતિ મળશે. સનરાઇઝ સેક્ટરને જે મજબૂતી સાથે મહત્વ આપવામાં આવ્યું છે તે મહત્વપૂર્ણ છે. રેર અર્થ કોરિડોર, ક્રિટિકલ મિનરલ્સ પર ભાર, ટેક્સટાઇલ, હાઇટેક ટૂલ મેન્યુફેક્ચરિંગ જેવી બાબતો ભવિષ્ય અને વર્તમાનની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે ઘણા મોટા પગલાં લેવામાં આવ્યા છે. હાઈ સ્પીડ રેલ કોરિડોર, ટિયર ટુ અને થ્રી શહેરોના વિકાસ પર ધ્યાન – આ બધા પગલાં વિકસિત ભારતના પ્રવાસની ગતિને વધુ તેજ કરશે.
કોઈપણ દેશની સૌથી મોટી મૂડી નાગરિકો છે. અમે આમાં રોકાણ કર્યું છે. અમારો પ્રયાસ સ્કિલ, સ્કેલ અને સસ્ટેનેબિલિટીને મજબૂત કરવા પર રહ્યો છે. સંસદમાં નાણા મંત્રીએ કહ્યું છે કે આ યુવા શક્તિ બજેટ છે. ઓરેન્જ ઇકોનોમી, પર્યટન અને ખેલો ઇન્ડિયા મિશન દ્વારા યુવાનો માટે નવી તકોના દ્વાર ખુલશે. ભારતને દુનિયાનું ડેટા સેન્ટર હબ બનાવવા માટે ટેક્સમાં મોટી છૂટ આપવામાં આવી છે. આ બજેટથી એમ્પ્લોયમેન્ટ જનરેશનને પ્રોત્સાહન મળશે. આપણા દેશમાં 10 કરોડથી વધુ મહિલાઓ સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલી છે. મહિલાઓ દ્વારા નિર્મિત સંચાલિત ગ્રુપની સિસ્ટમ બને તેનું ધ્યાન બજેટમાં રાખવામાં આવ્યું છે. પ્રયાસ છે કે દરેક ઘરમાં લક્ષ્મી પહોંચે. દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે. આપણી સરકારે ડેરી ઉદ્યોગને પણ પ્રાથમિકતા આપી છે. આ બજેટમાં નાળિયેર, કાજુ અને કોકોની ખેતી કરતા ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. ભારત વિસ્તાર એપથી ખેડૂતોને તેમની ભાષામાં માહિતી મળવામાં સરળતા રહેશે. લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને ફાયદો આપતું બજેટઃ CM વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સામાન્ય લોકોને પ્રાધાન્ય આપ્યું છે. તેમના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું આ બજેટ છે. નાણામંત્રી શ્રીમતિ નિર્મલા સિતારામનજીને સતત નવમી વાર બજેટ રજૂ કરવા માટે અભિનંદન પાઠવું છું. કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ બજેટ ત્રણ કર્તવ્યો પર ઝોંક આપતું બજેટ છે. તેમાં જ્ઞાન એટલે કે ‘ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ’ તથા દિવ્યાંગજનના પીલર્સ મજબૂત થશે. આ ત્રણ કર્તવ્યોમાં સમાજના બધાં જ ક્ષેત્રોને અને દરેક વર્ગને “સૌના સાથ, સૌના વિકાસના” મંત્રથી આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટીંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. એમ.એસ.એમ.ઇ. પર ભાર મૂકવામાં આવ્યો છે તેનાથી લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો ફાયદો થશે. ગુજરાતના મેન્યુફેક્ચરીંગ સેક્ટરને બૂસ્ટ અપ મળશે મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રોમાં ઉદ્યોગોને જે પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યાં છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરીંગ સેક્ટરને બૂસ્ટ અપ કરશે. પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરથી રાજ્યના વ્યાપાર-ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટીક્સ સેવાઓ મળતી થશે. ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે. ત્રણ કેમિકલ પાર્ક્સની જાહેરાત તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે 10 હજાર કરોડની જે જાહેરાત થઈ છે તેનો પણ લાભ ગુજરાતના આ ક્ષેત્રના ઉદ્યોગોને મળશે. ગુજરાત દેશમાં મ્યુનિસિપલ બોન્ડ ઇશ્યૂમાં અગ્રેસર રહ્યું છે. આ બજેટમાં મ્યુનિસિપલ બોન્ડ માટે જે પ્રોત્સાહન જાહેર થયાં છે તેનો લાભ ગુજરાતની મ્યુનિસિપાલિટિઝને પણ મળશે. 5 લાખથી વધુ વસ્તી વાળા ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિજીયોન બનાવવાની જાહેરાતથી રાજ્યના નાના શહેરોનો સુગ્રથિત વિકાસ વેગવંતો બનશે. જામનગરનાં ગ્લોબલ ટ્રેડીશનલ મેડિસીન સેન્ટરને અપગ્રેડ કરવાની જાહેરાતથી પરંપરાગત ઔષધિઓના સંશોધનનો વ્યાપ વિશ્વભરમાં થશે. લોથલ અને ધોળાવીરાનો વિકાસ થશે લોથલ અને ધોળાવીરાનો દેશની 15 પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરીઝમ ડેવલોપમેન્ટમાં સમાવેશ થયો છે તેનાંથી પ્રવાસન દ્વારા ગુજરાતમાં ‘વિરાસત ભી, વિકાસ ભી’નો અભિગમ સાકાર થશે. દેશમાં 20 આઇકોનિક પ્રવાસન સ્થળો માટે 10 હજાર ટુરીસ્ટ ગાઇડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક ટુરિસ્ટ પ્લેસીઝમાં સ્થાનિક રોજગારીની તકો વધશે. કૃષિ, પશુપાલન-મત્સ્યોદ્યોગ, સ્વસહાય જૂથો, ગ્રામીણ અર્થતંત્ર, સૌના વિકાસને પ્રાધાન્ય અપાયું છે. વડાપ્રધાને હંમેશા કરદાતાઓનું સન્માન કર્યું છે અને તેમને દેશના વિકાસના ચાલક બળ ગણાવ્યાં છે. આ બજેટમાં પણ કરદાતાઓનાં સન્માનનો ખ્યાલ રાખીને પ્રામાણિકતા વધે તે દિશામાં કરવેરા ભરવામાં રહેલી ક્ષતિને ગુનો નહીં પરંતુ ભૂલ ગણીને સજાના બદલે દંડની જોગવાઈ કરી છે. સમગ્રતયા આ બજેટ સર્વસમાવેશી, સર્વ સ્પર્શીય અને સામાન્યમાં સામાન્ય માનવી સહિત સૌના સર્વગ્રાહિ વિકાસ, કલ્યાણ તથા વિકસિત અને આત્મનિર્ભર ભારત માટેના તેમના યોગદાનને વધુ પ્રેરણા આપતું બજેટ છે. મમતા બોલ્યા- 3 કોરિડોરની વાત ખોટી
પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ કહ્યું કે, ત્રણ કોરિડોર વિશે તેમણે (નાણા મંત્રી) જે કહ્યું તે હળાહળ ખોટુ છે. આ પ્રોજેક્ટ્સ પહેલાથી જ ચાલી રહ્યા છે. અમે તેના પર કામ શરૂ કરી દીધું છે. પુરુલિયામાં જંગલમહલ જંગલ સુંદરી પરિયોજના માટે, આ આર્થિક કોરિડોરમાં 72,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. તેમણે બંગાળને એક પણ પૈસો આપ્યો નથી. માત્ર એક જ ટેક્સ છે, GST. ખરેખરમાં નાણા મંત્રીએ આજે બજેટમાં ત્રણ ફ્રેટ કોરિડોર, ડંકુની (પ. બંગાળ) થી સુરત (ગુજરાત) સુધી, દુર્ગાપુરમાં ઈસ્ટ કોસ્ટ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર અને વારાણસીથી સિલિગુડી સુધીના રેલ કોરિડોર વિશે ઉલ્લેખ કર્યો હતો. સપા નેતા અખિલેશ યાદવએ કહ્યું કે, આ બજેટ ગરીબો અને ગામડાઓમાં રહેતા લોકોની સમજની બહાર છે. આ બજેટમાં ન તો નોકરી આપવામાં આવી છે અને ન તો રોજગારની તકો. તેમણે કહ્યું કે આ બજેટ ગરીબનું પેટ ભરી શકતું નથી. નોકરી રોજગાર આપ્યા નથી. સપના બતાવનારું બજેટ છે. જે સરકાર પાસેથી કોઈ અપેક્ષા જ ન હોય, તેની પાસેથી શું અપેક્ષા રાખી શકાય? આ બજેટ ફક્ત પાંચ ટકા લોકો માટે બનાવવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે આ ખૂબ ક્રાંતિકારી બજેટ છે. દેશને સુંદર બનાવનારું બજેટ છે. દેશના દરેક વર્ગ પર ધ્યાન આપવામાં આવ્યું છે. વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને મજૂરો પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ સામાજિક ન્યાયની સાથે-સાથે આર્થિક ન્યાય આપનારું બજેટ છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, ‘આ એક પ્રગતિશીલ બજેટ છે, જે ભારતીય અર્થતંત્રના દરેક ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ દરેક નાગરિક માટેનું બજેટ છે. ખાસ કરીને ટેલિકોમ અને ડીઓએનઈઆરના ક્ષેત્રોને આ બજેટમાં મજબૂત પ્રોત્સાહન મળ્યું છે. આ ભારતને સશક્ત અને શક્તિશાળી બનાવશે. પૂર્વોત્તર માટે ઘણી સંસ્થાઓ અને જળમાર્ગોની ફાળવણી કરવામાં આવી છે.’