IPL 2026 Playoff Race: Punjab, Rajasthan Must Win

Last Updated: May 18, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા

  • કૉપી લિંક

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2026માં પંજાબ કિંગ્સને હરાવીને પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરી લીધું. ટીમ 13 મેચોમાં 18 પોઈન્ટ્સ સાથે ટેબલના ટોપ પર છે. RCB હવે લીગ સ્ટેજમાં ટોપ-2માંથી બહાર થઈ શકતી નથી, તેથી તેનું ક્વોલિફાયર-1 રમવું પણ નિશ્ચિત થઈ ગયું છે.

બીજી તરફ પંજાબ કિંગ્સને સતત છઠ્ઠી હાર મળી, જેનાથી ટીમના નોકઆઉટ સ્ટેજમાં પહોંચવાની શક્યતાઓ ઓછી થઈ ગઈ છે. જ્યારે દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને એક સ્થાનની છલાંગ લગાવી. ટીમ 12 પોઈન્ટ્સ સાથે સાતમા સ્થાને પહોંચી ગઈ છે.

ચેન્નઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ હજુ પણ પ્લેઓફની રેસમાં યથાવત છે.

પોઈન્ટ્સ ટેબલની વર્તમાન સ્થિતિ…

રેન્ક ટીમ મેચ જીત હાર નો રિઝલ્ટ પોઇન્ટ્સ NRR
1 RCB (Q) 13 9 4 0 18 +1.065
2 GT 13 8 5 0 16 +0.400
3 SRH 12 7 5 0 14 +0.331
4 PBKS 13 6 6 1 13 +0.227
5 RR 12 6 6 0 12 +0.027
6 CSK 12 6 6 0 12 +0.027
7 DC 13 6 7 0 12 -0.871
8 KKR 12 5 6 1 11 -0.038
9 MI (E) 12 4 8 0 8 -0.504
10 LSG (E) 12 4 8 0 8 -0.701

બેંગલુરુ ટોપ પર, ક્વોલિફાયર-1 રમવાનું નિશ્ચિત

RCB 13 મેચમાં 9 જીત અને 18 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે. ટીમનો નેટ રનરેટ +1.065 છે, જે લીગમાં સૌથી શ્રેષ્ઠ છે. બેંગલુરુ હવે વધુમાં વધુ 20 પોઈન્ટ્સ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં ટીમનું ક્વોલિફાયર-1 રમવાનું નિશ્ચિત થઈ ગયું છે. બેંગલુરુની છેલ્લી લીગ મેચ 22 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે.

18 પોઈન્ટ્સ પર પણ બેંગલુરુને ટોપ-2 માંથી હટાવવું અશક્ય છે. પોઈન્ટ્સ ટેબલમાં હૈદરાબાદ અને ગુજરાત 18 પોઈન્ટ્સ સુધી પહોંચી શકે છે. પરંતુ બેંગલુરુના રનરેટને પાછળ છોડવું મુશ્કેલ છે. આ માટે બંને ટીમોએ પોતાની બંને મેચ મોટા માર્જિનથી જીતવી પડશે.

ગુજરાત બીજા સ્થાને યથાવત

ગુજરાત ટાઇટન્સ 16 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને યથાવત છે. ટીમનો છેલ્લો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ સામે છે. ગુજરાત આ મેચ જીતે છે તો ટોપ-2માં સ્થાન લગભગ પાક્કું કરી લેશે.

હૈદરાબાદ ત્રીજા સ્થાને

સનરાઇઝર્સ હૈદરાબાદ 14 પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે. ટીમને હવે ચેન્નઈ અને બેંગલુરુ સામે રમવાનું છે. આજે ચેન્નઈને હરાવીને ટીમ પોતાની પ્લેઓફ રમવાની સ્થિતિ મજબૂત કરી શકે છે.

પંજાબ અને રાજસ્થાન માટે દરેક મેચ મહત્વપૂર્ણ

પંજાબ કિંગ્સ 13 મેચમાં 13 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને છે. ટીમ સતત 6 મેચ હારી ચૂકી છે. પંજાબનો છેલ્લો મુકાબલો લખનઉ સામે છે. પ્લેઓફની આશા જાળવી રાખવા માટે તેને કોઈપણ ભોગે જીત નોંધાવવી પડશે. રાજસ્થાન રોયલ્સ 12 પોઈન્ટ્સ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. ટીમનો રનરેટ (+0.27) ચેન્નઈ બરાબર છે. રાજસ્થાનને હવે લખનઉ અને મુંબઈ સામે મેચ રમવાની છે. ટોપ-4માં પહોંચવા માટે ટીમને બંને મેચ જીતવી પડશે.

ચેન્નઈ, કોલકાતા અને દિલ્હીની આશા જીવંત

ચેન્નઈ સુપર કિંગ્સ 12 પોઈન્ટ્સ સાથે પાંચમા સ્થાને છે. ટીમને હૈદરાબાદ અને 21 મેના રોજ ગુજરાત સામે મેચ રમવાની છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે CSKને બંને મેચ જીતવી પડશે.

દિલ્હીની જીતથી કોલકાતા નાઈટ રાઈડર્સને નુકસાન થયું છે. ટીમ 11 પોઈન્ટ્સ સાથે 8મા સ્થાને સરકી ગઈ છે. કોલકાતાને હવે મુંબઈ અને દિલ્હી સામે મેચ રમવાની છે. KKRને પ્લેઓફમાં પહોંચવા માટે બંને મેચ જીતવી પડશે અને અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે. દિલ્હી કેપિટલ્સ 12 પોઈન્ટ્સ સાથે સાતમા સ્થાને પહોંચી ગઈ છે. ટીમને પ્લેઓફમાં જવા માટે 24 મેના રોજ કોલકાતા સામે મોટા અંતરથી જીતવું પડશે. સાથે જ અન્ય ટીમોના પરિણામો પર પણ નજર રાખવી પડશે.

મુંબઈ અને લખનઉ પહેલાથી જ બહાર

મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ 8-8 પોઈન્ટ્સ સાથે અનુક્રમે નવમા અને દસમા સ્થાને છે. બંને ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

ટુર્નામેન્ટના ટોચના ખેલાડીઓ…

કોહલી ઓરેન્જ કેપમાં ત્રીજા સ્થાને પહોંચ્યો

ગુજરાત ટાઇટન્સના સાઈ સુદર્શન 13 મેચમાં 554 રન સાથે ઓરેન્જ કેપ હોલ્ડર બન્યા છે. શુભમન ગિલ 552 રન સાથે બીજા સ્થાને છે. વિરાટ કોહલી પંજાબ સામેની ઇનિંગ્સ બાદ 542 રન સાથે ત્રીજા નંબર પર પહોંચી ગયો છે.

ભુવનેશ્વર પાસે પર્પલ કેપ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર 24 વિકેટ સાથે પર્પલ કેપ હોલ્ડર છે. ગુજરાતના કાગીસો રબાડા 21 વિકેટ સાથે બીજા સ્થાને છે. ચેન્નઈના અંશુલ કંબોજ 19 વિકેટ સાથે ત્રીજા નંબર પર યથાવત છે.

—————————————————-

IPL સંબંધિત આ સમાચાર પણ વાંચો…

રાજસ્થાનની સતત ત્રીજી હાર:દિલ્હીએ રોમાંચક મેચમાં 5 વિકેટે હરાવ્યું, રાહુલ અને પોરેલે ફિફ્ટી ફટકારી, મિચેલ સ્ટાર્કે 4 વિકેટ ઝડપી

દિલ્હી કેપિટલ્સે રવિવારની બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હરાવ્યું છે. નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાને ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો

Leave A Comment