ગ્રીન કાર્ડ અરજી પહેલાં મૂળ દેશ પાછા ફરવું પડશે:અમેરિકી સરકારની નવી નીતિઓથી હજારો ઇમિગ્રન્ટ્સની મુશ્કેલી વધી

Last Updated: May 26, 2026By

અમેરિકી સરકારની નવી નીતિએ હજારો ઇમિગ્રન્ટ્સને મુશ્કેલીમાં મૂકી દીધા છે. તાજેતરમાં સિટિઝનશિપ અને ઇમિગ્રેશન સર્વિસિસ એજન્સીએ કહ્યું છે કે ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા લોકોને પહેલા પોતાના મૂળ દેશ પાછા ફરવું પડશે. હવે અરજદારો અને ઇમિગ્રેશન વકીલો એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ બદલાવથી કાયમી નિવાસની સ્થિતિ પર શું અસર પડશે. એજન્સીનું કહેવું છે કે ફક્ત અસાધારણ સંજોગોમાં જ અમેરિકામાં પહેલાથી રહેતા લોકોને પરમેનન્ટ રેસિડેન્સની મંજૂરી આપવામાં આવશે. અમેરિકામાં કાયમી ધોરણે વસવાટ કરવા ઈચ્છતા અન્ય કોઈ પણ વ્યક્તિને પોતાના ગૃહ દેશમાં અમેરિકન કોન્સ્યુલેટમાં અરજી કરવી પડશે. ઇમિગ્રેશન વકીલ ચાર્લ્સ કૂકે કહ્યું કે આ ફેરફાર ખાસ કરીને એવા લોકો માટે ચિંતાજનક છે જેમણે અમેરિકી નાગરિકો સાથે લગ્ન કર્યા છે અને કાયમી નિવાસ ઇચ્છે છે. આવા ઇમિગ્રન્ટ્સને ગ્રીન કાર્ડ મેળવતા પહેલા તેમની ઇમિગ્રેશન સ્થિતિ નક્કી કરવાની જરૂર હોય છે અને સામાન્ય રીતે તેઓ અમેરિકામાં રહીને આવા કેસોનો નિકાલ કરે છે. કૂક કહે છે કે, આ ઇમિગ્રેશનની ગતિ ધીમી કરવાનો અને ઇમિગ્રેશનને એટલું જટિલ અને અસુવિધાજનક બનાવવાનો પ્રયાસ છે કે તમે તમારા દેશ પાછા ફરો. નેશનલ ઇમિગ્રેશન લો સેન્ટરમાં કાનૂની વ્યૂહરચનાના વાઇસ પ્રેસિડેન્ટ એફ્રેન ઓલિવરેસનું કહેવું છે કે, નવી નીતિનો ઉદ્દેશ્ય ગ્રીન કાર્ડ પ્રક્રિયાને અસ્તવ્યસ્ત કરવાનો છે. ગ્રીન કાર્ડ પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી મોટાભાગના અરજદારોને તેમના પરિવારો સાથે અમેરિકામાં રહેવાની મંજૂરી છે, પરંતુ હવે દેશમાં રહેવું અપવાદરૂપ હશે. ઓલિવરેસ કહે છે કે, અગાઉ ઘણી વખત ડિપોર્ટ કરાયેલા અથવા ગંભીર ગુનાહિત ઇતિહાસ જેવી અસાધારણ પરિસ્થિતિઓમાં જ કોઈને પોતાના દેશમાંથી અરજી કરવા માટે કહેવામાં આવતું હતું. કાર્યવાહીના ભયથી નામ ન આપવાની શરતે કેટલાક ઇમિગ્રન્ટ્સે કહ્યું કે તેઓ મૂંઝવણમાં અને ચિંતિત છે કે આ ફેરફારનો તેમના અથવા તેમના પાર્ટનરની અરજીઓ માટે શું અર્થ થશે. ઇમિગ્રન્ટ્સને મદદ કરતી એક બિન-લાભકારી સંસ્થા ઇમિગ્રેશન પ્રેક્ટિસના મેનેજિંગ ડિરેક્ટર કાર્લા ઓસ્ટોલેજા કહે છે, આ પરિવર્તનની અસર તરત નહીં પણ ખૂબ જ વધારે અનુભવાશે. 2024માં 14 લાખ લોકોને ગ્રીન કાર્ડ મળ્યું ઇમિગ્રેશન વકીલો અને તેમના સમર્થક સંગઠનોનું કહેવું છે કે નવા નિયમોથી ગ્રીન કાર્ડની અરજીઓ ઘટશે. 2024માં 14 લાખ ગ્રીન કાર્ડ જાહેર કરવામાં આવ્યા હતા. કાર્ડ મેળવનારા આઠ લાખથી વધુ લોકો અમેરિકામાં પહેલાથી જ છે અને પ્રક્રિયા હેઠળ તેમનો ઇમિગ્રેશન દરજ્જો બદલવામાં આવ્યો છે.‎

Leave A Comment