ISIS Commander Killed in Africa; Trump Calls Him Most Active Terrorist
વોશિંગ્ટન ડીસી44 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદી સંગઠન ISISના બીજા સૌથી મોટા કમાન્ડર અબુ બિલાલ અલ મિનુકીના માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે અમેરિકી સેનાએ નાઇજીરીયન સેના સાથે મળીને આફ્રિકામાં આ ઓપરેશન પાર પાડ્યું.
તેમણે કહ્યું કે આ ઓપરેશન ખૂબ જ આયોજનબદ્ધ રીતે અને અત્યંત મુશ્કેલ રીતે પાર પાડવામાં આવ્યું. તે છુપાયેલો હતો ત્યારે જ તેને નિશાન બનાવવામાં આવ્યો. તેમના મતે, આ આતંકવાદી દુનિયાના સૌથી સક્રિય આતંકવાદીઓમાંથી એક હતો અને તેને ખતમ કરવા માટે લાંબા સમયથી તેના પર નજર રાખવામાં આવી રહી હતી.
ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેના માર્યા જવાથી ISISના ફંડિંગ નેટવર્ક અને કમાન્ડ સિસ્ટમને મોટું નુકસાન થયું છે. જોકે, ઓપરેશન ક્યાં અને ક્યારે થયું તેની સંપૂર્ણ માહિતી હજુ સામે આવી નથી.

આતંકવાદી મિનુકીનો કોઈ ફોટો નથી
ISIS નો સૌથી મોટો નેતા તેનો ખલીફા હોય છે. હાલના સમયમાં આ સંગઠનનો પ્રમુખ અબુ હફ્સ અલ હાશિમી અલ કુરૈશી માનવામાં આવે છે. જ્યારે નંબર-2 અલ મિનુકીને ઇસ્લામિક સ્ટેટ (ISIS) નું સંગઠન અને ભંડોળ સંભાળનાર માનવામાં આવતો હતો. અમેરિકી અધિકારીઓ અનુસાર, તે અમેરિકા અને તેના વિદેશોમાં રહેલા હિતો પર હુમલાઓની યોજના બનાવી રહ્યો હતો.
મિનુકીના બીજા પણ ઘણા નામ જણાવવામાં આવ્યા હતા, જેમાં અબુબકર મૈનોક અને અબોર મૈનોક પણ સામેલ હતા. અલ મિનુકીનો કોઈ સત્તાવાર ફોટો સાર્વજનિક રીતે સામે આવ્યો નથી. તે એક ‘શેડો ફિગર’ એટલે કે પડદા પાછળ કામ કરનાર કમાન્ડર માનવામાં આવતો હતો.
અમેરિકાએ 3 વર્ષ પહેલા ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યો હતો
અલ મિનુકીનો જન્મ 1982માં નાઇજીરીયાના બોર્નો રાજ્યમાં થયો હતો. આ વિસ્તાર કેમરૂન, ચાડ અને નાઇજરની સરહદને અડીને આવેલો છે. જૂન 2023માં બાઇડન સરકારે મિનુકીને ‘ગ્લોબલ ટેરરિસ્ટ’ જાહેર કર્યો હતો. જ્યારે અમેરિકા કોઈ વ્યક્તિ કે સંગઠનને દુનિયા માટે ખતરનાક આતંકવાદી માની લે છે, ત્યારે તેને આ સૂચિમાં મૂકી દે છે.
જે વ્યક્તિ કે સંગઠનને આ દરજ્જો મળે છે, તેના પર ઘણા કડક પ્રતિબંધો લાગી જાય છે. જેમ કે તેની અમેરિકામાં રહેલી તમામ સંપત્તિ ફ્રીઝ કરી દેવામાં આવે છે, કોઈ પણ અમેરિકી નાગરિક કે કંપની તેની સાથે લેવડદેવડ કરી શકતી નથી અને તેને આર્થિક તથા નાણાકીય રીતે સંપૂર્ણપણે અલગ કરવાની કોશિશ કરવામાં આવે છે.
ગયા મહિને ISIS એ નાઇજીરીયાના અદામાવા રાજ્યમાં થયેલા એક હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં ઓછામાં ઓછા 29 લોકોના મોત થયા હતા. આ હુમલો ગોમ્બી લોકલ ગવર્નમેન્ટ એરિયાના ગુયાકુ વિસ્તારમાં થયો હતો, જ્યાં હથિયારબંધ હુમલાખોરોએ સ્થાનિક લોકોને નિશાન બનાવ્યા હતા.
નાઇજીરીયામાં ISIS ના ઠેકાણાઓ પર હુમલો કરી ચૂક્યું છે અમેરિકા
ટ્રમ્પે એ જણાવ્યું ન હતું કે હુમલો આફ્રિકામાં ક્યાં થયો, પરંતુ માનવામાં આવે છે કે આ ઓપરેશન નાઇજીરીયામાં જ પાર પાડવામાં આવ્યું હતું. આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે નાઇજીરીયામાં ISIS વિરુદ્ધ કાર્યવાહી કરાવી હોય.
આ પહેલા તેમણે ડિસેમ્બરમાં ત્યાં હુમલા કરાવ્યા હતા અને કહ્યું હતું કે આતંકવાદીઓ ખાસ કરીને ખ્રિસ્તીઓને નિશાન બનાવી રહ્યા છે. ટ્રમ્પે તે સમયે ધમકી આપી હતી કે જો આતંકવાદીઓએ ખ્રિસ્તીઓની હત્યા બંધ નહીં કરી, તો તેમને કિંમત ચૂકવવી પડશે. જોકે તે સમયે નાઇજીરીયા સરકારે કહ્યું હતું કે પરિસ્થિતિ એટલી સીધી નથી અને ત્યાં ખ્રિસ્તી અને મુસ્લિમ બંને હિંસાનો ભોગ બને છે.

અમેરિકાએ 25 ડિસેમ્બર 2025ના રોજ નાઇજીરીયાના ઓફા વિસ્તારમાં હુમલો કર્યો હતો. જેમાં એક ઘરને નુકસાન થયું હતું.
નાઇજીરીયામાં 2 આતંકવાદી સંગઠનો સક્રિય
નાઇજીરીયા ઘણા વર્ષોથી ઉગ્રવાદી હિંસાની મોટી સમસ્યાનો સામનો કરી રહ્યું છે, ખાસ કરીને દેશના ઉત્તર અને ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં. અહીં બે મોટા આતંકવાદી સંગઠનો સૌથી વધુ સક્રિય રહ્યા છે. બોકો હરામ અને ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિન્સ.
બોકો હરામની શરૂઆત લગભગ 2000ના દાયકાની શરૂઆતમાં થઈ હતી, પરંતુ 2009 પછી તેણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું. આ સંગઠનનો ઉદ્દેશ્ય પશ્ચિમી શિક્ષણ અને જીવનશૈલીનો વિરોધ કરવાનો છે. તેણે શાળાઓ, ગામડાઓ, બજારો અને સુરક્ષા દળો પર ઘણા મોટા હુમલા કર્યા.
પાછળથી બોકો હરામમાં જ વિભાજન થયું અને તેનો એક મોટો ભાગ અલગ થઈને ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિન્સ બન્યો, જેને ISISનું સમર્થન મળ્યું. આ સંગઠન લેક ચાડ બેસિન અને સાહેલ વિસ્તારમાં ખૂબ મજબૂત પકડ બનાવી ચૂક્યું છે અને નાઇજર, ચાડ અને માલી જેવા દેશો સુધી ફેલાયેલું છે.
નાઇજીરીયાના બોર્નો, યોબે અને અદામાવા જેવા રાજ્યો આ સંગઠનોની ગતિવિધિઓથી સૌથી વધુ પ્રભાવિત રહ્યા છે. અહીં હજારો લોકો માર્યા ગયા છે અને લાખો લોકો પોતાના ઘર છોડીને ભાગી જવા મજબૂર થયા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


