વર્લ્ડ નંબર-4 ઓગર-અલિયાસિમ US ઓપનમાંથી બહાર:50મા નંબરના ખાચાનોવે હરાવ્યા; સ્વિયાતેક અને ઓસાકા ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યા

Last Updated: September 4, 2026By

ન્યૂયોર્કમાં ગુરુવારે યુએસ ઓપન 2026ના બીજા રાઉન્ડમાં અપસેટ થયો. મેન્સ સિંગલ્સમાં વિશ્વના 50મા નંબરના રશિયાના કરેન ખાચાનોવે વર્લ્ડ નંબર-4 કેનેડાના ફેલિક્સ ઓગર-અલિયાસિમને 6-7, 6-3, 6-2, 6-2થી હરાવીને બહાર કરી દીધો. પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ખાચાનોવે સતત ત્રણ સેટ જીતીને મુકાબલો પોતાના નામે કર્યો. જ્યારે, વુમન્સ સિંગલ્સમાં ઈગા સ્વિયાતેક અને નાઓમી ઓસાકા પણ ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. પ્રથમ સેટ ગુમાવીને ખાચાનોવે મેચ પલટી નાખી ઓગર-અલિયાસિમે શરૂઆતમાં 3-0ની લીડ બનાવી લીધી હતી. ખાચાનોવે વાપસી કરતા સ્કોર 4-4 કર્યો અને પ્રથમ સેટ ટાઈબ્રેકર સુધી પહોંચાડ્યો. જોકે, ટાઈબ્રેકરમાં કેનેડિયન ખેલાડીએ સેટ જીતી લીધો. બીજા રાઉન્ડના આ મુકાબલામાં આ પછી ખાચાનોવે દબદબો બનાવી લીધો. બીજા સેટમાં તેણે 3-0ની લીડ બનાવીને 6-3થી સેટ જીત્યો. ત્રીજા સેટમાં 6-2 અને ચોથા સેટમાં પણ 6-2થી જીત નોંધાવીને મેચ પોતાના નામે કરી લીધી. આ ગ્રાન્ડ સ્લેમમાં તેની બીજી ટૉપ-10 જીત છે. આ જીત સાથે તે એક જ વર્ષમાં ચારેય ગ્રાન્ડ સ્લેમના ત્રીજા રાઉન્ડમાં પહોંચનાર ખેલાડી પણ બની ગયો છે. ત્રીજા રાઉન્ડમાં ખાચાનોવનો મુકાબલો ફ્રાન્સના બેન્જામિન બોન્ઝી અને પેરુના ઇગ્નાસિયો બુસે વચ્ચે થનારી મેચના વિજેતા સાથે થશે. વુમન્સ સિંગલ્સ: સ્વિયાતેક સીધા સેટમાં જીતી વુમન્સ સિંગલ્સમાં ઇગા સ્વિયાતેકે આર્જેન્ટિનાની નાડિયા પોડોરોસ્કાને 6-3, 6-2થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં સ્થાન બનાવ્યું. સ્વિયાતેકે પહેલા સેટમાં 5-3ની લીડ મેળવ્યા બાદ સેટ પોતાના નામે કર્યો. બીજા સેટમાં તેણે 5-1ની લીડ બનાવી અને સરળતાથી મુકાબલો સમાપ્ત કર્યો. ત્રીજા રાઉન્ડમાં તેનો સામનો હેરિયટ ડાર્ટ અને 25મી સીડ મારિયા બુઝકોવા વચ્ચે રમાનારી મેચના વિજેતા સાથે થશે. ઓસાકાએ ત્રણ સેટમાં જીત નોંધાવી બે વખતની US ઓપન ચેમ્પિયન નાઓમી ઓસાકાએ ચેક રિપબ્લિકની કટેરીના સિઆકોવાને 6-2, 5-7, 6-1થી હરાવીને વુમન્સ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. બીજા સેટમાં ઓસાકાએ સેટ ગુમાવી દીધો. આ પછી તેણે બ્રેક લઈને પોતાને સંભાળી અને નિર્ણાયક સેટ 6-1થી જીતી લીધો. હવે ઓસાકાનો સામનો બેલ્જિયમની એલિસ મર્ટન્સ સાથે થશે. સબાલેન્કાની પત્રકાર સાથે દલીલ, બાદમાં માફી આર્યના સબાલેન્કા અને પત્રકાર મેટ ફટરમેન વચ્ચે પ્રેસ કોન્ફરન્સમાં ઉગ્ર દલીલ થઈ. ફટરમેને ટુર્નામેન્ટ પહેલા બ્રાન્ડ ઇવેન્ટ્સમાં સબાલેન્કાની હાજરી અંગે સવાલ કર્યો હતો. આના પર સબાલેન્કાએ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે બ્રાન્ડ્સ સાથેની તેની પ્રવૃત્તિઓનો અર્થ એ નથી કે તે પાર્ટીઓ કરી રહી હતી. બાદમાં ફટરમેને દાવો કર્યો કે સબાલેન્કા અને તેના એજન્ટે તેને મેસેજ કરીને માફી માગી. સબાલેન્કા સતત ત્રીજી US ઓપન મહિલા સિંગલ્સ ટ્રોફી જીતવાનો પ્રયાસ કરી રહી છે. તમામ બ્રિટિશ ખેલાડીઓ ત્રીજા રાઉન્ડ પહેલા બહાર ફ્રાન્સેસ્કા જોન્સની હાર સાથે યુએસ ઓપન 2026ના મેઈન ડ્રોમાં સામેલ તમામ નવ બ્રિટિશ સિંગલ્સ ખેલાડીઓ ત્રીજા રાઉન્ડ પહેલા બહાર થઈ ગયા. વુમન્સ સિંગલ્સમાં જોન્સને અમેરિકાની 18 વર્ષીય ઈવા જોવિકે 6-4, 6-4થી હરાવી.

Leave A Comment