Virat Kohli; IPL 2026 RCB vs KKR LIVE Score Updates Tim David Rajat Patidar
- Gujarati News
- Sports
- Cricket
- Virat Kohli; IPL 2026 RCB Vs KKR LIVE Score Updates Tim David Rajat Patidar | Ajinkya Rahane Rinku Singh
સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા
- કૉપી લિંક
IPL 2026ની 57મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે રમાશે. આ મેચ બંને ટીમ માટે ખૂબ જ મહત્ત્વની છે. RCB જીત મેળવીને પ્લેઑફમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરવા ઇચ્છશે, જ્યારે કોલકાતા માટે ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે આ જીત અનિવાર્ય છે. બેંગલુરુ 14 પોઇન્ટ્સ સાથે ટેબલમાં ટૉપ પર છે, પરંતુ નેટ રન-રેટને કારણે તેની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે.
બન્ને ટીમ 36મી વાર સામસામે ટકરાશે
બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 35 મેચ રમાઈ છે. જેમાંથી બેંગલુરુએ 15 અને કોલકાતાએ 20 મેચમાં જીત મેળવી છે. ગત સીઝનમાં બંને વચ્ચે રમાયેલી મેચમાં RCBની જીત થઈ હતી. આ સીઝનમાં બંને ટીમ પહેલીવાર એકબીજા સામે ટકરાશે.

RCBની બેટિંગ ચિંતાનો વિષય
બેંગલુરુની ટીમ ભલે પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર હોય, પરંતુ છેલ્લી કેટલીક મેચમાં તેમની બેટિંગ અપેક્ષા મુજબ રહી નથી. મુંબઈ ઈન્ડિયન્સ સામે 167 રનના ટાર્ગેટને ચેઝ કરતા RCBને ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. ટીમને જીત અપાવવામાં કૃણાલ પંડ્યાની ફિફ્ટી અને છેલ્લી ઓવરમાં ભુવનેશ્વર કુમારની સિક્સર મહત્ત્વની રહી હતી. મેનેજમેન્ટ ઇચ્છશે કે નોકઆઉટ સ્ટેજ પહેલા બેટર્સ જૂની લય પાછી મેળવી લે.
કેપ્ટન રજત પાટીદારનું ફોર્મ ચિંતાનું કારણ
બેંગલુરુ માટે સૌથી મોટી ચિંતા કેપ્ટન રજત પાટીદારનું ફોર્મ છે. શરૂઆતમાં છગ્ગાની રમઝટ બોલાવનાર પાટીદાર છેલ્લી 6 મેચમાં ફ્લોપ રહ્યો છે. આ દરમિયાન તેણે માત્ર એક જ ફિફ્ટી અને એક 20+ સ્કોર બનાવ્યો છે. તેના ખરાબ ફોર્મને કારણે મિડલ ઓર્ડર પર દબાણ વધ્યું છે, જેને દેવદત્ત પડિકલ અને ટિમ ડેવિડ સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડ સારી બોલિંગ કરી રહ્યા છે. ભુવનેશ્વર કુમારે ગત મેચમાં બેટિંગથી ટીમને જીત અપાવી હતી, પરંતુ ટીમ તેની પાસેથી શરૂઆતની વિકેટો ઝડપવાની અપેક્ષા રાખશે. રાયપુરની પરિસ્થિતિમાં બંને અનુભવી બોલરો મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. કોહલી 11 મેચમાં 379 રન બનાવીને ટીમનો ટૉપ રન સ્કોરર છે, જ્યારે ભુવનેશ્વર કુમાર 21 વિકેટ સાથે IPLનો ટૉપ વિકેટ ટેકર બનેલો છે.

કોલકાતાનું બોલિંગ યુનિટ ફોર્મમાં
કોલકાતા નાઈટ રાઈડર્સનું બોલિંગ યુનિટ શાનદાર ફોર્મમાં છે. સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીની સ્પિન જોડી કોઈપણ બેટિંગ ક્રમને ધ્વસ્ત કરી શકે છે. તેને કાર્તિક ત્યાગી, વૈભવ અરોરા અને અનુકૂળ રોયનો સારો સાથ મળી રહ્યો છે. કોલકાતાએ છેલ્લી ચાર મેચ સતત જીતી છે, જેનાથી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. જો રાયપુરની પીચ ધીમી રહી, તો KKRના સ્પિનર્સ બેંગલુરુ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. કાર્તિક ત્યાગી 13 વિકેટ સાથે ટીમનો ટૉપ વિકેટ ટેકર છે.
KKR માટે ‘કરો અથવા મરો’નો જંગ, રહાણે હજુ પણ શાંત
કોલકાતાની ટીમ 10 મેચમાં 9 પોઇન્ટ્સ સાથે ટેબલમાં આઠમાં સ્થાને છે. વધુ એક હાર તેને પ્લેઑફની રેસમાંથી બહાર કરી શકે છે. કેપ્ટન અજિંક્ય રહાણેનું બેટ અત્યાર સુધી શાંત રહ્યું છે, પરંતુ રિંકુ સિંહ, ફિન એલન અને કેમરૂન ગ્રીને છેલ્લા મેચમાં સારી બેટિંગ કરી છે. શરૂઆતના ખરાબ પ્રદર્શન બાદ ગ્રીને લય પકડી લીધી છે, જે ટીમ માટે રાહતના સમાચાર છે. અંગકૃષ રઘુવંશી ટીમનો ટૉપ રન સ્કોરર છે.

પીચ રિપોર્ટ
રાયપુરની પીચ સંતુલિત રહેવાની અપેક્ષા છે. શરૂઆતમાં ફાસ્ટ બોલરોને સ્વિંગ અને એક્સ્ટ્રા બાઉન્સ મળી શકે છે, જ્યારે બાદમાં બેટિંગ કરવી સરળ રહેશે. આ એક હાઈ-સ્કોરિંગ મેદાન સાબિત થઈ શકે છે. અહીં અત્યાર સુધીમાં IPLની 7 મેચ રમાઈ છે, જેમાંથી 2 વાર પ્રથમ બેટિંગ કરનાર અને 5 વાર ચેઝ કરનાર ટીમ જીતી છે. એક મેચ ટાઈ રહી છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, જેકબ બેથલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રાસિખ સલામ.
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, રોવમેન પોવેલ, મનીષ પાંડે, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, અનુકૂલ રોય, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી અને વૈભવ અરોરા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


