FIFA Chief: Trump Approves Iran Teams US World Cup Entry
સ્પોર્ટ્સ ડેસ્ક8 કલાક પેહલા
- કૉપી લિંક
ઈરાન ફૂટબોલ ટીમે ફેબ્રુઆરીમાં અમેરિકાના એરિઝોનામાં વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ટીમે સાતમી વખત FIFA વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. ટીમ અત્યાર સુધી માત્ર 3 મેચ જ જીતી શકી છે.
ઈરાનની ફૂટબોલ ટીમ અમેરિકા જઈને વર્લ્ડકપમાં ભાગ લેશે. FIFAના અધ્યક્ષ જિયાની ઇન્ફૅન્ટિનોએ તેની પુષ્ટિ કરી છે. ઇન્ફૅન્ટિનોએ જણાવ્યું કે તેમને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખાતરી આપી છે કે ઈરાનની નેશનલ ટીમને 2026 ફૂટબોલ વર્લ્ડ કપ રમવા અમેરિકા આવવા દેવામાં આવશે.
આ વખતે FIFA વર્લ્ડ કપ 11 જૂનથી 19 જુલાઈ સુધી અમેરિકા, કેનેડા અને મેક્સિકોની સંયુક્ત યજમાનીમાં યોજાઈ રહ્યો છે. અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઈરાન પર ટ્રાવેલ અને વિઝા પ્રતિબંધ પછી ટીમની ભાગીદારી અંગે સવાલો ઉઠી રહ્યા હતા.
ઇન્ફૅન્ટિનોએ X પોસ્ટ પર કહ્યું-
મેં મંગળવારે રાત્રે ટ્રમ્પ સાથે વર્લ્ડ કપની તૈયારીઓ પર ચર્ચા કરી. અમે ઈરાનની સ્થિતિ અને તેની ટીમની ભાગીદારી પર પણ વાત કરી. ટ્રમ્પે મને ખાતરી આપી છે કે ઈરાનને વર્લ્ડ કપમાં રમવા માટે અમેરિકા આવવા દેવામાં આવશે.

ઈરાનની પ્રથમ મેચ કેલિફોર્નિયામાં થશે 2026 વર્લ્ડ કપમાં ઈરાનની ગ્રુપ મેચ નક્કી થઈ ગઈ છે. ટીમ 15 જૂને કેલિફોર્નિયાના ઇંગલવુડમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે. 21 જૂને બેલ્જિયમ અને 26 જૂને સિએટલમાં ઇજિપ્ત સામે મુકાબલો થશે. ઈરાનને ગ્રુપ Gમાં બેલ્જિયમ, ઇજિપ્ત અને ન્યૂઝીલેન્ડ સાથે રાખવામાં આવ્યું છે.
ઈરાની ફૂટબોલ પ્રેસિડેન્ટે કહ્યું હતું કે- અમારે વર્લ્ડ કપ રમવું મુશ્કેલ છે 9 દિવસ પહેલા ઈરાની ફૂટબોલ ફેડરેશનના પ્રેસિડેન્ટ મેહદી તાજે કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિઓમાં નેશનલ ટીમનું અમેરિકા જઈને ફૂટબોલ રમવું અત્યંત મુશ્કેલ છે. તેમણે કહ્યું હતું કે- ‘આ હુમલા પછી અમારી પાસેથી એવી અપેક્ષા રાખી શકાય નહીં કે અમે આશા અને ઉત્સાહ સાથે વર્લ્ડ કપ તરફ જોઈએ.’ એટલું જ નહીં, ટ્રમ્પ સરકારે ઈરાની ચાહકોને દેશમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો.

2022ના ફિફા વર્લ્ડ કપમાં ઈરાન અને અમેરિકા વચ્ચે મુકાબલો રમાયો હતો, જેને અમેરિકાએ 1-0થી જીત્યો હતો.
આ મામલે ફિફાએ કહ્યું છે કે ટુર્નામેન્ટને મુલતવી રાખવું શક્ય નથી. ફિફાના વર્લ્ડ કપ ચીફ ઓપરેટિંગ ઑફિસર હાઈમો શિર્ગીએ કહ્યું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, પરંતુ વર્લ્ડ કપ નિર્ધારિત સમયે જ યોજાશે. આશા છે કે ક્વોલિફાય કરનારી તમામ ટીમો તેમાં ભાગ લેશે.
FIFAના નિયમો શું કહે છે?
ફિફાના નિયમો અનુસાર, જો યજમાન દેશ કોઈ ટીમને પ્રવેશ આપવાનો ઇનકાર કરે છે, તો તેની યજમાની પણ છીનવી શકાય છે. ત્રણ વર્ષ પહેલાં ઇન્ડોનેશિયાએ અંડર-20 વર્લ્ડ કપમાં ઇઝરાયલ ટીમને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ ફિફાએ ટુર્નામેન્ટ ઇન્ડોનેશિયા પાસેથી લઈને આર્જેન્ટિનાને આપી દીધી હતી.
પાંચ ઈરાની ફૂટબોલ ખેલાડીઓને ઓસ્ટ્રેલિયાએ શરણ આપી

ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રી ટોની બર્ક તે 5 મહિલા ખેલાડીઓ સાથે, જેમને માનવીય આધાર પર ઓસ્ટ્રેલિયાના વિઝા આપવામાં આવ્યા છે.
એશિયન કપમાંથી બહાર થયા બાદ ઈરાનની મહિલા ફૂટબોલ ટીમના પાંચ ખેલાડીઓને ઓસ્ટ્રેલિયાએ માનવીય વિઝા આપીને પોતાના દેશમાં રહેવાની મંજૂરી આપી છે. ઓસ્ટ્રેલિયાના હોમ અફેર્સ મિનિસ્ટર ટોની બર્કે જણાવ્યું કે આ ખેલાડીઓને પોલીસે સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દીધા છે.
હકીકતમાં, ગયા અઠવાડિયે સાઉથ કોરિયા સામેની મેચ પહેલા ઈરાનની ટીમે પોતાનું રાષ્ટ્રગાન ગાયું ન હતું. આ પછી ઈરાનમાં કેટલાક લોકોએ ટીમની ટીકા કરી અને તેમને સખત સજા આપવાની માગ પણ કરી. આ જ કારણોસર ખેલાડીઓએ શરણ માગી હતી.
ટીમમાં કુલ 26 ખેલાડીઓ અને સ્ટાફ હાજર હતા, પરંતુ હાલમાં માત્ર પાંચ ખેલાડીઓએ જ શરણ માગી હતી. બાકીના ખેલાડીઓ હજુ તેમના નિર્ણય પર વિચાર કરી રહ્યા છે, કારણ કે તેમના પરિવારો ઈરાનમાં રહે છે અને તેમને તેમની વિરુદ્ધ કાર્યવાહીનો ડર છે.

એશિયન કપની પ્રથમ મેચ દરમિયાન 2 માર્ચે ઈરાનની ખેલાડીઓ રાષ્ટ્રગાન દરમિયાન લાઈનમાં ઊભી રહી, પરંતુ તેમણે ગીત ગાયું નહીં. આ પછી તેમને ગદ્દાર જાહેર કરવામાં આવ્યા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


