5 Warning Signs of Heart Attack: Your Body Signals 1 Week Before | Gujarat News

Last Updated: April 3, 2026By

આજના દોડધામભર્યા જીવનમાં હૃદયરોગ એક ગંભીર સ્વાસ્થ્ય કટોકટી તરીકે ઉભરી આવ્યો છે. દર વર્ષે વિશ્વભરમાં અંદાજે 1.8 કરોડ લોકો હૃદયરોગને કારણે જીવ ગુમાવે છે. સામાન્ય માન્યતા એવી છે કે હાર્ટ એટેક અચાનક આવે છે, પરંતુ તબીબી નિષ્ણાતોના મતે આપણું શરીર અઠવાડિયા કે દિવસો પહેલા જ ખતરાની ઘંટડી વગાડવાનું શરૂ કરી દે છે. આ નાના ગણાતા સંકેતોને સમજવા એ જ જીવન બચાવવાની ચાવી છે.

શરીરના પ્રારંભિક સંકેતો શું છે ?

ડોક્ટરના મતે હાર્ટ એટેક પહેલા દેખાતા લક્ષણો હંમેશા તીવ્ર હોતા નથી. ઘણીવાર લોકો છાતીમાં થતા હળવા દબાણ અથવા અસ્વસ્થતાને ‘એસિડિટી’ કે ‘ગેસ’ સમજીને અવગણતા હોય છે. મુખ્ય લક્ષણોમાં શામેલ છે.કારણ વગરનો અતિશય થાક જે આરામ કરવા છતાં દૂર ન થાય.

સીડી ચડતી વખતે કે ચાલતી વખતે અસામાન્ય શ્વાસ ચડવો.

છાતીમાં હળવું દબાણ, જે જડબા, ગરદન કે ડાબા હાથ સુધી ફેલાતું હોય.

ઠંડો પરસેવો આવવો અને વારંવાર ચક્કર આવવા.

પુરુષો અને સ્ત્રીઓમાં તફાવત

રસપ્રદ વાત એ છે કે હાર્ટ એટેકના લક્ષણો લિંગ પ્રમાણે અલગ હોઈ શકે છે. પુરુષોમાં સામાન્ય રીતે છાતીમાં તીવ્ર દુખાવો જોવા મળે છે, જ્યારે સ્ત્રીઓમાં ઉબકા આવવા, પીઠનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અથવા અત્યંત થાક જેવા ‘અસ્પષ્ટ’ લક્ષણો વધુ જોવા મળે છે. આ જ કારણ છે કે સ્ત્રીઓમાં હૃદયરોગનું નિદાન ઘણીવાર મોડું થાય છે.

દેખાવમાં આવતા લક્ષણો હળવાશમાં ન લેવા

ઘણીવાર એવું બને છે કે વ્યક્તિને અસ્વસ્થતા લાગે પણ ECG કે બ્લડ ટેસ્ટના રિપોર્ટ નોર્મલ આવે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે જો રિપોર્ટ નોર્મલ હોય છતાં લક્ષણો વારંવાર દેખાતા હોય, તો તેને હળવાશથી ન લેવા જોઈએ. હાલના સમયમાં સ્માર્ટવોચ અને હેલ્થ ટ્રેકર્સ હૃદયના ધબકારા અને ઓક્સિજન લેવલ પર નજર રાખીને અનિયમિતતા શોધી શકે છે, જે સમયસર ડૉક્ટર પાસે પહોંચવામાં મદદરૂપ થાય છે.

શું કરવું જોઈએ?

જો તમને છાતીમાં થોડી મિનિટોથી વધુ સમય માટે અગવડતા જણાય, અથવા ઉપર જણાવેલ લક્ષણો વારંવાર અનુભવાય, તો ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે તાત્કાલિક કાર્ડિયોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. યાદ રાખો, હાર્ટ એટેકના કિસ્સામાં ‘ગોલ્ડન અવર’ (પ્રથમ કલાક) માં મળતી સારવાર દર્દીનો જીવ બચાવવાની શક્યતા અનેકગણી વધારી દે છે. તમારા શરીરના અવાજને સાંભળો, તેને અવગણશો નહીં.

આ પણ વાંચોઃ હવે માત્ર 8 રૂપિયામાં બનશે રસોઇ,ગેસ સિલિન્ડર ભૂલીને વાપરો ઇલેકટ્રિક સ્ટવ! જાણો કેટલી બળશે વીજળી?