પ્રભાસની ફિલ્મ 'ફૌજી'નું શૂટિંગ રોકાયું:રોડ અકસ્માતમાં એક ક્રૂ મેમ્બરનું મોત, પાંચ ઘાયલ; શૂટિંગ કરવા જતી કાર ડિવાઈડર સાથે અથડાઈ
સાઉથ સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ ‘ફૌજી’ના સેટ પરથી દુઃખદ સમાચાર આવ્યા. હૈદરાબાદ નજીક રોડ અકસ્માતમાં ફિલ્મ યુનિટના એક સભ્યનું મૃત્યુ થયું. અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જણાવાયું છે. અકસ્માત બાદ ફિલ્મનું શૂટિંગ હાલ પૂરતું રોકી દેવામાં આવ્યું છે. ‘બોલિવૂડ હંગામા’ના રિપોર્ટ અનુસાર, ફિલ્મ ક્રૂનું વાહન મંગળવારે સવારે રામોજી ફિલ્મ સિટી જઈ રહ્યું હતું. હૈદરાબાદ-વિજયવાડા હાઈવે પર અબ્દુલ્લાપુરમેટ નજીક વાહન અનિયંત્રિત થઈને સિમેન્ટ ડિવાઈડર સાથે અથડાયું. ટક્કરમાં એક ક્રૂ મેમ્બરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. પાંચ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં ઓવરસ્પીડિંગ અને ડ્રાઈવર દ્વારા નિયંત્રણ ગુમાવવાની આશંકા છે. પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે. આ અકસ્માત ચાઉટુપ્પલ પોલીસ સ્ટેશન વિસ્તારના ટૂપ્રાનપેટ બ્રિજ પાસે થયો હતો. અકસ્માત બાદ નિર્દેશક હનુ રાઘવપુડી અને પ્રોડક્શન હાઉસે શૂટિંગ અસ્થાયી રૂપે રોકવાનો નિર્ણય લીધો છે. મેકર્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ‘ફૌજી’નું શૂટિંગ લગભગ 80 ટકા પૂર્ણ થઈ ગયું છે. કેટલાક મોટા એક્શન સિક્વન્સ બાકી છે. આ એક પીરિયડ એક્શન ડ્રામા ફિલ્મ છે, જેમાં પ્રભાસ સૈનિકની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, જયા પ્રદા અને અનુપમ ખેર પણ મહત્વની ભૂમિકાઓમાં છે. મેકર્સ તેને દશેરા 2026 પર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા હતા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

