Fuel Price Hike; Middle East Crisis Boosts Crude Oil
નવી દિલ્હી58 મિનિટ પેહલા
- કૉપી લિંક
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 87 પૈસા મોંઘુ થઈને ₹99.51 પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. ડીઝલ 91 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયું છે. તેના ભાવ ₹92.49 પર પહોંચી ગયા છે. અમદાવાદમાં પેટ્રોલ 99.07 અને ડીઝલ 94.99 રૂપિયા પ્રતિ લિટર થયું.
આ ઉપરાંત, દિલ્હી-એનસીઆરમાં સીએનજીની કિંમતોમાં 1 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. આ ફેરફાર બાદ દિલ્હીમાં CNG હવે 81.09 રૂપિયા પ્રતિ કિલો મળશે. છેલ્લા 10 દિવસમાં આ ત્રીજો વધારો છે. આ પહેલા સરકારે 15 મેના રોજ સીએનજીના ભાવમાં 2 રૂપિયા અને પછી 18 મેના રોજ 1 રૂપિયાનો વધારો કર્યો હતો.
9 દિવસમાં ત્રીજી વખત ભાવ વધ્યા
ઈંધણની કિંમતોમાં 9 દિવસમાં આ ત્રીજો વધારો છે. 4 દિવસ પહેલા 19 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ 90 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે, 15 મેના રોજ પણ કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો.
અન્ય વસ્તુઓના ભાવ પણ વધી શકે છે…
માલભાડું વધશે: ટ્રક અને ટેમ્પોનું ભાડું વધી જશે, જેના કારણે અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજી, ફળ અને રાશન મોંઘા થઈ જશે.
ખેતીનો ખર્ચ: ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ ચલાવવા માટે ખેડૂતોને વધુ ખર્ચ કરવો પડશે, જેના કારણે અનાજનો ખર્ચ વધશે.
બસ-ઓટોનું ભાડું: જાહેર પરિવહન અને સ્કૂલ બસોના ભાડામાં પણ વધારો જોવા મળી શકે છે.
પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં શા માટે વધારો થયો?
આ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં થતી વધઘટ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થતા પહેલા ક્રૂડ ઓઈલના ભાવ 70 ડોલર હતા જે હવે વધીને 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે.
ક્રૂડની કિંમતો વધવાથી તેલ કંપનીઓ દબાણમાં હતી. તેથી કંપનીઓએ નુકસાન ભરપાઈ કરવા માટે આ પગલું ભર્યું છે. જો ક્રૂડ ઓઈલની કિંમતોમાં લાંબા સમય સુધી તેજી જળવાઈ રહેશે તો પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધુ વધારો થઈ શકે છે.
બેઝ પ્રાઈસથી ચાર ગણા સુધી વધી જાય છે કિંમત
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો અને ડોલર સામે રૂપિયાની સ્થિતિના આધારે દેશમાં ઇંધણના ભાવ નક્કી કરવામાં આવે છે. સરકારી તેલ કંપનીઓ ‘ડેઇલી પ્રાઇસ રિવિઝન’ એટલે કે ડાયનેમિક પ્રાઇસિંગ સિસ્ટમ હેઠળ દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો અપડેટ કરે છે. ગ્રાહક સુધી પહોંચતા પહેલા તેલની કિંમતોમાં અનેક પ્રકારના ટેક્સ અને ખર્ચ ઉમેરાય છે, જેને આપણે સરળ ભાષામાં સમજી શકીએ છીએ:
1. ક્રૂડ ઓઇલની કિંમત (બેઝ પ્રાઇસ): ભારત તેની જરૂરિયાતનો લગભગ 90% ક્રૂડ વિદેશથી આયાત કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાંથી ખરીદેલા બેરલના હિસાબે પ્રતિ લિટર તેલની કિંમત નક્કી થાય છે.
2. રિફાઇનિંગ અને કંપનીઓનો ચાર્જ: ક્રૂડ ઓઇલને દેશની રિફાઇનરીઓમાં શુદ્ધ કરીને પેટ્રોલ-ડીઝલ બનાવવામાં આવે છે. આમાં રિફાઇનિંગ ખર્ચ અને કંપનીઓનો માર્જિન શામેલ હોય છે.
3. કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી: રિફાઇનરીમાંથી બહાર નીકળ્યા પછી કેન્દ્ર સરકાર તેના પર એક્સાઇઝ ડ્યુટી (ઉત્પાદન શુલ્ક) અને રોડ સેસ લગાવે છે. આ દેશભરમાં તમામ રાજ્યો માટે સમાન હોય છે.
4. ડીલર કમિશન: તેલ કંપનીઓ જે ભાવે પેટ્રોલ પંપ માલિકો (ડીલર્સ) ને ઇંધણ વેચે છે, તેમાં ડીલર્સનું પોતાનું નિશ્ચિત કમિશન ઉમેરવામાં આવે છે, જે પેટ્રોલ અને ડીઝલ માટે અલગ-અલગ હોય છે.
5. રાજ્ય સરકારનો વેટ (VAT): સૌથી છેલ્લે રાજ્ય સરકારો પોતાના હિસાબે વેટ અથવા લોકલ સેલ્સ ટેક્સ લગાવે છે. કારણ કે દરેક રાજ્યના વેટ દરો અલગ-અલગ હોય છે, તેથી દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ જેવા અલગ-અલગ શહેરોમાં ઇંધણની કિંમતો પણ અલગ-અલગ હોય છે.
2024થી ભાવ બદલાયા ન હતા, ચૂંટણી પહેલા ઘટાડો થયો હતો
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો માર્ચ 2024થી સ્થિર રહી હતી. લોકસભા ચૂંટણી 2024 પહેલાં સરકારે કિંમતોમાં ₹2 પ્રતિ લિટરનો ઘટાડો કરીને જનતાને રાહત આપી હતી. જોકે, તકનીકી રીતે ભારતમાં ઇંધણની કિંમતો નિયંત્રિત છે અને કંપનીઓ આંતરરાષ્ટ્રીય ક્રૂડની 15 દિવસની સરેરાશ કિંમતના આધારે દરરોજ ભાવ બદલી શકે છે, પરંતુ રાજકીય સંવેદનશીલતાને કારણે તેમને લાંબા સમય સુધી બદલવામાં આવ્યા ન હતા.
ઓઈલ કંપનીઓને દર મહિને 30 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું હતું
સરકારના મતે, ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતોને કારણે ખોટમાં ચાલી રહી હતી.
પેટ્રોલિયમ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્મા અનુસાર, કંપનીઓને પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના વેચાણ પર દર મહિને આશરે ₹30,000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.
પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી 10-10 રૂપિયા ઘટાડી હતી
આ પહેલા સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવા માટે સ્પેશિયલ એક્સાઇઝ ડ્યુટીમાં 10-10 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. પેટ્રોલ પરની ડ્યુટી ₹13 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને ₹3 રૂપિયા, જ્યારે ડીઝલ પર ₹10 થી શૂન્ય કરી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા એક લિટર પેટ્રોલ પર કુલ 21.90 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવતી હતી.
સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ઘટ્યા પછી તે 11.90 રૂપિયા રહી ગઈ હતી. આ જ રીતે, એક લિટર ડીઝલ પર કુલ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી 17.8 રૂપિયાથી ઘટીને 7.8 રૂપિયા પર આવી ગઈ હતી.
સરકારનો આ નિર્ણય પેટ્રોલ-ડીઝલની કિંમતોને સ્થિર રાખવા માટે હતો. આ નિર્ણયને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા ન હતા.
પીએમ મોદીએ કહ્યું હતું- ઇંધણનો ઉપયોગ ઓછો કરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગાણામાં એક કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ એશિયાના ભૌગોલિક-રાજકીય સંજોગોને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ ઉત્પાદનોના સાવચેતીપૂર્વક ઉપયોગનું સૂચન કર્યું હતું.
પીએમએ કહ્યું હતું કે આજે સમયની માંગ છે કે પેટ્રોલ, ગેસ અને ડીઝલનો ઉપયોગ ખૂબ સંયમથી કરવામાં આવે. આપણે આયાતી પેટ્રો ઉત્પાદનોનો ઉપયોગ ફક્ત જરૂરિયાત મુજબ જ કરવો જોઈએ. આનાથી માત્ર વિદેશી મુદ્રા જ નહીં બચે, પરંતુ યુદ્ધની પ્રતિકૂળ અસરો પણ ઓછી થશે.
—————————–
આ સમાચાર પણ વાંચો
પેટ્રોલ-ડીઝલ 90 પૈસા મોંઘું:5 દિવસમાં બીજી વખત વધારો, અમદાવાદમાં પેટ્રોલ 98.33 અને ડીઝલ 94.10 રૂપિયા પ્રતિ લિટર થયું

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મંગળવારે 90 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં ઇંધણના ભાવમાં આ બીજો વધારો છે. આ પહેલા ગત 15 મે, શુક્રવારે જ કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


