Local Body Elections 2026 BJPs dominance in Nitin Patels stronghold intact BJP also won in Navsari and Kutch | Gujarat News

Last Updated: April 11, 2026By

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થાય તે પહેલા જ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વિજયી શંખનાદ કરી દીધો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભાજપના ઉમેદવારો સામે કોઈએ ફોર્મ ન ભરતા અથવા વિરોધ પક્ષોના ઉમેદવારો મેદાનમાંથી હટી જતા ભાજપ બિનહરીફ વિજેતા બન્યું છે.

કડીમાં 40 વર્ષનું શાસન અકબંધ

મહેસાણા જિલ્લાના કડીમાં ભાજપે ઐતિહાસિક સફળતા મેળવી છે. કડી નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 23 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં વોર્ડ નંબર 1, 3 અને 6 માં તો ભાજપની આખી પેનલ બિનહરીફ વિજેતા બની છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વિજયને વધાવતા જણાવ્યું હતું કે, કડીમાં છેલ્લા 40 વર્ષથી ભાજપનું શાસન અકબંધ છે. તેમણે આ સફળતા માટે મતદારો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.

નવસારી અને પાટણમાં પણ કેસરિયો લહેર

નવસારી જિલ્લામાં પણ ભાજપના વિજયની ઉજવણી શરૂ થઈ ગઈ છે. અહીં જિલ્લા પંચાયતની 3 અને તાલુકા પંચાયતની 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. કેબિનેટ મંત્રી નરેશ પટેલે વિજેતા ઉમેદવારોના મોઢા મીઠા કરાવી જીતની વધામણી આપી હતી. પાટણની વાત કરીએ તો, ત્યાંની ટુવડ બેઠક પર ભાજપના ગાયત્રી સિંધવ સામે કોઈ ઉમેદવાર ન હોવાથી તેઓ બિનહરીફ બન્યા છે.

કચ્છમાં ભાજપનું ખાતું ખુલ્યું

કચ્છ જિલ્લાની નખત્રાણા નગરપાલિકામાં પણ ભાજપે શાનદાર શરૂઆત કરી છે. નખત્રાણા નપાના વોર્ડ નંબર 4 અને 5 ની બક્ષીપંચ અનામતની 2 બેઠકો બિનહરીફ થતા ભાજપનું ખાતું ખુલ્યું છે. મતદાન પહેલા જ મળી રહેલી આ જીતથી ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:Local Body Elections 2026: જૂનાગઢ ભાજપમાં ‘મેન્ડેટ’ વિવાદ, વડાલ સીટ પર દાવેદારી વગરના ઉમેદવારને ટિકિટ મળતા આશ્ચર્ય