14 કરોડ પાસવર્ડ લીક! તમારું Gmail જોખમમાં છે કે નહીં, તાત્કાલિક તપાસો
છેલ્લા કેટલાક દિવસોથી ટેક જગતમાં ભારે ચર્ચા છે કે લગભગ 149 મિલિયન એટલે કે 14 કરોડથી વધુ ઈમેલ ID અને પાસવર્ડ્સ ઓનલાઈન સામે આવ્યા છે. આ સમાચાર સાંભળીને ઘણા લોકો ચિંતામાં મુકાઈ ગયા છે કે તેમનું Gmail, Facebook, Instagram, Netflix અથવા PayPal એકાઉન્ટ પણ હેકર્સના હાથમાં તો નથી ને? પ્રથમ નજરે આ એક ભયાનક અને મોટું હેક લાગે છે, પરંતુ હકીકત થોડી અલગ છે.
જુના ડેટા લીક
અહેવાલો અનુસાર, આ કોઈ એક મોટી કંપનીના સર્વર પર થયેલો તાજો હેક નથી. હકીકતમાં, વર્ષોથી વિવિધ વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સમાંથી થયેલા જુના ડેટા લીકને એક જગ્યાએ એકત્ર કરીને એક મોટો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો, અગાઉ થયેલી ચોરીઓને જોડીને નવી યાદી બનાવવામાં આવી છે. આ જ કારણ છે કે Gmail, Facebook, Instagram, Netflix અને PayPal જેવા લોકપ્રિય પ્લેટફોર્મના વપરાશકર્તાઓમાં ચિંતા વધી છે.
પાસવર્ડ ફરી વાપરવાનો
હકીકતમાં ખરો ખતરો પાસવર્ડ ફરી ફરી વાપરવાનો છે. જો તમારું E-Mail સરનામું અને પાસવર્ડ અગાઉ કોઈ ડેટા ભંગમાં બહાર આવ્યું હોય અને તમે એ જ પાસવર્ડ અન્ય ઘણી સાઇટ્સ પર પણ ઉપયોગ કરતા હો, તો હેકર્સ તેને અન્ય એકાઉન્ટ્સ પર અજમાવી શકે છે. આ પ્રકારના હુમલાને Credential Stuffing Attack કહેવામાં આવે છે. એટલે સમસ્યા માત્ર એક વેબસાઇટ પૂરતી નથી, પરંતુ તમારી પાસવર્ડની આદત સાથે સીધે જ જોડાયેલી છે.
આ વેબસાઇટથી જાણો તમારું ઇમેલ ડેટા
હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે તમારું ઈમેલ ડેટા લીકમાં સામેલ છે કે નહીં, તે કેવી રીતે જાણી શકાય. આ માટે Have I Been Pwned નામની એક વિશ્વસનીય વેબસાઇટ ઉપલબ્ધ છે. આ સાઇટ જાણીતા સાયબર સુરક્ષા નિષ્ણાત ટ્રોય હન્ટ દ્વારા બનાવવામાં આવી છે અને વિશ્વભરની મોટી કંપનીઓ તેનો ઉપયોગ કરે છે. આ વેબસાઇટ પર તમારે ફક્ત તમારું ઈમેલ એડ્રેસ દાખલ કરવાનું હોય છે. જો તમારું ઈમેલ કોઈ મોટા ડેટા લીકમાં મળી આવ્યું હશે, તો સાઇટ તમને તરત જ જણાવી દેશે કે કઈ વેબસાઇટ પર ભંગ થયો હતો, કયા વર્ષે થયો હતો અને ફક્ત ઈમેલ લીક થયું હતું કે પાસવર્ડ પણ સામેલ હતો.
ડેટા લીક થાય તો કરો આ
જો તપાસ દરમિયાન જાણવા મળે કે તમારો ડેટા લીક થયો છે, તો ગભરાવાની જરૂર નથી. સૌથી પહેલા જે વેબસાઇટ પર લીક થયો હોય ત્યાંનો પાસવર્ડ તરત બદલવો જરૂરી છે. જો તમે એ જ પાસવર્ડ અન્ય સાઇટ્સ પર પણ ઉપયોગ કરતા હો, તો ત્યાં પણ તેને બદલવો ખૂબ જ મહત્વનો છે. ભવિષ્યમાં દરેક મહત્વની વેબસાઇટ માટે અલગ અને મજબૂત પાસવર્ડ રાખવો જોઈએ અને Gmail તથા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર બે પગલાંની ચકાસણી એટલે કે 2-Step Verification ચાલુ કરવી જોઈએ.
પાસવર્ડ મેનેજર ટૂલ્સ
આજના સમયમાં બધા પાસવર્ડ યાદ રાખવા મુશ્કેલ છે, તેથી પાસવર્ડ મેનેજર ટૂલ્સ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. 1Password અથવા Bitwarden જેવા ટૂલ્સ તમને મજબૂત અને અનન્ય પાસવર્ડ જનરેટ કરવામાં અને સુરક્ષિત રીતે સંગ્રહ કરવામાં મદદ કરે છે. એટલું યાદ રાખવું જરૂરી છે કે ડેટા લીક ડિજિટલ યુગની હકીકત છે, પરંતુ જાગૃતિ અને યોગ્ય સુરક્ષા પગલાંથી તમે પોતાને સુરક્ષિત રાખી શકો છો. આજે જ તમારા એકાઉન્ટ્સની તપાસ કરો અને જરૂરી બદલાવ કરો.
આ પણ વાંચો : Economic Survey : અમેરિકા સાથે ક્યારે સોદો થશે? ટેરિફ અંગે કોઈ તણાવ નહીં !
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

