Congress secures 12 and independents 3 seats unopposed amid high-voltage nomination withdrawals | Gujarat News

Last Updated: April 17, 2026By

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા પછી ગુરૂવારે 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટેનું ચિત્ર સ્પષ્ટ થયુ હતુ.ચૂંટણી હેઠળની કુલ 10005 પૈકી 9297 બેઠકો માટે 25679 ઉમેદવારો સ્પર્ધામાં રહ્યા છે.રાજ્ય ચૂંટણી આયોગે કુલ 707 બેઠકો બિન હરિફ રહ્યાનું જાહેર કર્યુ છે.જેમાં નગરપાલિકાઓની 2637 બેઠકો પૈકી ભાજપને 365 અને કોંગ્રેસને 12 સહિત ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારો બિનહરિફ રહ્યા છે.આમ 707માંથી ભાજપના 692 જેટલા ઉમેદવારો બિનહરિફ જાહેર થયા છે.

મતદારોને મતદાન માટે બુથ સુધી લઈ જવાનો પડકાર

રાજ્ય ચૂંટણી આયોગના અહેવાલ અનુસાર નગરપાલિકાની પેટા ચૂંટણી સહિત કુલ 10005 બેઠકો માટે 39389 ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીઓને મળ્યા હતા. જેમાંથી ચકાસણીમાં જ 11444 ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતાં. ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે બુધવાર સુધીમાં 1659ની ઉમેદવારી પાછી ખેંચતા કુલ 25579 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે.26મી એપ્રિલના રોજ મતદારોએ જનપ્રતિનિધીઓને પસંદ કરવાના રહેશે.26મી એપ્રિલને રવિવારે મતદારોને મતદાન માટે બુથ સુધી લઈ જવા એ સૌથી મોટો પડકાર બની રહે તો નવાઈ નહી.

સૌથી વધારે ભાજપના ઉમેદવારો ચૂંટણીના મેદાને

આ ચૂંટણીમાં સૌથી વધારે ભાજપના ઉમેદવારો ચૂંટણીના મેદાને છે.શહેરી અને ગ્રામિણ સ્વરાજ્યના એકમોની 9297 બેઠકો પૈકી ભાજપના 9296 ઉમેદવારો સામે કોંગ્રેસના 8443 અને આમ આદમી પાર્ટી- આપના 5261 ઉમેદવારો ચૂંટણીમાં સ્પર્ધામાં છે.તે સિવાય 2527 જેટલા અપક્ષો પણ જનમત માટે હરિફાઈમાં છે. ચૂંટણી અધિકારીઓએ માન્યતા આપ્યા બાદ ઉમેદવારો પાસે હવે પ્રચાર માટે 24મી એપ્રિલની સાંજે 6 વાગ્યા સુધીનો અર્થાત 10 જ દિવસ રહ્યા છે.આથી રાજકીય પક્ષોએ સ્ટાર પ્રચારો સાથે ગ્રાઉન્ડ ઝીરો ઉપર પ્રચાર મતદાતા સંપર્ક અભિયાનને તેજ કર્યુ છે.

આ પણ વાંચોઃ Local body election : CM અને DyCMની ધાકથી ગુંડાઓ શાંત થયા, ભૂપેન્દ્ર પટેલ યોગી આદિત્યનાથ જેવા કડક બન્યા : નીતિન પટેલ