શાહરુખના ઘર 'મન્નત'માં બે સાપ ઘૂસ્યા:રેસ્ક્યૂ ટીમે 8 ફૂટ લાંબો એક સાપ પકડ્યો, બીજાની શોધખોળ ચાલુ

Last Updated: August 18, 2026By

શાહરુખ ખાનના મુંબઈ સ્થિત પ્રખ્યાત બંગલા ‘મન્નત’માં 17 ઓગસ્ટે લોનમાં બે સાપ દેખાયા. સુરક્ષાના કારણોસર તરત જ રેસ્ક્યુ ટીમને બોલાવવામાં આવી. ટીમે એક સાપ પકડી લીધો છે. જોકે, બીજો સાપ હજુ પણ બંગલામાં જ છે. ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના રિપોર્ટ અનુસાર, સોમવારે રાત્રે લગભગ 8 વાગ્યે એક સ્નેક રેસ્ક્યુઅરને ‘મન્નત’ની અંદર બે સાપ દેખાયા હોવાની જાણકારી આપવામાં આવી. આ પછી બંગલામાં શોધખોળ શરૂ કરવામાં આવી, જેમાં એક સાપને સુરક્ષિત પકડી લેવામાં આવ્યો. રેસ્ક્યુ કરાયેલા સાપની લંબાઈ લગભગ 8 ફૂટ હતી. તેની ઓળખ ધામણ તરીકે થઈ, જેને ઇન્ડિયન રેટ સ્નેક પણ કહેવાય છે. આ સાપ બિન-ઝેરી હોય છે અને બંગલાના પરિસરમાં એક સીડી નીચે છુપાયેલો મળ્યો. બીજો સાપ શોધખોળ પછી પણ મળ્યો નહીં બચાવ પ્રયાસો સંપૂર્ણપણે સફળ રહ્યા ન હતા. પરિસરમાં લોકોની અવરજવર શરૂ થતાં બીજો સાપ ભાગી ગયો. મોડી સાંજ સુધી તેની શોધ ચાલુ રહી, પરંતુ તે મળ્યો નહીં. બિન-ઝેરી સાપ મળતા સ્ટાફને રાહત રિપોર્ટ્સ અનુસાર, સાપ બિન-ઝેરી હોવાની જાણકારી મળ્યા બાદ મન્નતના સિક્યુરિટી ગાર્ડ્સ અને સ્ટાફે રાહત અનુભવી. આ બંગલાનું સત્તાવાર નામ ‘મન્નત લેન્ડ્સ એન્ડ’ છે. તે મુંબઈના બાંદ્રા વિસ્તારના બેન્ડસ્ટેન્ડમાં આવેલો છે. દરિયાની સામે બનેલો શાહરુખનો આ બંગલો સમય જતાં મુંબઈના પ્રખ્યાત સ્થળોમાંનો એક બની ગયો છે. શાહરુખને જોવાની આશામાં ચાહકો અવારનવાર બંગલાની બહાર એકઠા થાય છે. શાહરુખ ખાન ‘મન્નત’માં નથી રહેતો નોંધનીય છે કે, શાહરુખ ખાનના બંગલા ‘મન્નત’માં છેલ્લા કેટલાક મહિનાઓથી રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, પરિણામે તે પોતાના પરિવાર સાથે ગયા વર્ષે એપ્રિલમાં મુંબઈના બાંદ્રાના લક્ઝરી અપાર્ટમેન્ટમાં રહેવા ગયો છે. ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના અહેવાલ મુજબ, શાહરુખ ખાને પૂજા કાસા બિલ્ડિંગમાં 2 ડૂપ્લેક્સ ભાડે લીધા છે. 4 ફ્લોરમાં બનેલા આ ડૂપ્લેક્સ માટે શાહરૂખ અંદાજે વાર્ષિક 2.9 કરોડ રૂપિયા ભાડું ચૂકવી રહ્યો છે, એટલે કે દર મહિને 24 લાખ રૂપિયા ભાડું ચૂકવી રહ્યો છે. આ ફ્લેટનો કુલ કાર્પેટ એરિયા 10,500 ચોરસ ફૂટ છે, જે તેના ઘર ‘મન્નત’ ( 27,000 ચોરસ ફૂટ)ના કદ કરતાં અડધો પણ નથી. શાહરૂખ જે ડુપ્લેક્સમાં રહી રહ્યો છે, તે એક્ટર અને પ્રોડ્યુસર જેકી ભગનાની, તેની બહેન દીપશિખા દેશમુખ અને પિતા વાસુ ભગનાની (પ્રોડ્યુસર)ના નામે છે. ‘મન્નત’ના રિનોવેશનને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી નોંધનીય છે કે, એક મહિના પહેલાં સુપ્રીમ કોર્ટે ‘મન્નત’માં બે નવા માળ બનાવવાની રોક લગાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે અરજદાર સંતોષ દૌંડકરના ઇરાદા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, ‘જો કોઈ પોતાના ખાનગી મકાનમાં ફેરફાર કે નિર્માણ કરવા માંગે છે, તો તે તેની મરજી છે, કાયદાનું મોટાભાગે પાલન કરવામાં આવ્યું છે.’ ‘મન્નત’માં બે માળ વધારવાની યોજના છે
શાહરુખ ખાન અને ગૌરી ખાન તેમના છ માળના બંગલા ઉપર વધુ બે રહેણાંક માળ બનાવવા માંગે છે. ગૌરી ખાને બંગલાના એનેક્સ બિલ્ડિંગમાં બે વધારાના માળ ઉમેરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. આ માટે મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (MCJMA) એ 3 જાન્યુઆરી 2025ના રોજ મંજૂરી આપી હતી. અરજદારે આ જ મંજૂરીને પર્યાવરણીય નિયમો અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) ના નિયમોનું ઉલ્લંઘન ગણાવીને પડકારી હતી. તેમનું કહેવું હતું કે, 5 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ માટે પર્યાવરણ મંત્રાલયની મંજૂરી જરૂરી છે, જેને અવગણવામાં આવી હતી. ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે શાહરુખ શાહરુખ ખાન તેની આગામી ફિલ્મ ‘કિંગ’ માટે તૈયાર છે. સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બનેલી આ એક્શન થ્રિલર 24 ડિસેમ્બર 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, સુહાના ખાન, રાઘવ જુયાલ અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકાઓમાં છે.

Leave A Comment