BJP sees high competition, Congress moderate interest, while AAP struggles to find strong candidates. | Gujarat News

Last Updated: April 5, 2026By

રાજકીય પક્ષોમાં આગામી ચૂંટણીને લઈ ગરમાવો તેજ બન્યો છે.જિલ્લાની બેઠકો પર દાવેદારી નોંધાવવા માટે નેતાઓની દોડાદોડ વધી છે,પરંતુ આ વખતે સેવાના નામે પરિવારવાદનું વર્ચસ્વ વધુ જોવા મળી રહ્યું છે. ટિકિટ વાંછુઓમાં પતિ-પત્ની, દીકરા, સસરા અને કાકા-સસરા સુધીના સગા-સંબંધીઓએ દાવેદારી નોંધાવતા પાયાના અને નિષ્ઠાવાન કાર્યકરો વેઇટિંગમાં મુકાયા છે, જેના લીધે પાયાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ટિકિટોની જાહેરાત બાદ મોટી ઉથલપાથલના સંકેત વર્તાઈ રહ્યા છે. છેલ્લી ઘડીએ ખેલ પાડી માનીતાઓને જીતાડવા માટે અત્યારથી જ ચોકઠા ગોઠવવામાં આવી રહ્યા છે.

નવા અને સક્રિય ઉમેદવારોને તક આપો

જિલ્લાની રાજકીય સ્થિતિનું વિશ્લેષણ કરીએ તો ભાજપમાં એક-એક બેઠક માટે 20 20 દાવેદારોનો રાડો ફાટ્યો છે.જેની સામે કોંગ્રેસમાં સરેરાશ 6 દાવેદારો જોવા મળી રહ્યા છે.બીજી તરફ, આમ આદમી પાર્ટી (આપ) માટે સ્થિતિ કપરી છે,કારણ કે મોટાભાગના તાલુકાઓમાં તેમને સક્ષમ ઉમેદવારો શોધવા મુશ્કેલ બની રહ્યા છે.આપની ટિકિટ પર ચૂંટણી લડવા માટેનો બિનજરૂરી ખર્ચ કરવો હાલની સ્થિતિએ ઉમેદવારોને ભારે પડી શકે છે.ભાજપમાં જ્યારે નિરીક્ષકો સેન્સ લેવા પહોંચ્યા, ત્યારે કાર્યકરોએ સ્પષ્ટ શબ્દોમાં આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, જૂના જોગીઓને પડતા મૂકી નવા અને સક્રિય ઉમેદવારોને તક આપો.

રાજકારણમાં અસંતુષ્ટો સામે અનેક સવાલો

રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે અત્યારે જે ઉમેદવારો દાવેદારી કરી રહ્યા છે. તેમાંથી કેટલાક ખરેખર ચૂંટણી લડવા માંગતા નથી.તેઓ છેલ્લી ઘડીએ ફોર્મ ખેંચીને અથવા મેદાન છોડીને પોતાના માનીતા કે અન્ય પક્ષના ઉમેદવારને ફાયદો કરાવવા અત્યારથી જ આંતરિક ગોઠવણો કરી રહ્યા છે.કોંગ્રેસ ભવનમાં પણ દાવેદારોના આંટાફેરા વધ્યા છે,પરંતુ સ્થાનિક નેતાઓ પાસે સીધી સત્તા ન હોવાથી તેઓ પોતાના માનીતાઓને ખાતરી આપી શકતા નથી.ટિકિટોની જાહેરાત બાદ જિલ્લાના રાજકારણમાં મોટા પાયે તોડજોડ અને ઉથલપાથલ થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.ઉમેદવારો નક્કી થયા બાદ અસંતુષ્ટો કયા પક્ષમાં ભળે છે, તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ Porbandar: એરપોર્ટ નજીક બે બાઇક વચ્ચે ભયાનક અકસ્માત, 3 વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત