Womens Day 2026: દરેક મહિલાએ નિયમિતપણે કરાવવા જોઈએ આ 5 હેલ્થ ટેસ્ટ, જાણો ડોક્ટર્સની સલાહ
આજની આધુનિક મહિલાઓ ઘર અને ઓફિસની જવાબદારીઓ વચ્ચે મલ્ટીટાસ્કિંગ કરવામાં ઘણીવાર પોતાના સ્વાસ્થ્યની અવગણના કરે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 ના અવસરે, અમદાવાદની અપોલો હોસ્પિટલ્સના નિષ્ણાત ડોક્ટરોએ મહિલાઓને ‘પ્રિવેન્ટિવ હેલ્થકેર’ અપનાવવા અને પાંચ મહત્વપૂર્ણ હેલ્થ ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.
શા માટે જરૂરી છે પ્રિવેન્ટિવ ચેક-અપ?
ગાયનેકોલોજીસ્ટ ડો. સંતવાન મહેતા જણાવે છે કે, એનિમિયા, થાઇરોઇડ અસંતુલન કે વિટામીનની ઉણપ જેવી સમસ્યાઓ શરીરમાં ધીમે-ધીમે ઘર કરે છે. જ્યાં સુધી સ્થિતિ ગંભીર ન બને ત્યાં સુધી તેના લક્ષણો સમજાતા નથી. નિયમિત ચેક-અપ દ્વારા આ સમસ્યાઓને શરૂઆતના તબક્કે જ પકડી શકાય છે, જેનાથી ભવિષ્યની મોટી બીમારીઓ ટાળી શકાય છે.
નિષ્ણાતોએ સૂચવેલા પાંચ અનિવાર્ય ટેસ્ટ:
હિમોગ્લોબિન ટેસ્ટ: ભારતીય મહિલાઓમાં એનિમિયા (લોહીની ઉણપ) અત્યંત સામાન્ય છે. થાક, નબળાઈ અને વાળ ખરવા જેવા લક્ષણોને અવગણવાને બદલે હિમોગ્લોબિન ચેક કરાવવું જોઈએ.
થાઇરોઇડ ફંક્શન (TSH): થાઇરોઇડ હોર્મોન્સ મેટાબોલિઝમ અને પીરિયડ્સના સ્વાસ્થ્યને નિયંત્રિત કરે છે. વજનમાં અચાનક ફેરફાર કે અનિયમિત માસિક વખતે આ ટેસ્ટ ખૂબ જરૂરી છે.
વિટામીન B12 અને D3: બદલાતી જીવનશૈલી અને સૂર્યપ્રકાશના અભાવે વિટામીન D3 ની ઉણપથી હાડકાં નબળા પડે છે, જ્યારે B12 ની ઉણપ ચેતાતંત્રને પ્રભાવિત કરે છે.
મેમોગ્રાફી: 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સરના વહેલા નિદાન માટે મેમોગ્રાફી વરદાન સમાન છે.
પેપ સ્મીયર: સર્વાઇકલ કેન્સરના જોખમને ટાળવા માટે 30 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓએ દર ત્રણ વર્ષે આ ટેસ્ટ કરાવવો હિતાવહ છે.
અપોલો હોસ્પિટલ્સના ડો. વંદના સિન્હા ઉમેરે છે કે, “મહિલાઓ પરિવારની પ્રાથમિકતામાં પોતાને ભૂલી જાય છે. પરંતુ જો મહિલા સ્વસ્થ હશે, તો જ તે તેના પરિવાર અને સમુદાયને સપોર્ટ કરી શકશે.”
આ મહિલા દિને, માત્ર ઉજવણી નહીં પણ પોતાના સ્વાસ્થ્ય માટે એક મજબૂત કદમ ઉઠાવવાનો સંકલ્પ કરવો જોઈએ. સંતુલિત આહાર, નિયમિત કસરત અને સમયસર સ્ક્રિનિંગ એ સ્વસ્થ જીવનની ચાવી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

