વિશ્વભરમાં ખાદ્યપદાર્થો 3 વર્ષમાં સૌથી મોંઘા:અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે સપ્લાય ચેઇન તૂટવાની અસર, UNએ કહ્યું- હજુ ભાવ વધશે
અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરના રસોડા પર દેખાવા લાગી છે. યુનાઈટેડ નેશન્સ (UN)ના રિપોર્ટ અનુસાર, વૈશ્વિક સ્તરે ખાદ્ય પદાર્થોની કિંમતો છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી ગઈ છે. જ્યારે, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, એપ્રિલમાં ફૂડ કોમોડિટી પ્રાઈસ ઈન્ડેક્સમાં 1.6%નો વધારો થયો છે. આ ગયા વર્ષ કરતાં 2.5% વધુ છે. આ ઉછાળાનું મુખ્ય કારણ વેજીટેબલ ઓઈલ (ખાદ્ય તેલ), માંસ અને અનાજની સપ્લાય ચેઈનમાં આવેલી અડચણો છે. હોર્મુઝ રૂટ બંધ થવાથી મુશ્કેલીઓ વધી ઈરાન યુદ્ધ હવે તેના 10મા અઠવાડિયામાં પ્રવેશી ચૂક્યું છે. હોર્મુઝ રૂટ બંધ છે. આ માર્ગેથી ડીઝલ અને ફર્ટિલાઈઝર (ખાતર) જેવા ખેતી માટે જરૂરી સામાનની અવરજવર અટકી ગઈ છે. ખાતર અને ઈંધણ મોંઘા થવાથી ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે, જેની સીધી અસર આવનારા સમયમાં ખાદ્ય પદાર્થોની કિંમતો પર પડશે. વેજિટેબલ ઓઇલ અને મીટની કિંમતો સૌથી વધુ વધી રિપોર્ટ અનુસાર, સૌથી વધુ અસર વનસ્પતિ તેલો પર પડી છે. ક્રૂડ ઓઇલની કિંમતો વધવાથી બાયો-ફ્યુઅલની માંગ વધી છે, જેના કારણે વેજિટેબલ ઓઇલ ઇન્ડેક્સ માર્ચની સરખામણીમાં 5.9% વધ્યો છે. આ જુલાઈ 2022 પછીનું સૌથી ઉચ્ચતમ સ્તર છે. જ્યારે, મીટ ઇન્ડેક્સમાં 1.2%નો વધારો થયો છે, જે અત્યાર સુધીનો ઓલ-ટાઇમ રેકોર્ડ છે. અનાજની કિંમતોમાં પણ 0.8%નો વધારો જોવા મળ્યો છે. હાલ કંપનીઓ સ્ટોક વેચી રહી છે, આગળ મોંઘવારી વધુ વધશે FAOના ચીફ ઇકોનોમિસ્ટ મેક્સિમો ટોરેરોએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એગ્રી-ફૂડ ઇન્ડસ્ટ્રી હાલમાં એટલા માટે બચી છે, કારણ કે કંપનીઓ જૂનો સ્ટોક વેચી રહી છે. તેમણે કહ્યું, “જેમ જ કાચા માલ અને એનર્જીની વધેલી કિંમત કંપનીઓના ખાતામાં પહોંચશે, ગ્રાહક તરીકે આપણને મોંઘવારીનો જોરદાર ઝટકો લાગશે.” તેમણે ચેતવણી આપી કે જો આ તણાવ 90 દિવસથી વધુ ખેંચાશે, તો 2026ના અંત અને 2027માં ‘ગ્લોબલ ફૂડ ક્રાઇસિસ’ (ખાદ્ય સંકટ)ની સંભાવના ઘણી વધી જશે. અનાજની ઉપજ ઓછી થવાની આશંકા ખરાબ હવામાન અને 2026માં ઘઉંના વાવેતરમાં ઘટાડાના અહેવાલોએ પણ અનાજના ભાવમાં વધારો કર્યો છે. ખાતરની વધતી કિંમતોને કારણે ખેડૂતો હવે એવા પાક ઉગાડવાનું વિચારી રહ્યા છે જેમાં ખાતરનો ઉપયોગ ઓછો થતો હોય. નિષ્ણાતોનું માનવું છે કે કોમોડિટી માર્કેટમાં આવેલી આ તેજીની અસર રિટેલ માર્કેટ સુધી પહોંચવામાં થોડો સમય લાગશે, પરંતુ ખાદ્ય મોંઘવારી વધવી હવે નિશ્ચિત છે. 20 જરૂરી ચીજોમાંથી 16ના ભાવમાં 36% સુધીનો વધારો બેંક ઓફ બરોડાના ‘એસેન્શિયલ કોમોડિટી ઇન્ડેક્સ’ અનુસાર, ભારતમાં એપ્રિલ મહિનામાં મોંઘવારી સૂચકાંક વાર્ષિક ધોરણે 1.1% અને માસિક ધોરણે 0.3% વધ્યો. આ ઓગસ્ટ, 2025 પછીનો સૌથી ઝડપી માસિક વધારો છે. ગયા મહિને સામાન્ય જરૂરિયાતની 20માંથી 16 વસ્તુઓની કિંમતોમાં વધારો થયો છે. ખાદ્ય તેલ, ટામેટાં અને અન્ય જરૂરી ચીજોની કિંમતોમાં 36% સુધીના વધારાએ એપ્રિલમાં રિટેલ મોંઘવારી 4% સુધી પહોંચાડી દીધી છે. આગામી મહિનાઓમાં મોંઘવારી વધુ વધવાનું જોખમ યથાવત છે કારણ કે મે મહિનામાં પણ કિંમતો વધી રહી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

