Gujarat Local Body Elections: BJP Wins 100+ Seats Unopposed Before Voting | Gujarat News

Last Updated: April 11, 2026By

393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની 10005 બેઠકો માટે શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ છે.તેની સાથે જ અસંખ્ય બેઠકો પર એક માત્ર સિંગલ ફોર્મથી ઉમેદવારીના અહેવાલો મળવાનું શરૂ થયુ છે.જેમાં વગર ચૂંટણીએ 100થી વધારે ઉમેદવારો ચકાસણી પૂર્વે બિનહરિફ જાહેર થઈ રહ્યા છે.જેમાં સૌથી વધુ મહેસાણા જિલ્લાની બેઠકો છે.જ્યાં કડી નગરપાલિકામાં 39માંથી ભાજપના 22 ઉમેદવારો બિનહરિફ થયા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચૂંટણી પહેલા જ કડી પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયાની માહિતી જાહેર કરી હતી.

મહેસાણા જિલ્લામાં સૌથી વધુ 25 બેઠકો બિનહરિફ

વર્ષ 2021માં પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં સૌથી પહેલા કડી નગરપાલિકામાં જ ભાજપના ઉમેદવારો બિનહરિફ જાહેર થયા હતા.ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શનિવારની રાતે 10.30 કલાકની સ્થિતિએ રાજ્ય ચૂંટણી આયોગમાં 393 સંસ્થાઓમાંથી અવિરત આવતા અહેવાલો મુજબ 10005 બેઠકોની ઉપર 39 હજારથી વધારે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.અલબત્ત ઉમેદવારી ફોર્મની આખરી સંખ્યા આયોગ દ્વારા રવિવારે બપોરે જાહેર થશે. જિલ્લા ચૂંટણી અધિકારીઓ પાસેથી ઉપલબ્ધ માહિતી મુજબ મહેસાણા જિલ્લામાં સૌથી વધુ 25 બેઠકો બિનહરિફ રહી છે.ખેડા જિલ્લામાં 13, કચ્છ- નવસારી જિલ્લામાં 9-9 બેઠકો જયારે પોરબંદરમાં 7, સુરેન્દ્રનગરમાં 6, વલસાડમાં 5, તાપીમાં 4, જામનગર- અમરેલી-ભરૂચ અને પંચમહાલમાં એક-એક મળીને 100 થી વધારે બેઠકો પર ભાજપે વગર ચૂંટણીએ મેળવી લીધી છે.

સોમવારે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે

15 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોરબંદરમાં સાગમેટે ચાર બેઠકો, કડી સહિત નગરપાલિકાઓમાં 48 થી વધુ, જિલ્લા પંચાયતોની 3 અને તાલુકા પંચાયતોની 38થી વધુ બેઠકોનો સમાવેશ થાય છે.સોમવારે જ ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ બિનહરિફ ઉમેદવારોનુ ચિત્ર વધારે સ્પષ્ટ થશે.ફોર્મ પરત ખેંચવા માટે આયોગે બુધવારની બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય નિયત કર્યો છે.ભાજપે છેલ્લા દિવસ સુધી ઉમેદવારોની યાદીઓ જાહેર કરવાનુ ચાલુ રાખ્યુ હતુ.આ કારણોસર જેમને ટિકિટ મળી નથી તેવા આઠ ડઝન કરતા વધુ આગેવાનો-હોદ્દેદારોએ રાજીનામુ આપી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે.જેમાં કપડવંજ, ઉમરેઠ સહિતની નગરપાલિકાઓથી લઈ જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારી અને સંગઠન હોદ્દેદારોનો સમાવેશ થાય છે.અમદાવાદ, સુરત, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આંતરવિરોધને કારણે ભાજપે છેલ્લા કલાકોમાં ટિકિટને બદલી નવા ઉમેદવારોને ફોર્મ ભરવા સુચનાઓ આપવી પડી હતી.

આ પણ વાંચોઃ Gujarat local body election: દાહોદમાં એક જ ઉમેદવારને ત્રણેય પાર્ટીઓએ ટિકિટ આપી, ધનસુરામાં બે પક્ષના મેન્ડેટ મળ્યા