સુશાંત કેસના આઘાતમાંથી રિયા ચક્રવર્તી હજુ બહાર આવી નથી:કહ્યું- ટ્રોમા એવી વસ્તુ છે, જેમાંથી બહાર આવી શકાતું નથી; એક્ટ્રેસ 27 દિવસ જેલમાં રહી હતી
રિયા ચક્રવર્તીએ તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂતના મોત પછી થયેલા આઘાત (ટ્રોમા) વિશે વાત કરી છે. તેણે જણાવ્યું છે કે તે તેમાંથી સંપૂર્ણપણે સાજા થઈ શકી નથી. ઉપરાંત, એક્ટ્રેસે પોતાની વાઇરલ ટી-શર્ટ વિશે પણ વાત કરી છે. નેહા ધૂપિયા અને અંગદ બેદી સાથેની વાતચીત દરમિયાન રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂત અને આઘાત (ટ્રોમા) વિશે વાત કરી છે. નેહા ધૂપિયાએ રિયાને પૂછ્યું કે એક ઇન્ટરવ્યુમાં તમારી માતાએ સવાલ કર્યો હતો કે મારી દીકરી આમાંથી કેવી રીતે સાજી થશે, શું તમે આમાંથી સંપૂર્ણપણે સાજા થઈ ગયા છો? તો જવાબમાં અભિનેત્રીએ કહ્યું, ‘આ એવી કોઈ વસ્તુ નથી કે જેમાંથી તમે ક્યારેય સંપૂર્ણપણે બહાર આવી શકો. આ એક આઘાત (ટ્રોમા) છે. જો તે મગજમાં ન પણ રહે, તો પણ તેની અસર શરીરમાં રહે છે.’ આગળ તેમણે કહ્યું, ‘આમાં PTSD (પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર) જેવી સ્થિતિ હોઈ શકે છે. તમે થેરાપી લો છો અને ધીમે ધીમે તેનો સામનો કરવાનો પ્રયાસ કરો છો. કારણ કે અમારી બાબત જાહેરમાં છે, તેથી લોકો તેના વિશે વાત કરે છે, વિચારે છે.’ સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસ સમયે રિયા ચક્રવર્તી દ્વારા પહેરવામાં આવેલી એક ટી-શર્ટ પણ ઘણી ચર્ચામાં રહી હતી, જેમાં પિતૃસત્તા ખતમ કરવા સંબંધિત એક લાઇન લખેલી હતી. હવે રિયાએ તે ટી-શર્ટ પહેરવાના નિર્ણય પર કહ્યું છે કે, ‘મેં તે ટી-શર્ટ એટલા માટે પહેરી હતી, કારણ કે તે મારા પહેલા અધ્યાયનો ભાગ હતી. જ્યારે હું અરેસ્ટ થઈ, ત્યારે મેં તે ટી-શર્ટ પહેરી હતી, જેમાં લખેલું હતું, “Roses are red, violets are blue, let’s smash the patriarchy, me and you.” તે ટી-શર્ટે મારા માટે વાત કરી, જ્યારે કોઈ મારી તરફથી વાત કરી રહ્યું ન હતું. મેં કહ્યું હતું કે આવી વધુ ટી-શર્ટ બનાવો, જે તે લોકોની મદદ કરી શકે, જેના માટે કોઈ બોલતું નથી.’ રિયાએ કહ્યું કે આ જ કારણ છે કે તેણે ભાઈ શૌવિક સાથે ક્લોથિંગ બ્રાન્ડ (ચેપ્ટર-2) શરૂ કરી, જેમાં તે ટી-શર્ટ બનાવી રહી છે. સુશાંત સિંહ રાજપૂતના મોત પછી 27 દિવસ જેલમાં રહી સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી તેમના પિતાએ રિયા ચક્રવર્તી પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત ડ્રગ્સ સંબંધિત વાત સામે આવ્યા પછી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પણ અભિનેત્રી અને તેના ભાઈ શૌવિકને તપાસના દાયરામાં લીધી હતી. કેસના કારણે રિયા ચક્રવર્તી 27 દિવસ સુધી જેલમાં રહી. CBIએ 22 માર્ચ 2025 ના રોજ તેના ક્લોઝર રિપોર્ટમાં રિયા અને તેના પરિવારને ક્લીન ચિટ આપી દીધી.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

