National Award-winning Bengali filmmaker Anik Dutta mysteriously died
2 કલાક પેહલા
- કૉપી લિંક
બંગાળી ફિલ્મ નિર્માતા અનિક દત્તાનું બુધવારે કોલકાતામાં રહસ્યમય રીતે નિધન થયું. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ દક્ષિણ કોલકાતામાં તેમના બહુમાળી ઘરની છત પરથી નીચે પડી ગયા હતા. તેમને તાત્કાલિક ઢાકુરિયા નજીકની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટના બાદ કોલકાતા પોલીસની એક ટીમે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ડિરેક્ટરના નિધનના સમાચાર મળ્યા બાદ શ્રીલેખા મિત્રા અને રુદ્રનીલ ઘોષ સહિત બંગાળી સિનેમાના અનેક કલાકારો હૉસ્પિટલ પહોંચ્યા હતા.

અનિક દત્તાએ 2012માં ‘ભૂતેર ભવિષ્યત’થી ડિરેક્ટોરિયલ ડેબ્યૂ કર્યું હતું. આ સુપરનેચરલ પોલિટિકલ સટાયરને બંગાળી સિનેમામાં એક સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે.
છત પરથી પડ્યા પછી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, પોલીસે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ‘અનિક દત્તા પોતાના ઘરની છત પરથી શંકાસ્પદ સંજોગોમાં પડી ગયા હતા.’ જોકે, હજુ સુધી તેમના પરિવાર તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ઝીણવટભરી તપાસ કરી રહી છે. તેમના આ રીતે અચાનક અવસાનથી બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો આશ્ચર્યચકિત છે. એક્ટ્રેસ શ્રીલેખા મિત્રા, રુદ્રનીલ ઘોષ અને અરિંદમ સિલ હૉસ્પિટલની બહાર જોવા મળ્યા, જેઓ ડિરેક્ટરને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા.
‘ભૂતેર ભવિષ્યત’થી મળી હતી ઓળખ અનિક દત્તાને વર્ષ 2012માં રિલીઝ થયેલી હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂતેર ભવિષ્યત’થી સિનેમા જગતમાં મોટી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં હોરર વાર્તાની સાથે રાજકીય અને સામાજિક વ્યવસ્થા પર કડક કટાક્ષ કરવામાં આવ્યો હતો. બંગાળી સિનેમામાં આ ફિલ્મને એક સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે.
આ ફિલ્મમાં સ્વાસ્તિકા મુખર્જી, પરાશ બંદોપાધ્યાય, સબ્યસાચી ચક્રવર્તી, પરમબ્રત ચેટર્જી અને શાશ્વત ચેટર્જી જેવા કલાકારોએ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. આ પછી તેમણે ‘આશ્ચર્ય પ્રદીપ’ અને ‘મેઘનાદ વધ રહસ્ય’ જેવી ફિલ્મોનું ડિરેક્શન પણ કર્યું હતું.

અનિક દત્તાની ફિલ્મ ‘અપરાજિતો’ માટે બે નેશનલ એવોર્ડ મળ્યા હતા.
સત્યજીત રે પર બનેલી ફિલ્મને બે નેશનલ એવોર્ડ મળ્યા અનિક દત્તાએ પ્રખ્યાત ફિલ્મમેકર સત્યજીત રેની ઐતિહાસિક ફિલ્મ ‘પાથેર પાંચાલી’ બનવાની વાર્તા પર આધારિત એક ફિલ્મ ‘અપરાજિતો’ બનાવી હતી. આ બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મને વર્ષ 2024માં બે નેશનલ એવોર્ડ મળ્યા હતા. ફિલ્મને બેસ્ટ મેકઅપ (સોમનાથ કુંડુ) અને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન (આનંદ આધ્યા)નો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
રાષ્ટ્રીય પુરસ્કાર મળવા પર અનિક દત્તાએ ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેઓ પોતે જ્યુરીમાં રહી ચૂક્યા છે અને જાણે છે કે નિર્ણયો કેવી રીતે લેવાય છે. તેમણે પોતાના ક્રૂ મેમ્બર્સ સોમનાથ અને આનંદની સખત મહેનતની પ્રશંસા કરી હતી.
છેલ્લી ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થઈ હતી ડિરેક્ટર અનિક દત્તાની છેલ્લી ડિરેક્ટેડ ફિલ્મ ‘જતો કાંડો કોલકાતાતેઈ’ વર્ષ 2025માં દુર્ગા પૂજાના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ એક જાસૂસી મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ હતી. આ ફિલ્મમાં અબીર ચેટર્જી, કાઝી નૌશાબા અહેમદ અને દુલાલ લાહિરીએ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. અનિક દત્તા તેમની ફિલ્મોમાં સામાજિક સંદેશ, સસ્પેન્સ અને વ્યંગ્યના ચોક્કસ ઉપયોગ માટે જાણીતા હતા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


