14 ફિલ્મો ફ્લોપ ગઈ, ઘરનું ભાડું ભરવાના પૈસા નહોતા:'ધુરંધર' અર્જુન રામપાલને વિલનની ભૂમિકાઓથી સ્ટારડમ મળ્યું; મેજર ઇકબાલના પાત્રએ નસીબ બદલી નાખ્યું
એક સમયે બોલિવૂડમાં પોતાની સ્ટાઈલ અને શાનદાર સ્ક્રીન પ્રેઝન્સ માટે જાણીતા અર્જુન રામપાલની કારકિર્દી ઉતાર-ચઢાવ ભરી રહી. મોડેલિંગમાંથી ફિલ્મોમાં આવેલા અર્જુને શરૂઆતમાં ઓળખ બનાવી, પરંતુ લાંબા સમય સુધી તેની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી. આ સમયગાળામાં તેને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો અને ઘરનું ભાડું ભરવું પણ મુશ્કેલ બની ગયું હતું. લગભગ 14 ફિલ્મોની નિષ્ફળતાએ તેની કારકિર્દી પર પ્રશ્નો ઊભા કર્યા, પરંતુ તેણે હાર ન માની. સંઘર્ષના સમયમાં તેણે પોતાને નિખાર્યો અને અભિનય પર કામ ચાલુ રાખ્યું. સમય જતાં તેને ‘રૉક ઑન’ જેવી ફિલ્મોથી પ્રશંસા મળી અને હવે ‘ધુરંધર’ દ્વારા તેનું નસીબ ફરી ચમકતું જોવા મળી રહ્યું છે. આજની ‘સક્સેસ સ્ટોરી’માં અર્જુન રામપાલની કારકિર્દી અને અંગત જીવન સાથે જોડાયેલી વાતો જાણીએ… સેનાનું અનુશાસન અને માતાના સંસ્કારોનો વ્યક્તિત્વ પર ઊંડો પ્રભાવ અર્જુન રામપાલનો જન્મ 26 નવેમ્બર 1972ના રોજ જબલપુર, મધ્ય પ્રદેશમાં થયો હતો. તેનું પ્રારંભિક જીવન દિલ્હીમાં વીત્યું, જ્યાં તેણે અભ્યાસ પૂર્ણ કર્યો. તેના પિતા અમરજીત રામપાલ ભારતીય સેનામાં અધિકારી હતા, જ્યારે તેના માતા ગ્વેન રામપાલ સ્કૂલ ટીચર હતાં. સેનાના અનુશાસન અને માતાના સંસ્કારોએ તેના વ્યક્તિત્વ પર ઊંડો પ્રભાવ પાડ્યો. આ જ કારણોસર તેનામાં અનુશાસન અને જવાબદારીની ભાવના બાળપણથી જ મજબૂત થતી ગઈ. અર્જુન રામપાલે દિલ્હી યુનિવર્સિટીના હિન્દુ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક (ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન) કર્યું. અભ્યાસ દરમિયાન તેની રુચિ ફેશન અને જાહેરાતો તરફ વધી. શરૂઆતમાં તેનો ઇરાદો મૉડલિંગમાં આવવાનો ન હતો, પરંતુ તેની પર્સનાલિટી અને લુક્સે તેને આ તરફ ખેંચ્યો. મિસ ઇન્ડિયા અને મૉડલ મેહર જેસિયાએ મોડેલિંગ ઇન્ડસ્ટ્રીથી પરિચય કરાવ્યો ખરેખરમાં એક પાર્ટીમાં તેની મુલાકાત પૂર્વ મિસ ઇન્ડિયા અને મૉડલ મેહર જેસિયા સાથે થઈ. તેણે તેને મૉડલિંગ ઇન્ડસ્ટ્રીથી પરિચિત કરાવ્યો અને આગળ વધવા માટે પ્રેરિત કર્યો. આ પછી તેણે મોટા ફેશન ડિઝાઇનર્સ અને બ્રાન્ડ્સ માટે રેમ્પ વોક શરૂ કર્યું અને ટૂંક સમયમાં જ તે ભારતના મુખ્ય મેલ મૉડલ્સમાં સામેલ થઈ ગયો. 1990ના દાયકામાં તે અનેક જાહેરાતો અને ફેશન શોનો ભાગ બન્યો. આનાથી તેની ઓળખ ઝડપથી વધી અને બોલિવૂડમાં આવતા પહેલાં જ તેણે મૉડલિંગમાં મજબૂત નામ બનાવી લીધું. પહેલી ફિલ્મમાં મનીષા કોઈરાલા સાથે તક મળી મૉડલિંગ દરમિયાન તેની સ્ક્રીન પ્રેઝન્સ અને જાહેરાતોની લોકપ્રિયતાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ધ્યાન ખેંચ્યું. આ દરમિયાન અશોક મહેતાએ તેને ફિલ્મ ‘મોક્ષ’ (2001)માં મનીષા કોઈરાલાની સામે કાસ્ટ કર્યો. બીજી ફિલ્મ ‘પ્યાર ઇશ્ક ઔર મોહબ્બત’માં ડિરેક્ટર રાજીવ રાયે તેને એક જાહેરાતમાં જોયો અને પ્રભાવિત થઈને કાસ્ટ કર્યો. જોકે, આ ફિલ્મ ‘મોક્ષ’ પહેલા રિલીઝ થઈ હતી. તેમાં અર્જુન રામપાલ સાથે સુનીલ શેટ્ટી, આફતાબ શિવદાસાની અને કીર્તિ રેડ્ડી જોવા મળ્યા હતા. ઘરનું ભાડું ભરવાના પણ પૈસા નહોતા ‘પોપ ડાયરીઝ’ને આપેલા ઇન્ટરવ્યુમાં અર્જુને જણાવ્યું હતું કે, ‘હું મારી કારકિર્દીની શરૂઆતમાં એક ખૂબ જ સફળ મૉડલ હતો. તે જ સમયગાળા દરમિયાન અશોક મહેતા મારી પાસે ફિલ્મ ‘મોક્ષ’ લઈને આવ્યા, જેમાં મને શાનદાર એક્ટ્રેસ મનીષા કોઈરાલા સાથે કામ કરવાની તક મળી. તે સમયે તેઓ તેમની કારકિર્દીના શિખર પર હતાં.’ ‘મને યાદ છે, અમે ચંબલ ઘાટીમાં એક સીન શૂટ કરી રહ્યા હતા. જ્યારે મેં શૂટિંગના ફૂટેજ જોયા, ત્યારે પોતાને જોઈને મને પોતાનો જ ધિક્કાર થઈ ગયો. મેં વિચાર્યું, ‘હે ભગવાન, હું કેટલો ખરાબ દેખાઈ રહ્યો છું.’ તે જ સમયે મેં નિર્ણય કર્યો કે હવે હું મૉડલિંગ નહીં કરું. પરંતુ મને બિલકુલ અંદાજ નહોતો કે, આ ફિલ્મને બનવામાં છ વર્ષ લાગી જશે.’ ‘તે સમયગાળા દરમિયાન મારી પાસે આવકનો કોઈ સ્ત્રોત નહોતો. હું મુંબઈના અંધેરી સ્થિત સેવન બંગલોઝમાં રહેતો હતો. મારા મકાનમાલિક સરદારજી ખૂબ સારા માણસ હતા. દર મહિનાની પહેલી તારીખે તેઓ આવતા, મને જોતા અને હું તેમને જોતો. તેઓ હસીને પૂછતા, ‘નથી ને?’ અને હું માથું હલાવી દેતો. ત્યારે તેઓ કહેતા, ‘કોઈ વાંધો નહીં, તું આપી દેજે.’’ ‘જીવનમાં આવા સારા લોકો અને આવા પળો ખૂબ મહત્ત્વના હોય છે.’ ‘ફેસ ઓફ ધ યર’ પુરસ્કારથી સન્માનિત કરાયો જોકે, ‘મોક્ષ’ અને ‘પ્યાર ઇશ્ક ઔર મોહબ્બત’ બોક્સ ઓફિસ પર અપેક્ષિત સફળતા મેળવી શકી નહીં, પરંતુ વિવેચકોએ અર્જુન રામપાલના અભિનય અને સ્ક્રીન પ્રેઝન્સની પ્રશંસા કરી. આનાથી તેને ઇન્ડસ્ટ્રીમાં સંભવિત એક્ટર તરીકે જોવામાં આવવા લાગ્યો. બેક ટુ બેક 14 ફ્લોપ ફિલ્મો આપી ‘મોક્ષ’ અને ‘પ્યાર ઇશ્ક ઔર મોહબ્બત’ પછી અર્જુન રામપાલે ‘દીવાનાપન’, ‘તહઝીબ’, ‘દિલ હૈ તુમ્હારા’, ‘દિલ કા રિશ્તા’, ‘અસંભવ’, ‘વાદા’, ‘આંખેં’, ‘હમકો તુમસે પ્યાર હૈ’, ‘યકીન’, ‘ડરના જરૂરી હૈ’, ‘ઐલાન’ અને ‘એક અજનબી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ આ ફિલ્મોને કોમર્શિયલ સફળતા મળી નહીં. ‘દિલ હૈ તુમ્હારા’ની વાર્તા અને સંગીતને પસંદ કરવામાં આવ્યું હતું. અર્જુન રામપાલને ઘણીવાર સ્ટાઇલિશ હીરો તરીકે જોવામાં આવ્યો, ગંભીર એક્ટર તરીકે નહીં. જોકે, તેણે હાર ન માની અને અલગ-અલગ પાત્રોમાં પોતાને અજમાવતા રહ્યો. વિલન અવતારે સ્ટારડમ અપાવ્યું શાહરુખ ખાનની ‘ડોન’ (2006) માં અર્જુન રામપાલે પોતાના નકારાત્મક પાત્રથી દર્શકો અને વિવેચકોનું ધ્યાન ખેંચ્યું. આ ફિલ્મમાં તેણે કડક અને પ્રભાવશાળી પાત્ર ભજવ્યું, જેણે તેની સ્ટાઇલિશ હીરોની છબીથી અલગ એક ગંભીર એક્ટર તરીકેની ઓળખ મજબૂત કરી. આ પછી ‘ઓમ શાંતિ ઓમ’ (2007) માં તેનો વિલન અવતાર વધુ ચર્ચામાં રહ્યો. આ ફિલ્મમાં તેના પાત્રની સ્ક્રીન પ્રેઝન્સ, ડાયલોગ ડિલિવરી અને ખલનાયક જેવી ઊર્જાને પસંદ કરવામાં આવી. આ જ કારણે તેને માત્ર મૉડલ-ટર્ન-એક્ટર જ નહીં, પરંતુ એવા એક્ટર તરીકે જોવામાં આવવા લાગ્યો, જે નકારાત્મક ભૂમિકાઓમાં મજબૂત અસર છોડી શકે છે. તેના વિલન અવતારે તેને સ્ટારડમ અપાવ્યું. ‘રૉક ઑન’ માટે નેશનલ ઍવૉર્ડ મળ્યો ‘રૉક ઑન’ અર્જુન રામપાલના કરિયરનો મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. આ ફિલ્મમાં ફરહાન અખ્તર, પ્રાચી દેસાઈ, લ્યુક કેની અને પૂરબ કોહલી પણ હતાં, પરંતુ અર્જુન રામપાલે પોતાના ઊંડા પાત્રથી ખાસ ઓળખ બનાવી. આ ફિલ્મ પહેલાં તેને ઘણીવાર સ્ટાઇલિશ ચહેરા તરીકે જોવામાં આવતો હતો, પરંતુ ‘રૉક ઑન’એ આ ધારણા બદલી નાખી. ફિલ્મમાં તેના અભિનયે દર્શાવ્યું કે, તે ગ્લેમર કે નેગેટિવ રોલ પૂરતો સીમિત નથી, પરંતુ ભાવનાત્મક અને પરિપક્વ પાત્રો પણ અસરકારક રીતે ભજવી શકે છે. ‘રૉક ઑન’ બૉક્સ ઑફિસ પર સફળ રહી અને દર્શકોએ તેની વાર્તા, સંગીત અને કલાકારોના પર્ફોર્મન્સને વખાણ્યું. આ જ ફિલ્મ માટે અર્જુન રામપાલને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો, જેનાથી તે એક ગંભીર અને પ્રતિભાશાળી એક્ટર તરીકે સ્થાપિત થયો. મલ્ટીસ્ટારર ફિલ્મોનો મહત્ત્વનો ચહેરો બન્યો અર્જુન રામપાલને ‘રૉક ઑન’ માટે નેશનલ અવૉર્ડ મળ્યા પછી એક મજબૂત એક્ટર તરીકે જોવા લાગ્યા. આ ફિલ્મે તેની કારકિર્દીને નવી દિશા આપી, પરંતુ તે પછી તેની સફર સતત સફળ રહી નહીં. ‘હાઉસફુલ’ અને ‘રાજનીતિ’ સફળ રહી, જ્યારે ‘વી આર ફેમિલી’ અને ‘રા: વન’ સરેરાશ રહી. જોકે, આ સમયગાળામાં તે મલ્ટિસ્ટારર ફિલ્મોનો એક મહત્ત્વનો ચહેરો બન્યો અને ઇન્ડસ્ટ્રીમાં તેની માંગ વધી. પરંતુ 2012 પછી તેની ફિલ્મોનું પ્રદર્શન ઘટતું ગયું. ઘણા મોટા પ્રોજેક્ટ્સ બોક્સ ઓફિસ પર ચાલ્યા નહીં. ‘ઇનકાર’, ‘ડી-ડે’, ‘સત્યાગ્રહ’, ‘રૉક ઑન 2’, ‘ડૅડી’ અને ‘પલટન’ નિષ્ફળ રહી. ‘ડૅડી’નો પ્રોડ્યુસર અર્જુન રામપાલ પોતે હતો. સતત નિષ્ફળ ફિલ્મોએ તેના સ્ટારડમને નબળો પાડી દીધો અને તે બોક્સ ઓફિસ પર ભરોસાપાત્ર નામ રહી શક્યો નહીં. જોકે, નિષ્ફળ ફિલ્મો પર અર્જુન રામપાલનો દૃષ્ટિકોણ કંઈક અલગ જ છે. તેનું માનવું છે કે દરેક નિષ્ફળતા માત્ર એક અવરોધ નથી હોતી. ફ્લોપ ફિલ્મો પછી OTT પ્લેટફોર્મ તરફ પગલાં ભર્યા ફિલ્મોમાં ગ્રાફ નીચે ગયા પછી અર્જુન રામપાલે OTT પર પોતાની નવી શરૂઆત કરી, જ્યાં તેને નવા પ્રકારના પાત્રો ભજવવાની તક મળી. ‘ધ ફાઇનલ કૉલ’માં તેણે પાયલટનો ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક કિરદાર ભજવ્યો, જેને દર્શકોએ વખાણ્યો. ‘લંડન ફાઇલ્સ’માં તેણે તપાસ અધિકારીની ભૂમિકા ભજવી, જેમાં તેમના ઇન્ટેન્સ અભિનયની પ્રશંસા થઈ. OTT પર તેમને ફિલ્મોની સરખામણીમાં વધુ સકારાત્મક પ્રતિસાદ મળ્યો. ‘ધુરંધર’થી મળી મોટી ઓળખ ઇન્ડસ્ટ્રીમાં એવું માનવામાં આવે છે કે, OTT પર કામ કર્યા પછી કલાકારોને નવા અને મજબૂત કિરદારોની ઓફર મળે છે. અર્જુન રામપાલ સાથે પણ આવું જ થયું. તેની તાજેતરની સ્ક્રીન પ્રેઝન્સ અને ગંભીર ભૂમિકાઓએ ફિલ્મમેકર્સનું ધ્યાન ખેંચ્યું. આ પછી તેને મોટા પ્રોજેક્ટ્સમાં સામેલ કરવામાં આવ્યો. આ જ કડીમાં તેનું નામ ફિલ્મ ‘ધુરંધર’ સાથે જોડાયું, જે તેના કરિયરનો મહત્વપૂર્ણ વળાંક માનવામાં આવી રહ્યો છે. ‘ધુરંધર’ અને ‘ધુરંધરઃ ધ રિવેન્જ’માં અર્જુન રામપાલે મેજર ઇકબાલનું પાત્ર ભજવ્યું છે, જેને 26/11ના હુમલાના માસ્ટરમાઇન્ડ તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ પાત્ર દ્વારા તેણે તે પીડાને અભિનયમાં ઉતારી, જેને તે વર્ષોથી અનુભવી રહ્યો હતો. અર્જુન રામપાલ કહે છે કે, જ્યારે ડિરેક્ટર આદિત્ય ધરે તેને ‘ધુરંધર’ની વાર્તા સંભળાવી, ત્યારે 26/11 સાથે જોડાયેલો સીન સાંભળતા જ તેણે ફિલ્મ કરવાનો નિર્ણય કરી લીધો. તેના મતે, તે જ સમયે તેને લાગ્યું કે, આ તેના અંદરની પીડા અને ગુસ્સાને બહાર કાઢવાની તક છે. અર્જુન રામપાલે જણાવ્યું કે, 26 નવેમ્બર 2008નો દિવસ તેના જીવનનો સૌથી ભયાનક દિવસ હતો. આ તેનો 36મો જન્મદિવસ હતો અને તેઓ મિત્રો સાથે ઉજવણી કરવા નીકળ્યો હતો. તે વર્લીની એક હોટલમાં રોકાયા, જ્યાં અચાનક ધમાકાનો અવાજ સંભળાયો. શરૂઆતમાં લાગ્યું કે, ગેંગવોર થયું છે, પરંતુ થોડી જ વારમાં આખા શહેરમાં આતંક ફેલાઈ ગયો. તેણે જણાવ્યું કે, હોટલને તરત જ બંધ કરી દેવામાં આવી અને બધાને અંદર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા. બહાર પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. રામપાલે કહ્યું, ‘મારા જન્મદિવસ પર મેં 26/11ની ભયાનકતા મારી આંખોથી જોઈ.’ આ ઘટનાની તેના પર ઊંડી માનસિક અસર પડી. બીજા દિવસે ઘરે પાછા ફરતી વખતે તેને ઘણી વાર ગાડી રોકવી પડી, કારણ કે તેની તબિયત બગડી રહી હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

