સલમાન ખાનનો નાનો ભાઈ થયો સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો શિકાર:લાઈવ શોમાં સોહેલ ખાનનો ખુલાસો, કહ્યું- 'શરમ અને ડરના કારણે વર્ષો સુધી મૌન રહ્યો'

Last Updated: July 16, 2026By

બોલિવૂડ એક્ટર અને ફિલ્મ નિર્માતા સોહેલ ખાને પોતાના જીવનને લઈને એક અત્યંત ચોંકાવનારો અને દર્દનાક ખુલાસો કર્યો છે. હાલમાં જ રિયાલિટી શો ‘અલાયન્સ’ના લેટેસ્ટ એપિસોડમાં સોહેલ ખાને જણાવ્યું કે બાળપણમાં તેને જાતીય શોષણનો સામનો કરવો પડ્યો હતો. આ આઘાતજનક અનુભવ વિશે તેણે ઘણા વર્ષો સુધી કોઈને કંઈ જ નહોતું કહ્યું. પિતા સલીમ ખાનને વર્ષો પછી જણાવી આપવીતી શોના એક સ્પર્ધક સાથે વાતચીત દરમિયાન સોહેલ ખાને પોતાના પાસ્ટના આ દર્દને શેર કરતા કહ્યું, “જ્યારે હું નાનો હતો, ત્યારે કોઈએ મારું જાતીય શોષણ કર્યું હતું. મેં ઘણા વર્ષો સુધી આ વાત કોઈને નહોતી કહી. જ્યારે હું મોટો થયો અને સમજણો થયો, ત્યારે આખરે મેં મારા પિતાને આ વિશે જણાવ્યું. મેં તેમને કહ્યું, ‘ડેડી, મારી સાથે આવું થયું હતું.’ ત્યારે પિતાએ મને પૂછ્યું, ‘બેટા, તેં આટલા વર્ષો સુધી આ વાત તારા દિલમાં દબાવીને કેમ રાખી?’ મેં કહ્યું, ‘મને માફ કરજો, પણ મને આ વિશે વાત કરવામાં ખૂબ જ શરમ આવતી હતી.’” સોહેલે વધુમાં ઉમેર્યું કે, “આમાં મારી કોઈ ભૂલ નહોતી, છતાં તે સમયે તમને એક પ્રકારની શરમ અનુભવાય છે. તેથી જ હું હંમેશાં મારા બાળકોને કહેતો રહું છું કે ગમે તે થાય, તમારી વાત હંમેશાં શેર કરો.” બાળકોને આપી સલાહ, રેગિંગ અને બુલિંગનો છે કડક વિરોધી શોમાં સોહેલ ખાને આ દર્દ ત્યારે વ્યક્ત કર્યું જ્યારે તે રેગિંગ અને બુલિંગ વિરુદ્ધ પોતાનો કડક અભિપ્રાય આપી રહ્યો હતો. તેણે જણાવ્યું કે તેના આ કડવા ભૂતકાળના અનુભવે જ તેને પોતાના બંને પુત્રો – નિર્વાણ અને યોહાનને સાચું માર્ગદર્શન આપતા શીખવ્યું છે. તે હંમેશાં પોતાના પુત્રોને કહે છે કે જો કોઈ તેમને બુલી કે હેરાન કરતું હોય, તો આવીને પિતાને જણાવવામાં સહેજ પણ શરમાવું કે અચકાવું નહીં.
પત્ની સીમા સાથે લગ્ન તૂટવાનું કારણ પણ જણાવ્યું આ જ રિયાલિટી શોમાં સોહેલ ખાને પોતાની પત્ની સીમા સજદેહ સાથેના છૂટાછેડા અંગે પણ ખુલીને વાત કરી હતી. તેણે સ્વીકાર્યું હતું કે, “તે સમયે મારું કામ બરાબર નહોતું ચાલી રહ્યું, જેના કારણે મારી માનસિક સ્થિતિ સારી નહોતી. મારા એ પ્રકારના વર્તનને લીધે મેં એ વ્યક્તિને ગુમાવી દીધી જેને હું સાચા દિલથી પ્રેમ કરતો હતો.” ‘અલગ થયા પછી પણ ઘરની ચાવી સીમા પાસે’ સોહેલ ખાને શોમાં કન્ટેસ્ટન્ટ ઝૈદ દરબાર સાથે વાતચીત દરમિયાન પોતાના બાળકો અને સીમાના સંબંધો પર પણ વાત કરી. તેણે જણાવ્યું કે તેમના બંને દીકરા નિર્વાણ અને યોહાન હાલમાં સોહેલ સાથે જ રહે છે. જ્યારે, સીમા બાળકોને મળવા માટે અઠવાડિયામાં ત્રણ વાર તેમના ઘરે આવે છે. સોહેલે ખુલાસો કર્યો કે સીમા પાસે આજે પણ તેમના ઘરની ચાવી છે. સીમાએ શોમાં જણાવ્યું કે તેમનો નાનો દીકરો યોહાન શોમાં તેમને સપોર્ટ કરી રહ્યો છે, જ્યારે મોટો દીકરો નિર્વાણ ઈચ્છે છે કે સોહેલ ખાન આ શો જીતે. 24 વર્ષના લગ્ન પછી 2022માં અલગ થયા હતા સોહેલ અને સીમાની પહેલી મુલાકાત ચંકી પાંડેની સગાઈની પાર્ટીમાં થઈ હતી. સોહેલ પહેલી નજરમાં જ સીમાને દિલ દઈ બેઠા. જલદી જ બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું. પરંતુ અલગ-અલગ ધર્મ હોવાને કારણે સીમાનો પરિવાર આ સંબંધની વિરુદ્ધ હતો. પરિવારના વિરોધ છતાં બંનેએ સાથે રહેવાનો નિર્ણય કર્યો. 15 માર્ચ 1998ના રોજ, જે દિવસે સોહેલની પહેલી ડિરેક્ટેડ ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ રિલીઝ થઈ, તે જ દિવસે બંનેએ ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા. પહેલા આર્ય સમાજ મંદિરમાં ફેરા લીધા અને પછી નિકાહ કર્યા. તેમનો પહેલો દીકરો નિર્વાણ 2000માં અને બીજો દીકરો યોહાન 2011માં થયો. બંને 2022માં અલગ થઈ ગયા. રિયાલિટી ગેમ શો ‘અલાયન્સ’ ને કુણાલ ખેમુ હોસ્ટ કરી રહ્યો છે. શોમાં સંબંધો અને મિત્રતાના સમીકરણો દરરોજ બદલાતા રહે છે. આ શો પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહ્યો છે, જેમાં ફિલ્મ અને ટીવી કલાકારોની સાથે ઘણા ઇન્ફ્લુએન્સર્સ પણ ભાગ લઈ રહ્યો છે. આમાં સોહેલ ખાન, મિની માથુર, કુશલ ટંડન, નીતિ ટેલર અને પાયલ ગેમિંગ સામેલ છે.

Leave A Comment