આણંદની દીકરીની કેનેડામાં ચાકુ મારી હત્યા:પૈસા બાબતે હુમલો; માતાના આંસુ રોકાતા નથી; પિતાએ કહ્યું- '14 તારીખે જ વાત થઈ, વર્ક વિઝા માટે એપ્લાય કરવાની હતી'
વિદેશમાં રહેતા ભારતીયો પર હુમલાની ઘટનાઓ વચ્ચે હવે ગુજરાતની વધુ એક દીકરીની હત્યાના સમાચાર સામે આવ્યા છે. આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી 22 વર્ષીય વિધિ મેઘાની કેનેડામાં ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છે. વિધિ છેલ્લા ચાર વર્ષથી કેનેડાના નિયાગ્રા વિસ્તારમાં રહેતી હતી. તે ત્યાં લો (કાયદા)નો અભ્યાસ કરી રહી હતી અને અભ્યાસની સાથે-સાથે નોકરી પણ કરતી હતી. આ સિવાય તે કેનેડામાં કાયમી વસવાટ એટલે કે પીઆર (PR)ની તૈયારી પણ કરી રહી હતી. માહિતી મુજબ, 15 મેના રોજ વિધિ ઘરની બહાર નીકળી હતી. આ દરમિયાન તેના પર હુમલો થયો હતો. હુમલાખોરે ધોળાદિવસે તેના પર ચાકુથી હુમલો કર્યો હતો. પૈસાની બાબતમાં હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો એટલો ખતરનાક હતો કે વિધિ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. પોલીસે એક આરોપીની ધરપકડ કરી
ઘટના બાદ સ્થાનિક લોકોએ તરત જ તેને હોસ્પિટલ પહોંચાડી હતી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. આ દર્દનાક ઘટનાના સમાચાર સામે આવતા જ બોરસદ અને આસપાસના વિસ્તારમાં લોકો સ્તબ્ધ થઈ ગયા. સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આ મામલામાં એક આરોપીની ધરપકડ પણ કરી લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી હત્યા પાછળનું અસલી કારણ સામે આવી શક્યું નથી. અભ્યાસ સાથે નોકરી પણ કરતી હતી વિધિ
આંખોમાં સોનેરી સપના સજાવીને વિધિ 4 વર્ષ પહેલાં કેનેડા ભણવા માટે ગઈ હતી. તે ત્યાં અભ્યાસ કરવાની સાથે પાર્ટ-ટાઇમ જોબ કરીને પોતાના પગભર થઈ રહી હતી. આ ઘટનાના માત્ર 15 દિવસ પહેલા જ તે કેનેડાના હેમિલ્ટનથી સેન્ટ કેથરીન્સમાં શિફ્ટ થઈ હતી. ગત 14 મેના રોજ જ તેણે પોતાના પિતા સાથે ફોન પર ખૂબ જ ખુશ થતાં-થતાં પીઆર માટે એપ્લાય કરવાની વાત કરી હતી. પરિવાર દર 10 દિવસે ફોન પર અને રોજ મેસેજથી વિધિ સાથે વાત કરતો હતો, પરંતુ 15 મે પછી વિધિને મોકલેલા મેસેજ ક્યારેય ડિલિવર થયા ન હતા. પરિવાર દીકરીના સંપર્ક ન થવાને કારણે ચિંતિત હતો, પરંતુ તેમને અંદાજ ન હતો કે તેમની દીકરી હવે આ દુનિયામાં રહી નથી. બોરસદ ખાતે આવેલા વિધિના ઘરે ભારે માતમ છવાયો
વિધિનો આખો પરિવાર બોરસદમાં રહે છે. બોરસદ ખાતે આવેલા વિધિના ઘરે ભારે માતમ છવાયેલો છે. દીકરીના અકાળે અવસાનથી વિધિની માતા ભાન ભૂલી ચૂકી છે અને હોશમાં આવતા જ તે રડી-રડીને કહી રહી છે કે, દીકરીને કેટલાય લાડકોડથી મોટી કરી હતી અને આજે તેનું મોઢું જોવાનું પણ નસીબ થઈ રહ્યું નથી. વિધિના માસી અને અન્ય પરિવારજનોએ સરકારને આક્રંદ સાથે વિનંતી કરી છે કે, તેમની દીકરીનો મૃતદેહ વહેલી તકે ભારત લાવવામાં આવે જેથી તેઓ તેના અંતિમ દર્શન કરી શકે. ‘14 તારીખે એની સાથે વાત થઈ અને 15મીએ બનાવ બન્યો’
યુવતીના પિતા મેધા કલ્પેશભાઈએ જણાવ્યું કે, મને કાલે પોલીસ સ્ટેશનથી ખબર પડી. જે બાદ મેં એમની પાસેથી ઓફિશિયલ મેઈલ મંગાવ્યો હતો. જે બાદ ત્યાં પ્રોસીજર ચાલુ કરી. મારી દીકરી સાથે 14 તારીખે છેલ્લે વાત થઈ હતી. એણે મને કહ્યું હતું કે, ‘ પપ્પા હવે મારે વર્ક પરમિટ એપ્લાય કરવાની થઈ ગઈ છે, તો હું કરીશ.’ જેથી મેં કહ્યું હતું કે,’સારું, વેલ એન્ડ ગુડ.’ એનો અભ્યાસ પૂરો થઈ ગયો હતો એટલે વર્ક પરમિટ એપ્લાય કરવાની હતી. જે બાદ 15મીએ આ બનાવ બન્યો. ‘15 દિવસ પહેલાં જ ઘર બદલાવ્યું હતું’
વધુમાં જણાવ્યું કે, મને કાલે ખબર પડી કે એ ઘટનાસ્થળે હતી, ત્યાં એના પર પૈસા માટે ઓચિંતો હુમલો થયો હતો. તો એણે સામે બચવાનો પ્રયાસ કર્યો હતો. પણ બચી શકી ન હતી. આરોપી ડ્રગીસ્ટ છે અને એણે આગળ એક મર્ડર પણ કર્યું છે. આરોપી હાલ પકડાઈ ગયો છે, અત્યારે કસ્ટડીમાં છે. મારી દીકરી વિધિ ત્યાં નાયગ્રામાં સેન્ટ કેથરીન એરિયામાં રહેતી હતી. એણે 15 દિવસ પહેલાં જ ઘર બદલાવ્યું હતું. પહેલાં એ હેમિલ્ટનમાં રહેતી હતી સરકાર પાસેથી મારી એ જ અપેક્ષા કે, આવું વારંવાર થયા કરે છે, ખાસ કરીને ગુજરાતી હોય કે ઈન્ડિયન ગમે તે હોય, છોકરીઓ પર હુમલા થાય છે, છોકરાઓ પર હુમલા થાય છે, તો આ બધી વસ્તુની એ પ્રોટેક્શન આપે. મંત્રી રમણ સોલંકીએ પરિવારજનોને સાંત્વના આપી
આ કરૂણ ઘટનાની જાણ થતાં જ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને બોરસદના ધારાસભ્ય રમણ સોલંકી પીડિત પરિવારના ઘરે સાંત્વના આપવા પહોંચ્યા હતા. મંત્રી રમણ સોલંકીએ શોકાતુર પરિવારને દિલાસો આપ્યો હતો. મંત્રી રમણ સોલંકીએ જણાવ્યું કે, દીકરી ખૂબ હોશિયાર હતી, પરિવારની લાડકી દીકરી હતી. પરિવારજનો અત્યારે દુઃખી છે. કેનેડામાં એની હત્યા થઈ છે જેનું મને પણ દુઃખ થયું છે. પરિવારજનોની લાગણી છે કે એમની દીકરીની ડેડ બોડી જલ્દીથી જલ્દી એમને મળે. વધુમાં જણાવ્યું કે, મેં તાત્કાલિક મારા CMOમાં જાણ પણ કરી છે અને ત્યારબાદ એ CMO દ્વારા પણ આગળ એની તમામ પ્રોસેસ શરૂ કરી છે, વિદેશમાં છે એટલે થોડી પ્રોસેસ અલગ પ્રકારની હોય છે. અમે એમની ઝડપથી પ્રોસેસ પૂરી થાય અને ડેડ બોડી એના પરિવારજનોને ત્યાં મળે તેવા પ્રયાસો કરી રહ્યા છીએ. ભારત સરકાર દ્વારા જે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે એનાથી પણ એમને સંતોષ છે. વિદેશોમાં ભારતીયો પર વધી રહેલા હુમલા
પરિવારના લોકો રડી-રડીને બેહાલ થઈ ગયા છે. વળી, વિસ્તારના લોકો પણ આ ઘટનાથી આઘાતમાં છે. વિદેશમાં અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્યનું સપનું લઈને ગયેલી એક દીકરીનું આ રીતે મોત થવાથી દરેક વ્યક્તિ દુખી છે. જણાવી દઈએ કે, તાજેતરના સમયમાં વિદેશમાં રહેતા ભારતીયો પર હુમલાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આવા કિસ્સાઓએ વિદેશમાં રહેતા ભારતીય પરિવારોની ચિંતા પણ વધારી દીધી છે. હાલમાં તમામની નજર પોલીસ તપાસ પર ટકેલી છે અને લોકો એ જાણવા માંગે છે કે આખરે વિધિની હત્યા કેમ કરવામાં આવી. કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા ગયા વર્ષે ડિસેમ્બરમાં ટોરોન્ટોમાં 30 વર્ષની ભારતીય મૂળની મહિલા હિમાંશી ખુરાનાનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે એપ્રિલ 2025માં ઓન્ટારિયોમાં પંજાબી મૂળની 21 વર્ષની વિદ્યાર્થિની હરસિમરક રંધાવાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. કેનેડિયન પોલીસે બાદમાં એક 32 વર્ષીય આરોપીની ધરપકડ કરી લીધી હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

