રૂપિયાના ઘટાડાને રોકવા માટે RBIનો પ્લાન:સરકારી ઓઈલ કંપનીઓ માટે સ્પેશિયલ ડોલર વિન્ડો ખોલવામાં આવી, ફોરેક્સ ડેરિવેટિવ ટ્રેડિંગના નિયમો કડક બનાવાયા

Last Updated: October 10, 2026By

ડોલરની સરખામણીએ સતત નબળા પડી રહેલા ભારતીય રૂપિયાને સંભાળવા અને મની માર્કેટમાં ઉતાર-ચઢાવ પર અંકુશ મેળવવા માટે RBIએ બે નિર્ણયો લીધા છે. RBIએ સરકારી ઓઈલ કંપનીઓની ડોલરની દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે એક ‘સ્પેશિયલ ડોલર વિન્ડો’ શરૂ કરી છે. આ ઉપરાંત રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ ફોરેક્સ ડેરિવેટિવ ટ્રેડિંગ સાથે જોડાયેલા નિયમોમાં પણ કડકાઈ કરી છે. બજારના જાણકારોનું માનવું છે કે આ નિર્ણયોથી રૂપિયાને તાત્કાલિક થોડી રાહત મળશે, પરંતુ ઘટાડાના લાંબા ટ્રેન્ડને સંપૂર્ણપણે પલટવો મુશ્કેલ રહેશે. 2026માં અત્યાર સુધી રૂપિયો 7% ઘટ્યો શુક્રવાર, 9 ઓક્ટોબરે ડોલરની સરખામણીએ રૂપિયો 96.73ના સ્તરે બંધ થયો હતો, જે મે મહિનામાં નોંધાયેલા તેના 96.96ના ઓલ-ટાઇમ લો-લેવલની ઘણી નજીક છે. કેલેન્ડર વર્ષ 2026માં અત્યાર સુધી રૂપિયો 7%થી વધુ અને ચાલુ નાણાકીય વર્ષ (FY27)માં લગભગ 3.5% ઘટી ચૂક્યો છે. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ, મજબૂત ડોલર અને વિદેશી રોકાણમાં આવેલી મંદીને કારણે રૂપિયા પર સતત દબાણ રહ્યું છે. RBI રૂપિયાને 97ની ઉપર જતો રોકવા માગે છે RBI રૂપિયાને 97-પ્રતિ-ડોલરના સ્તરથી ઉપર જતો રોકવા માંગે છે. જો રૂપિયો આ સ્તરને પાર કરે છે, તો કંપનીઓમાં ગભરાટને કારણે ડોલરની ખરીદી અને સટ્ટાકીય (સ્પેક્યુલેટિવ શોર્ટ પોઝિશન્સ) પોઝિશન્સ ઝડપથી વધી શકે છે. તેને ધ્યાનમાં રાખીને જ્યારે પણ રૂપિયો 96.80ને પાર જાય છે, ત્યારે સરકારી બેંકો મારફતે ડોલર વેચવામાં આવી રહ્યા છે. ઓઇલ વિન્ડોથી સ્પોટ માર્કેટનું દબાણ ઘટશે ભારતની કુલ આયાત એટલે કે ઇમ્પોર્ટમાં ક્રૂડ ઓઈલનો હિસ્સો આશરે 25% છે. હવે ઓઈલ કંપનીઓની ડોલરની દૈનિક જરૂરિયાતો સીધી RBIના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાંથી ‘સ્પેશિયલ વિન્ડો’ મારફતે પૂરી કરવામાં આવશે. તેનાથી સ્પોટ ફોરેક્સ માર્કેટમાં ડોલરની સીધી માગનું દબાણ ઘટશે. એક ખાનગી બેંકના ટ્રેઝરી હેડે જણાવ્યું કે ઓઇલ વિન્ડોથી સ્પોટ માર્કેટમાં માગ ઘટશે. બીજી તરફ, કોઈપણ નક્કર વ્યવહાર (અંડરલાઇંગ એક્સ્પોઝર) વગરના ડેરિવેટિવ્સ પર પ્રતિબંધ મૂકવાથી સટ્ટાકીય સોદાઓ પર અંકુશ આવશે. જોકે, ભારતનું બેલેન્સ ઓફ પેમેન્ટ નબળું રહ્યું છે, ડોલર મજબૂત છે અને ગ્લોબલ બોન્ડ યીલ્ડ ઊંચી છે. આવી સ્થિતિમાં થોડા સમય સુધી એટલે કે મધ્યમ ગાળામાં રૂપિયા પર દબાણ યથાવત રહી શકે છે. HDFC સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું કે આ નિર્ણયોથી અસ્થિરતા પર અંકુશ આવશે અને સટ્ટાબાજોને મોટો ઝટકો લાગશે. જોકે, બેન્કો તેમની વધારાની હેજિંગ કોસ્ટ એટલે કે ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખી શકે છે. ફોરેક્સ ડેરિવેટિવ્સના નિયમોમાં 4 મોટા ફેરફારો સટ્ટાબાજી રોકવા અને બજારને શિસ્તબદ્ધ કરવા માટે RBIએ 10 ઓક્ટોબરે 4 મોટા ફેરફારો કર્યા છે… 2 અઠવાડિયામાં 31.3 અબજ ડોલર ઘટ્યું વિદેશી મુદ્રા ભંડાર રૂપિયામાં ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે ભારતનું ફોરેક્સ રિઝર્વ સતત ઘટી રહ્યું છે. 25 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં રિઝર્વ 18.34 અબજ ડોલર ઘટીને 757.46 અબજ ડોલર પર આવી ગયું હતું. 2 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં તેમાં વધુ 12.95 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો અને તે 734.61 અબજ ડોલર રહ્યું. બે અઠવાડિયામાં ફોરેક્સ રિઝર્વમાં કુલ $31.3 અબજનો ઘટાડો થયો છે. આ સપ્ટેમ્બરના શરૂઆતના અઠવાડિયાના રેકોર્ડ ઓલ-ટાઈમ હાઈ ($785.7 અબજ) કરતાં લગભગ $51.1 અબજ નીચે આવી ગયો છે. 7 ઓક્ટોબરે મોનેટરી પોલિસી પ્રેસ કોન્ફરન્સમાં RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે રિયલ ઇફેક્ટિવ એક્સચેન્જ રેટ (REER)ના આધારે રૂપિયો ‘અન્ડરવેલ્યુડ’ હોઈ શકે છે. જોકે, રિઝર્વ બેન્ક એ સુનિશ્ચિત કરશે કે ચલણમાં સ્થિરતા જળવાઈ રહે. RBI ₹25,000 કરોડના સરકારી બોન્ડ્સ વેચશે બજારમાંથી વધારાની રોકડ (લિક્વિડિટી) ઘટાડવા માટે RBIએ બે મોટા નિર્ણયો લીધા છે… RBI 13 ઓક્ટોબરે ઓપન માર્કેટ ઓપરેશન (OMO) દ્વારા ₹25,000 કરોડના સરકારી બોન્ડ્સ વેચશે, જેના કારણે બજારમાંથી રોકડ બેન્કો પાસે જતી રહેશે. આ પગલાથી બોન્ડ યીલ્ડમાં 4થી 5 બેસિસ પોઇન્ટ્સ (0.04%-0.05%)નો વધારો જોવા મળી શકે છે. તે જ રીતે 16 ઓક્ટોબરથી બેંકો માટે પોતાના કુલ કેશ રિઝર્વ રેશિયો એટલે કે CRRના ઓછામાં ઓછા 99% હિસ્સાને દરરોજ જાળવી રાખવો જરૂરી બનશે, જે પહેલાં માત્ર 90% હતો. જોકે મુખ્ય CRR દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ હવે બેંકોને દરરોજ વધુ રોકડ પોતાની પાસે અલગથી જમા રાખવી પડશે. OMO સેલ, CRR અને REER શું હોય છે? 1. ઓપન માર્કેટ ઑપરેશન (OMO) સેલ: મોંઘવારી અને રૂપિયાને સંભાળવાનો ઉપાય જ્યારે બજારમાં ખૂબ વધારે રોકડ ફરવા લાગે છે, ત્યારે RBI સરકારી બોન્ડ્સ વેચીને બેંકો પાસેથી તે વધારાના પૈસા પોતાની પાસે ખેંચી લે છે. સામાન્ય લોકો પર અસર: બજારમાં રોકડ ઘટવાથી મોંઘવારી પર અંકુશ આવે છે અને વિદેશી ચલણની તુલનામાં ભારતીય રૂપિયામાં અચાનક મોટો ઘટાડો અથવા વધઘટ રોકવામાં મદદ મળે છે. 2. કેશ રિઝર્વ રેશિયો (CRR): બેંકોની ઢીલાશ પર કડક નિયંત્રણ બેંકો માટે પોતાની કુલ જમા મૂડીનો એક નક્કી હિસ્સો રોકડ તરીકે RBI પાસે રાખવો જરૂરી હોય છે. નવા નિયમ (99% દૈનિક જાળવણી, જે પહેલાં માત્ર 90% હતી) હેઠળ હવે બેંકોએ આ ક્વોટા દરરોજ પૂર્ણ કરવો પડશે. સામાન્ય માણસ પર અસર: બેંકોએ તેમની રોજિંદી લિક્વિડિટી (રોકડ રકમ)નું ખૂબ સાવચેતીપૂર્વક સંચાલન કરવું પડશે. તેથી બેંકો પાસે દરરોજ મનસ્વી રીતે રોકડનો ઉપયોગ કરવાની અથવા મોટું જોખમ લેવાની છૂટ સમાપ્ત થઈ જશે. 3. રિયલ ઇફેક્ટિવ એક્સચેન્જ રેટ (REER): રૂપિયાની વાસ્તવિક તાકાત માપવાનું મીટર આ એક એવો ઇન્ડેક્સ અથવા માપદંડ છે, જેના દ્વારા જાણવા મળે છે કે ભારતનો રૂપિયો વિશ્વના મુખ્ય વેપારી ભાગીદાર દેશો (જેમ કે ડોલર, યુરો, યુઆન)ની કરન્સીઓની સરખામણીએ વાસ્તવમાં કેટલો મજબૂત અથવા નબળો છે. સામાન્ય માણસ પર અસર: આનાથી દેશના આયાત-નિકાસની સ્થિતિનો ખ્યાલ આવે છે. જો REER મુજબ રૂપિયો વધુ મજબૂત થાય, તો વિદેશથી માલ મંગાવવો સસ્તો અને દેશમાંથી માલ વિદેશમાં વેચવો મોંઘો બની જાય છે.

Leave A Comment