AAP Skips Umreth Bypoll: Deal Rumors Spark Political Debate in Gujarat | Gujarat News

Last Updated: April 8, 2026By

રાજ્યમાં આમ આદમી પાર્ટી (આપ)ના નેતાઓ રાજકારણની ગંદકીને સાવરણાથી સાફ કરવાની ડંફાશો મારતાં રહે છે. આપના પ્રમુખ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા આ પ્રકારના સૂર સાથેની ફાંકા ફોજદારી કરતાં રહે છે. જોકે ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોના કહેવાથી આપ ફસકી ગઈ? કયા રાજકીય પક્ષ સાથે શું ગોઠવણ પાડી કે ઉમરેઠની પેટા ચૂંટણીમાં ઉમેદવાર જ ઊભો ના રાખ્યો. શું કોઈની સાથે નાણાંકીય લેતીદેતી થઈ એટલે ચૂંટણી લડવાનું આપે મુનાસિબ માન્યું નથી? ગુજરાતના રાજકીય ગલિયારામાં આ પ્રકારની ચર્ચાઓ જોરશોરથી વહેતી થઈ છે.

શું રંધાયું કે, મેદાન છોડી દેવું પડ્યું

સૂત્રો કહે છે કે, પેટા ચૂંટણીની જાહેરાત બાદ આપના આગેવાનો છાનેખૂણે કહેતાં રહ્યા છે કે, ચૂંટણી જંગમાં ઉમેદવારને મેદાનમાં ઉતારાશે. ઉમેરઠમાં એક પૂર્વ ધારાસભ્ય પણ આપમાંથી ચૂંટણી જંગ લડવા માટે તૈયાર થયા હતા, જોકે છેલ્લી ઘડીએ એવું તો શું રંધાયું કે, મેદાન છોડી દેવું પડ્યું. આપના કયા નેતાએ આ ગોઠવણ પાડી છે તેની લઈ અનેક ચર્ચા વહેતી થઈ છે. ઉમરેઠમાં આગામી ૨૩મી એપ્રિલે મતદાન થવાનું છે. મહત્ત્વનું છે કે, છ એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. આપના પ્રદેશ પ્રમુખે સાતમી એપ્રિલના મંગળવારે જાહેર કર્યું હતું કે, અમે ઉમરેઠમાં ચૂંટણી લડતાં નથી.

ભાજપની જીત માટે રસ્તો સાફ કર્યો હતો

ઉલ્લેખનીય છે કે, અગાઉ ચૂંટણીમાં એવું પણ સામે આવ્યું છે કે, આપના ઉમેદવારે ભાજપના દબાણમાં આવીને ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી અને ભાજપની જીત માટે રસ્તો સાફ કર્યો હતો.તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના આગેવાનોએ જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં આપના જિલ્લા પ્રમુખો, હોદ્દેદારોની સામે ૬૦-૭૦ પોલીસ ફરિયાદો થઈ છે. 200 જેટલાને જેલ હવાલે કરવામાં આવ્યા છે, જેમાં ખૂનની કોશિશ, લુંટ, ધારાસભ્યના નકલી પી.એ., સામાન્ય પરિવારના પતિને માર મારવો, પત્નીની છેડતી, અપહરણ, સતામણી… સરકારી મિલકતોમાં તોડફોડથી શરૂ કરી જીવલેણ હુમલા, ટાંટિયા ભાંગી નાંખવાની ધમકી, દારૂબંધી, એટ્રોસિટીથી લઈ અપશબ્દો અને ગાળાગાળી જેવા સેંકડો ગુનાઓ સામેલ છે.

આ પણ વાંચોઃ Amreli News: સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં 4 કલાકમાં ભૂકંપના સાત આંચકા આવ્યા