Congress Moves Candidates to Secret Locations to Prevent Defections | Gujarat News

Last Updated: April 14, 2026By

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીની કામગીરી ચાલી રહી છે. આ પહેલા ભાજપે 300થી વધુ બેઠકો બિનહરીફ જીતી લીધી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોની તડજોડ ટાળવા માટે કવાયત શરૂ થઈ છે. રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં કોંગ્રેસના જે ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે તેમને ગુપ્ત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

ચોક્કસ કાર્યકરોને હાજર રહેવાનું ફરમાન

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 40 જેટલા ઉમેદવારોને શહેરથી દૂર અજ્ઞાત જગ્યાએ ખસેડી લીધા હતા. સુરત શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ ગોળ ગોળ વાતો કરીને જવાબ આપવાનું ટાળ્યું હતું.સોમવારે ફોર્મ ચકાસણીનો મહત્ત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થતાં જ ઉમેદવારોની ચૂંટણી તૈયારી નક્કી થઈ ગઈ હતી. જોકે, હજુ ફોર્મ પરત ખેંચવા બે દિવસ હોય, એટલે કે બુધવાર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાય એમ હોય શહેર કોંગ્રેસ ડરી ગઈ હતી.ઉમેદવારોને શહેરથી દૂર 10થી 12 જેટલા લોકેશન પર રાખવામાં આવ્યા છે. અન્ય ઉમેદવારો સાથે પણ ચોક્કસ કાર્યકરોને હાજર રહેવાનું ફરમાન કરી દેવાયું છે. અજ્ઞાત સ્થળે લઈ જવાયેલા ઉમેદવારોના ફોન પણ સ્વિચ ઓફ કરાવી દેવાયા છે.

ખરીદ વેચાણ અટકાવવા વ્યૂહરચના

કોંગ્રેસના સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટ મહાપાલિકાની ચુંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારોનું ખરીદ-વેંચાણ અટકાવવા માટે કોંગ્રેસે પણ વ્યુહરચના ગોઠવી છે.તેના ભાગરૂપે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા બાદ તમામ ઉમેદવારોને રાજકોટ શહેરથી નજીક ગુપ્ત સ્થળે રાખવામાં આવ્યા છે.આગામી તા.૧૫ને બુધવારના રોજ ફોર્મ પરત ખેંચાવાનો આખરી દિવસ છે. બપોરેના ૩ વાગ્યા સુધીમાં કોંગેસના ઉમેદવાર ફુટી ન જાય તે માટે તમામ ઉમેદવારોને શહેરની બહાર લઈ જવામાં આવ્યા છે. આજથી બે દિવસ સુધી કોંગ્રેસના ઉમેદવારને પક્ષના આગેવાનોની સામે જ નજરબંધ કરવામાં આવતા પ્રચાર ઉપર પણ તેની અસર જોવા મળશે.

બુધવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ

આજે જાહેર રજા હોવાથી સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં બુધવારે ઉમેદવારોએ નોંધાવેલી પોતાની દાવેદારી બપોરના ૩ વાગ્યા સુધીમાં પરત ખેંચી શકશે. સમયમર્યાદા પુર્ણ થયા બાદ ચુંટણી તત્ર દ્વારા તુરત જ હરીફ ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરશે અને તે પછી અપક્ષ સહિતના ઉમેદવારોને પ્રતિક ફાળવણી કરવામાં આવશે. મહાપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને નગરપાલિકામાં અમુક જગ્યાએ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોય તેને પરત ખેંચાવા માટે રાજકીય પક્ષોએ એડી-યોટીનું જોર લગાવ્યુ છે.

આ પણ વાંચોઃ Valsad: ઉમરગામ રેલવે ટ્રેક પર મામલતદારે જીવન ટૂંકાવ્યું, આપઘાત પાછળનું રહસ્ય શું?