Local Body Elections 2026 Halapati community outraged against imported candidate in Surats Kamrej threatened mass resignation | Gujarat News

Last Updated: April 14, 2026By

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સુરત જિલ્લા ભાજપમાં ઉમેદવારોના નામ જાહેર થયા બાદ વિરોધનો વંટોળ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ખાસ કરીને કામરેજ તાલુકામાં સ્થાનિક અને પાયાના કાર્યકરોની અવગણના કરીને ‘આયાતી’ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા સંગઠનમાં ભંગાણના સંકેતો મળી રહ્યા છે.

મંત્રી પ્રફુલ પાનસૂરિયાના વિસ્તારમાં વિરોધ

રાજ્યના કેબિનેટ મંત્રી પ્રફુલ પાનસૂરિયાના મત વિસ્તારમાં જ ભાજપ સામે વિરોધનો સુર ઉઠ્યો છે. કામરેજ-2 તાલુકા પંચાયત બેઠક પર ગીર ગઢડાથી આવેલા રબારી સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવતા સ્થાનિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાયાના કાર્યકરોનો આરોપ છે કે જેઓ વર્ષોથી પક્ષ માટે પરસેવો પાડે છે તેમની અવગણના કરવામાં આવી રહી છે.

હળપતિ સમાજની અવગણનાથી નારાજગી

કામરેજ-2 બેઠક પર હળપતિ સમાજના નિર્ણાયક મતો છે. આ બેઠક પર પરંપરાગત રીતે સ્થાનિક હળપતિ સમાજનું વર્ચસ્વ રહ્યું છે, તેમ છતાં સમાજની અવગણના કરાતા આગેવાનો લાલઘૂમ થયા છે. અગાઉ નાનુભાઈ રાઠોડનું નામ ચર્ચામાં આવ્યા બાદ અચાનક અન્ય વ્યક્તિની પસંદગી કરાતા મામલો બિચક્યો છે. હળપતિ સમાજના આગેવાનોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજીને પક્ષ સામે બાંયો ચઢાવી છે.

સામૂહિક રાજીનામાની ચીમકી

સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર, મંત્રી પ્રફુલ પાનસૂરિયાએ અગાઉ આયાતી ઉમેદવારને ટિકિટ નહીં આપવાનું વચન આપ્યું હતું, જે પક્ષે તોડ્યું છે. જો પક્ષ પોતાના નિર્ણય પર મક્કમ રહેશે અને સ્થાનિક હળપતિ ઉમેદવારને તક નહીં આપે, તો સેંકડો કાર્યકરો સામૂહિક રાજીનામાં આપી ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ આંતરિક વિખવાદ ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો—-    Local Body Elections 2026 : રાજુ કરપડા માલામાલ, 4 વર્ષમાં મિલકત 6 ગણી વધી, માત્ર 4 મહિનામાં જ ખરીદી લીધી 42 વીઘા જમીન