કેન્સરની સામેની લડત આપવા ગુજરાતની ટીમ ખાસ લવન્ડર જર્સી પહેરશે:હૈદરાબાદ સામેની હોમ મેચમાં ટીમ મેદાને ઉતરશે, GT સતત ચોથા વર્ષે આ પહેલ કરશે
ગુજરાત ટાઇટન્સ ધર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્સર સામેની લડતમાં સમર્થન આપવા માટે 12 મે, 2026ના રોજ યોજાનારી તેની હોમ મેચમાં ખાસ લવન્ડર રંગની જર્સી પહેરશે. સતત ચોથા વર્ષે આ પહેલને આગળ વધારતા ટાઇટન્સનો હેતુ આ રોગથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે એકતાનું પ્રતિક બનવાનો છે તેમજ આ સંદેશને મજબૂત કરવાનો છે કે કેન્સર સામે હિંમત, સમયસર સારવાર અને સામૂહિક સહકારથી લડી શકાય છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સ ખેલાડીઓ, ચાહકો અને વ્યાપક સમુદાયને આ હેતુ માટે એકસાથે લાવશે. લવન્ડર જર્સી ગેમથી ફ્રેન્ચાઇઝી ક્રિકેટના મંચનો ઉપયોગ કરીને આ રોગ સામેની લડતમાં મજબૂત મનોબળ અને સંઘર્ષશક્તિના મહત્વને ઉજાગર કરવા માગે છે. સાથે જ તે આ સંદેશને પણ મજબૂત બનાવશે કે સમયસરના પગલાં અને યોગ્ય સારવારથી કેન્સરને હરાવી શકાય છે. ગુજરાત ટાઇટન્સના ચીફ ઓપરેટિંગ ઑફિસર કર્નલ અરવિંદર સિંહે જણાવ્યું હતું કે, ‘છેલ્લા ચાર વર્ષ દરમિયાન લવન્ડર જર્સી ગેમ અમારી ફ્રેન્ચાઇઝીની સફરનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. એક ટીમ તરીકે અમને વિશ્વાસ છે કે રમતગમતમાં સમુદાયોને પ્રેરિત કરવાની અને ખરેખર મહત્વ ધરાવતા હેતુઓ માટે લોકોને એકત્રિત કરવાની શક્તિ છે. આ પહેલ કેન્સરથી પ્રભાવિત લોકો સુધી અમારા સમર્થનને પહોંચાડવાનો અને આ લડતમાં કોઈપણ વ્યક્તિ એકલો નથી તેવો સંદેશ મજબૂત કરવાનો અમારો પ્રયાસ છે.’ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે પણ આ પહેલને સમર્થન આપતા જણાવ્યું હતું કે, ‘ખેલાડીઓ તરીકે અમે સમજીએ છીએ કે ક્રિકેટ મેદાનની બહાર પણ કેટલો મોટો પ્રભાવ પેદા કરી શકે છે. લવન્ડર જર્સી પહેરવી એ ગુજરાત ટાઇટન્સ તરફથી કેન્સરથી પ્રભાવિત લોકો અને પરિવારો પ્રત્યે સમર્થન દર્શાવવાનો એક નાનો પરંતુ અર્થપૂર્ણ પ્રયાસ છે. અમને આશા છે કે આ મેચ લોકોમાં એકતા લાવશે અને એકબીજાની સાથે ઊભા રહેવાની ભાવનાને વધુ મજબૂત બનાવશે.’
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

