Internal Rift in Ahmedabad Congress Exposed Ahead of Elections | Gujarat News
અમદાવાદ શહેર કોંગ્રેસમાં છેલ્લા 20 વર્ષથી ચાલતી ભીતરની રમત હવે ચકચારે ચઢી છે.ભાજપને હરાવવાના બદલે તેની સાથે ગુપ્ત સમજૂતી કરીને ‘ઈલુ-ઈલુ’ રમતા કોંગ્રેસના મોટા ગજાના નેતાઓ અને પૂર્વ ધારાસભ્યોની પોલ ખુલ્લી પડી ગઈ છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાના માનીતા અને બિનઅનુભવી ઉમેદવારોને ટિકિટ અપાવીને આ નેતાઓ 2027ની વિધાનસભા ચૂંટણી માટેનું ભંડોળ એકઠું કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કાર્યકરોમાં ઉઠ્યા છે. ટિકિટો વહેંચ્યા પછી પણ ફોર્મ ભરવામાં કરવામાં આવતો વિલંબ એ પક્ષને જીતાડવા માટે નહીં, પણ સામેના પક્ષને બિનહરીફ જીતાડવા અથવા ‘વોકઓવર’ આપવા માટેનું સુનિયોજિત કાવતરું હોવાનું જણાય છે.
નેતાઓ 20 વર્ષથી સંગઠન પર કબજો જમાવી બેઠા
ડમી ઉમેદવારો જાહેર ન કરવા અને ફોર્મ માટે લીગલ ટીમ સહિતની વ્યવસ્થાનો અભાવ હોવાના આક્ષેપો ઉમેદવારો જ કરી રહ્યા છે. કુબેરનગર, શાહપુર, નિકોલ અને જમાલપુર જેવા 15 જેટલા મહત્વના વોર્ડમાં હજુ સુધી ગોઠવણ થઈ ન હોવાથી ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી. આ વિલંબ પાછળ ‘વહીવટ’ની ગંધ આવી રહી છે. નવાઈની વાત એ છે કે જ્યાં ભાજપ મજબૂત છે તેવા રાણીપ, ઘાટલોડિયા અને થલતેજ જેવા વોર્ડમાં ઉમેદવારો જાહેર કરી દેવાયા છે, પરંતુ જ્યાં કોંગ્રેસ જીતી શકે તેમ છે ત્યાં જાણીજોઈને ખેંચતાણ ઊભી કરવામાં આવી છે. જે નેતાઓ 20 વર્ષથી સંગઠન પર કબજો જમાવી બેઠા છે, તેઓ માત્ર પોતાના આર્થિક સ્વાર્થ માટે કાર્યકરોની મહેનત પર પાણી ફેરવી રહ્યા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

