81 બોલમાં 14 સિક્સર, 21 બાઉન્ડ્રી સાથે 193 રન ફટકાર્યા:સુરત ક્રિકેટ લીગમાં KKRના પૂર્વ ખેલાડી આર્ય દેસાઈએ ઇતિહાસ રચ્યો; IPLમાં રમે તો 'ક્રિસ ગેલ'નો રેકોર્ડ તૂટી શકે!
ડાયમંડ સિટી સુરત હવે ક્રિકેટના રત્નોથી પણ ઝળકી રહ્યું છે. આઈપીએલ 2026ની સિઝન શરૂ થાય તે પહેલા જ દક્ષિણ ગુજરાતના એક યુવા બેટ્સમેને વિશ્વ ક્રિકેટમાં સનસનાટી મચાવી દીધી છે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA) દ્વારા આયોજિત સુરત ક્રિકેટ લીગ (SCL)માં લુથ્રા પેગાસસના કેપ્ટન આર્ય દેસાઈએ એવી બેટિંગ કરી કે સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકો સ્તબ્ધ થઈ ગયા હતા. આર્યએ માત્ર 81 બોલમાં 193 રન ફટકારીને ટી-20 ક્રિકેટના તમામ રેકોર્ડ્સ ધ્વસ્ત કરી દીધા છે. 81 બોલ, 193 રન અને 238નો સ્ટ્રાઈક રેટ
20 માર્ચના રોજ લુથ્રા પેગાસસ અને કૈલાશ સ્પોર્ટ્સ ક્લબ વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં આર્ય દેસાઈનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ઓપનિંગમાં આવેલા આર્યએ પ્રથમ બોલથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે મેદાનની ચારેબાજુ ફટકાબાજી કરતા 238.27ના આઘાતજનક સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. તેની આ ઇનિંગમાં 14 ગગનચુંબી છગ્ગા અને 21 ચોગ્ગાનો સમાવેશ થાય છે. એટલે કે તેણે 168 રન તો માત્ર બાઉન્ડ્રીથી જ મેળવ્યા હતા. ક્રિસ ગેલનો રેકોર્ડ પણ જોખમમાં!
આર્ય દેસાઈની આ ઇનિંગે આઈપીએલના દિગ્ગજ ક્રિસ ગેલની યાદ તાજી કરી દીધી છે. આઈપીએલમાં ગેલના નામે 175 રનનો રેકોર્ડ છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર માનવામાં આવતો હતો. જોકે, આર્યએ 193 રન બનાવીને બતાવી દીધું છે કે તે આગામી સમયમાં મોટા મંચ પર પણ આવો જ કમાલ કરી શકે છે. ગુજરાતના સ્થાનિક ક્રિકેટ ઈતિહાસમાં ટી-20 ફોર્મેટમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર હોવાનું મનાય છે. કોણ છે આર્ય દેસાઈ?
આર્ય દેસાઈની ઉંમર 22 વર્ષ છે અને ગુજરાત માટે રણજી ટ્રોફીમાં પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યો છે. આ સાથે આઈપીએલ કનેક્શન પણ છે. અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે. વેસ્ટ ઝોન તરફથી દુલિપ ટ્રોફીમાં પણ રમી ચૂક્યો છે. ‘વર્લ્ડ કપમાં જેવી બેટિંગ થાય છે, બસ એવો જ પ્લાન હતો’
પોતાની આ ઐતિહાસિક ઇનિંગ બાદ આર્ય દેસાઈએ જણાવ્યું હતું કે, મેં ઘણા વર્ષોથી આ માટે મહેનત કરી છે. હાલમાં જે રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બદલાઈ રહ્યું છે, ખાસ કરીને વર્લ્ડ કપની સેમીફાઈનલ અને ફાઈનલમાં ભારતીય ટીમે જે રીતે 250+ સ્કોર કર્યા હતા, તે જોતા મારો ઇન્ટેન્ટ પહેલા બોલથી જ એટેક કરવાનો હતો. મને ખુશી છે કે હું મારો પ્લાન અમલમાં મૂકી શક્યો અને મારી ટીમને જીત અપાવી. સુરતના ક્રિકેટ જગતમાં ખુશીનો માહોલ
આર્યની આ સિદ્ધિ બાદ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો અને સ્થાનિક કોચે તેને અભિનંદન પાઠવ્યા છે. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે, આર્યનું આ ફોર્મ તેને આગામી આઈપીએલ ઓક્શનમાં મોટી કિંમત અપાવી શકે છે. જે રીતે તેણે બોલરોની ધોલાઈ કરી છે, તે જોતા તે ભારતીય ક્રિકેટનું આગામી મોટું નામ બની શકે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

