પૃથ્વી શૉની જિંદગીની 'નવી ઇનિંગ્સ' શરૂ:એક્ટ્રેસ આકૃતિ અગ્રવાલ સાથે સગાઈ કરી, ક્રિકેટરે લખ્યું- 'મેદાન પર સિક્સરથી લઈ આખી જિંદગીની પરફેક્ટ ઇનિંગ્સ'

Last Updated: March 8, 2026By

ભારતને અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન પૃથ્વી શૉએ ઇન્ફ્લુએન્સર અને એક્ટ્રેસ આકૃતિ અગ્રવાલ સાથે સગાઈ કરી લીધી છે. આ અંગેની જાણકારી ક્રિકેટરે રવિવારે આપી. પૃથ્વી શૉએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સગાઈની તસવીરો પણ શેર કરી અને લખ્યું, ‘મેદાન પર સિક્સરથી લઈને મેદાનની બહાર આખી જિંદગીની ભાગીદારી સુધી, તે મારી પરફેક્ટ ઇનિંગ્સ છે. #જસ્ટએન્ગેજ્ડ.’ નોંધનીય છે કે, આકૃતિના ઇન્સ્ટાગ્રામ પર 3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તાજેતરમાં તે તેલુગુ ફિલ્મ ‘ટ્રિમુખા’માં જોવા મળી હતી. જુઓ સગાઈની 5 તસવીરો… બોલિવૂડ સેલેબ્સે અભિનંદન પાઠવ્યા પૃથ્વી અને આકૃતિની સગાઈ પર ઘણા લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા. પોસ્ટ પર સિંગર સ્ટેબિન બેન, એક્ટર સિદ્ધાંત કપૂર અને રાહુલ ચાહરે પણ અભિનંદન આપ્યા. પૃથ્વીની કપ્તાનીમાં ભારતે અંડર-19 વિશ્વ કપ જીત્યો હતો પૃથ્વી શૉએ 2018માં પોતાની કપ્તાનીમાં ભારતને અંડર-19 વિશ્વ કપ જીતાડ્યો હતો. તે જ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારીને તેણે શાનદાર શરૂઆત કરી અને ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય ખેલાડીઓમાં સામેલ થયો. 2025માં તેણે મુંબઈ છોડીને મહારાષ્ટ્રની ટીમ જોઈન કરી અને બૂચી બાબુ ટુર્નામેન્ટમાં ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી. IPL 2026ની હરાજીમાં દિલ્હી કેપિટલ્સે તેને ₹75 લાખમાં ખરીદ્યો હતો. આકૃતિ પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર છે આકૃતિ અગ્રવાલ એક ભારતીય એક્ટ્રેસ, મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. આકૃતિએ પોતાની કારકિર્દીની શરૂઆત કન્ટેન્ટ ક્રિએટર તરીકે કરી અને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર વ્લોગ, શોર્ટ વીડિયો અને ફોટોશૂટ દ્વારા લોકપ્રિયતા મેળવી. આકૃતિએ તાજેતરમાં તેલુગુ ફિલ્મ ‘ટ્રિમુખા’માં કામ કર્યું હતું. આ ફિલ્મ 30 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં આકૃતિ અગ્રવાલ સાથે સની લિયોની, યોગેશ કલ્લે અને આદિત્ય શ્રીવાસ્તવ જેવા કલાકારો જોવા મળ્યા હતા.