T20 વર્લ્ડ કપ વિનિંગ ટીમ પર કરોડોની ધનવર્ષા થશે:ICCએ ગત વખત કરતા ઈનામી રકમ વધારી, હારનાર ટીમ ઉપર પણ થશે કરોડોનો વરસાદ

Last Updated: March 8, 2026By

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપના ખિતાબી જંગમાં ન્યૂઝીલેન્ડનો સામનો કરવા જઈ રહી છે. ઈન્ડિયન ટીમ અત્યાર સુધીમાં બે વાર T20 વર્લ્ડ કપ જીતી ચૂકી છે અને હવે તે એક નવો રેકોર્ડ સ્થાપવા માગશે. આ ફાઈનલ મેચ જીતનારી ટીમને બમ્પર ઈનામી રકમ પણ મળશે. ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ સામસામે ટકરાશે. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 7 રનથી હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી છે. ભારત સતત બીજી વાર વર્લ્ડ કપ જીતવાનો પ્રયાસ કરશે, જ્યારે ન્યૂઝીલેન્ડે અત્યાર સુધી એક પણ વાર T20 વર્લ્ડ કપ જીત્યો નથી. ફાઈનલ મેચ બાદ વિજેતા અને રનર-અપ ટીમ પર પૈસાનો વરસાદ થશે. અમુક મીડિયા રિપોર્ટ્સ મુજબ, T20 વર્લ્ડ કપ 2026 જીતનારી ટીમને 3 મિલિયન ડોલર (લગભગ 27.50 કરોડ રૂપિયા) મળશે. જ્યારે ફાઈનલમાં હારનારી ટીમ એટલે કે રનર-અપને 1.6 મિલિયન ડોલર (લગભગ 14.67 કરોડ રૂપિયા)ની ઈનામી રકમ આપવામાં આવશે. સેમિફાઈનલમાં હારનારી ટીમ (ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા)ને એક સમાન 0.79 મિલિયન ડોલર (લગભગ 7.24 કરોડ રૂપિયા) મળશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પ્રાઇઝ મનીને અલગ-અલગ તબક્કા મુજબ વહેંચી છે, જેથી તમામ ટીમને ફાયદો થઈ શકે. 5મા થી 12મા ક્રમ સુધીની ટીમને 0.38 મિલિયન ડોલર (લગભગ 3.48 કરોડ રૂપિયા) અને 13મા થી 20મા ક્રમની ટીમને 0.25 મિલિયન ડોલર (લગભગ 2.29 કરોડ રૂપિયા)ની ઈનામી રકમ નક્કી કરવામાં આવી છે. ICC વહેંચી રહ્યું છે રેકોર્ડબ્રેક રકમ ICCએ આ વખતે કુલ 13.5 મિલિયન ડોલર (લગભગ 123.77 કરોડ રૂપિયા)નું પ્રાઇઝ પુલ રાખ્યું છે, જે 2024ના T20 વર્લ્ડ કપ કરતા લગભગ 20 ટકા વધારે છે. ગયા વર્ષે ICCએ 11.25 મિલિયન ડોલર વહેંચ્યા હતા, જેમાં વિનર ભારતીય ટીમને 2.45 મિલિયન ડોલર અને રનર-અપ સાઉથ આફ્રિકાને 1.28 મિલિયન ડોલર મળ્યા હતા. વધતી જતી ઈનામી રકમ દર્શાવે છે કે T20 ક્રિકેટનું ગ્લોબલ માર્કેટ સતત મજબૂત થઈ રહ્યું છે અને આ ટુર્નામેન્ટની કોમર્શિયલ વેલ્યુ પણ વધી રહી છે.