Heat Wave: ગરમી અને લૂથી મળશે રક્ષણ, કાચી કેરીમાંથી બનાવો સુપર ડ્રિંક

Last Updated: May 16, 2026By

બળબળતા ઉનાળામાં જ્યારે સૂર્યદેવ કોપાયમાન થાય છે, ત્યારે શરીરને આંતરિક ઠંડક આપવા માટે કાચી કેરીનો પન્નો સર્વશ્રેષ્ઠ પરંપરાગત પીણું માનવામાં આવે છે. આજકાલ બજારમાં કેમિકલવાળા કલર અને આર્ટિફિશિયલ એસેન્સથી બનેલા શરબતોનો રાફડો ફાટ્યો છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તેની સામે ઘરે જ કાચી કેરીમાંથી બનાવેલ કેરીનો બાફલો કે પછી આમ પન્ના કહી શકો. 

જે શરીરને હાઇડ્રેટ રાખે છે, કાળઝાળ ગરમીમાં લૂ લાગવાથી બચાવે છે અને શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે. તેને બનાવવો ખૂબ જ સરળ છે, તો ચાલો જાણીએ તેની ક્વિક રેસિપી:

જરૂરી સામગ્રી

  • કાચી કેરી: 2 થી 2 નંગ (મધ્યમ કદની)
  • ખાંડ: 100 ગ્રામ (અથવા સ્વાદ મુજબ ગોળ/સાકર)
  • ફુદીનાના પાન: 20 થી 30 નંગ (ફ્રેશ)
  • શેકેલું જીરું પાવડર: 1 ચમચી
  • કાળા મરીનો પાવડર: 1/4 ચમચી
  • સંચળ (કાળું મીઠું): સ્વાદાનુસાર
  • ઠંડું પાણી અને બરફના ટુકડા

બનાવવાની પરંપરાગત અને આધુનિક રીત

પ્રાચીન સમયમાં જ્યારે રસોઈ ચૂલા પર થતી, ત્યારે કાચી કેરીને ગરમ રાખમાં દબાવીને શેકવામાં આવતી હતી, જેનો સ્વાદ અદભુત લાગતો હતો. પરંતુ આજના આધુનિક યુગમાં આપણે તેને ઝડપથી કૂકર કે તપેલીમાં બાફીને બનાવી શકીએ છીએ:

કેરી બાફવી: સૌથી પહેલા કાચી કેરીને બરાબર ધોઈ, તેની છાલ ઉતારીને નાના ટુકડા કરી લો. આ ટુકડાને એક કપ પાણી ઉમેરીને નરમ થાય ત્યાં સુધી સારી રીતે બાફી લો.

પલ્પ તૈયાર કરવો: કેરીના ટુકડા ઠંડા થાય એટલે તેને મિક્સર જારમાં લો. હવે તેમાં ખાંડ, કાળું મીઠું (સંચળ) અને ફ્રેશ ફુદીનાના પાન ઉમેરીને એકદમ સ્મૂધ પેસ્ટ (પલ્પ) તૈયાર કરી લો.

શરબત બનાવવું: આ તૈયાર થયેલા ઘટ્ટ મિશ્રણમાં આશરે એક લિટર જેટલું ઠંડું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો. જો રેસા ન ગમતા હોય તો આ મિશ્રણને ગાળણીથી ગાળી લો.

મસાલા ઉમેરવા: હવે આ પન્નામાં શેકેલા જીરાનો પાવડર અને કાળા મરીનો ભુક્કો ઉમેરીને બરાબર હલાવી લો.

સર્વિંગ ટિપ્સ

તમારો ટેસ્ટી, ખટમીઠો અને સ્વાસ્થ્યવર્ધક કેરીનો બાફલો કે આમ પન્ના તૈયાર છે! કાચના ગ્લાસમાં બરફના ક્યુબ્સ નાખી, ઉપરથી ફુદીનાના પાનથી ગાર્નિશ કરીને ઠંડું-ઠંડું સર્વ કરો. આ નેચરલ ડ્રિંકનો સ્વાદ ઘરમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેકને ખૂબ જ પસંદ આવશે.

Leave A Comment