Misuse of 50% Reservation as Husbands Control Women Corporator Seats | Gujarat News

Last Updated: April 8, 2026By

હિટ વેબ સિરીઝ ‘પંચાયત’માં ચૂંટાયેલા ‘મંજુ દેવી” ઘરકામ કરે છે અને તેમના પતિ ‘પ્રધાન પતિ’ બનીને આખો વહીવટ ચલાવે છે. આ સિરીઝ તો માત્ર પડદા પર છે, પરંતુ AMCના વોર્ડમાં આ વાર્તા રિયલ લાઈફમાં ભજવાઈ રહી છે! અમદાવાદ સહિતની અનેક મહાનગરપાલિકા-નગર પાલિકાઓમાં મહિલા કોર્પોરેટરોનું નહિ પણ પતિદેવોનું રાજ ચાલી રહ્યું છે. વોર્ડની ઓફિસ હોય કે ખાતમુર્હુતના કાર્યક્રમો હોય તમામ જગ્યાએ મહિલા કોર્પોરેટરોના બદલે તેમના પતિ જ સર્વેસર્વા એટલે કે સાહેબની ભુમિકા ભજવી રહ્યાં છે. વાસ્તવિકતામાં ‘પતિ-રાજ’ને કારણે મહિલા કોર્પોરેટરો માત્ર રબર સ્ટેમ્પ બની રહી ગઈ છે.

96 મહિલા કોર્પોરેટર ચૂંટાઈ આવી હતી

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહિલાઓને 50 ટકા અનામત આપીને સત્તામાં સમાન ભાગીદારી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મદાવાદના અનેક વોર્ડમાં આ વ્યવસ્થા માત્ર કાગળ પર જ સીમિત રહી છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહિલાઓને પ્રતિનિધિત્વ આપવા માટે રિઝર્વેશનનો હેતુ સ્પષ્ટ હતો કે, મહિલાઓને રાજકીય રીતે સશક્ત બનાવવાનો. પરંતુ ગ્રાઉન્ડ પરની હકીકત અલગ ચિત્ર રજૂ કરે છે. શહેરના અનેક વોર્ડમાં ચૂંટાયેલી મહિલા કોર્પોરેટર હોવા છતાં, વાસ્તવિક કામગીરી તેમના પતિ કે પુત્ર સંભાળતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. 2021ની કોર્પોરેશન ચૂંટણીમાં 96 મહિલા કોર્પોરેટર ચૂંટાઈ આવી હતી.

કેટલીક રસપ્રદ વિગતો પણ સામે આવી

જેમાંથી 53 મહિલા કોર્પોરેટર માટે જાહેર કરવામાં આવેલા સંપર્ક નંબરો તેમના પતિ કે પુત્રના હોવાનું સામે આવ્યું છે. વધુ છે માહિતી મેળવવા માટે અમે આશરે 20 પૂર્વ મ્યુનિસિપલ કોર્પોરેટરોનો સંપર્ક કર્યો, જેમાં મોટા ભાગે તેમના પતિએ જ ફોન ઉપાડયો. તેઓએ જણાવ્યું કે મહિલા કોર્પોરેટર હાલમાં કામમાં વ્યસ્ત હોવાથી તેઓએ ફોન ઉપાડ્યો છે. બીજી તરફ કેટલાક મહિલા કોર્પોરેટરોએ જણાવ્યું કે, વ્યસ્તતા કારણે તેઓ ફોન ઉપાડી શક્યા નહોતા. સ્થાનિક લોકો સાથે થયેલી વાતચીતમાં પણ અનેક પ્રશ્નો સામે આવ્યા અને તેમાંથી કેટલીક રસપ્રદ વિગતો પણ સામે આવી છે

વહીવટમાં પતિનો હસ્તક્ષેપ

શહેરના અનેક વોર્ડમાં કોર્પોરેટરની ખુરશી પર તેમના પતિ બિરાજમાન જોવા મળે છે. મ્યુનિસિપલ અધિકારીઓ સાથેની બેઠક હોય કે ફાઈલો પર સહી. તમામ નિર્ણયો પતિ દ્વારા જ લેવાય છે. અધિકારીઓ પણ મહિલા કોર્પોરેટરને બદલે તેમના પતિ સાથે જ વહીવટી ચર્ચા કરે છે. ફોન પર સંપર્ક કે કામ માટે દબાણ લાવવામાં પણ તેઓ જ સક્રિય હોય છે.

લોકોની ઓળખ માત્ર ‘સાહેબ’ સુધી

પશ્ચિમ વિસ્તારમાં લોકો મહિલા કોર્પોરેટર કરતા તેમના પતિને વધુ ઓળખે છે. સ્થાનિકોના મતે, વહીવટી કામ માટે તેઓએ ‘સાહેબ’ને જ મળવું પડે છે. જ્યારે મહિલા મતદારો સ્વાસ્થ્ય કે સુરક્ષા જેવી અંગત સમસ્યાઓ લઈને જાય છે, ત્યારે મહિલા કોર્પોરેટરની ગેરહાજરી અને પતિની ઉપસ્થિતિને કારણે તેઓ રજૂઆત કરવામાં સંકોચ અનુભવે છે.

પ્રોટોકોલનો ખુલ્લેઆમ ભંગ

સરકારી કાર્યક્રમો કે ખાતમુહૂર્તની તકતીઓમાં નામ મહિલા કોર્પોરેટરનું હોય છે, પરંતુ સ્ટેજ પર માઈક અને સન્માન તેમના પતિ મેળવે છે. આ લોકશાહીના મુલ્યોનું ચીરેચીરા ઉડાવતી પ્રથા છે. ઘણીવાર તો મહિલા કોર્પોરેટરને કાર્યક્રમની વિગતો. પાર્ટીની ગાઈડલાઈન, કાયદા-કાનન, પોતાની પાસે કઈ કઈ સત્તાઓ છે તે વિશે પણ જાણ હોતી નથી

રબ્બર સ્ટેમ્પ જેવી સ્થિતિ

રાજકીય પક્ષો પણ ઘણીવાર માત્ર જીત મેળવવા માટે મજબુત નેતાઓની પત્નીઓને ટિકિટ આપે છે. પરિણામે, જીત્યા પછી આ મહિલાઓ માત્ર સહી કરવા પુરતી જ મર્યાદિત રહે છે. વહીવટી જ્ઞાન કે બજેટની સમજ મેળવવાની તેમને તક જ આપવામાં આવતી નથી.

ફરિયાદમાં મહિલાઓને મુશ્કેલી

પીંક ટોયલેટ અથવા હેલ્થ સેન્ટર સંબંધિત મુદ્દાઓ રજૂ કરવા મહિલાઓને ઘણી વખત મુશ્કેલી પડે છે. કારણ કે તેમને સાંભળવા માટે મહિલા કોર્પોરેટરની જગ્યાએ પુરુષ હાજર હોય છે, જેના કારણે તેમની રજૂઆત યોગ્ય રીતે સાંભળાતી નથી.

સત્તા પક્ષ અને વિપક્ષ- બંનેમાં સમાન સ્થિતિ

આ સમસ્યા માત્ર સત્તા પક્ષ પુરતી મર્યાદિત નથી. વિપક્ષ સહિત અનેક પક્ષોમાં પણ મહિલા કોર્પોરેટરના બદલે તેમના પતિ, પુત્ર અથવા અન્ય પરિવારજનો જ કાર્ય સંભાળતા જોવા મળે છે. સરકારી કચેરીઓમાં પણ મહિલાઓની જગ્યાએ તેઓ જ ઉપલબ્ધરહે છે.

સંદેશનો સવાલઃ પ્રજાએ કોને ચૂંટયા છે?

શું મતદારોએ મહિલા ઉમેદવારને એટલા માટે મત આપ્યા હતા કે તેમના પતિ વહીવટ કરે? કાયદાકીય રીતે કોર્પોરેટરના પતિને મ્યુનિસિપલ વહીવટમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી. તેમ છતાં, AMCના અનેક વોર્ડમાં આ દુષણ ફૂલ્યું-ફાલ્યું છે.

આ પણ વાંચોઃ Ahmedabad : ફતેવાડીમાં યુવકે માતા અને પત્ની પર છરીથી કર્યો જીવલેણ હુમલો