કોફી હવે સૌથી મોંઘી આદતોમાંની એક:2020માં 4.3 ડોલરમાં મળતું કોફી પેકેટ 9.6 ડોલર પર પહોંચ્યું, પરંતુ માગ ઘટી નહીં
લંડનના કૂ બ્રિજ પર વિન્ટેજ ઇટાલિયન કોફી કાર્ટની બહાર લાંબી કતાર છે. દોડવીરો, પ્રવાસીઓ અને ડોગ વોકર્સ, બધા હાથમાં કોફી લઈને દિવસની શરૂઆત કરવા માગે છે. પરંતુ કાર્ટ ચલાવનાર એન્થોની ડકવર્થની નજર ગ્રાહકો કરતાં કિંમતો પર વધુ ટકેલી છે. તેમના ત્યાં આઈસ્ડ લાટે 4.5 પાઉન્ડ (580 રૂપિયા) માં મળે છે. તેમની ચિંતા છે કે કિંમત 5 પાઉન્ડ (644 રૂપિયા) સુધી ન પહોંચી જાય. આ ચિંતા સમગ્ર વૈશ્વિક અર્થતંત્રની છે. આજે એક કપ કોફીમાં જળવાયુ સંકટ, ટ્રેડ વોર અને બદલાતી ઉપભોક્તા સંસ્કૃતિ બધું જ દેખાવા લાગ્યું છે. દુનિયાની કોફી મુખ્યત્વે બે બીન્સ પર ટકેલી છે – અરેબિકા અને રોબસ્ટા. અરેબિકા બ્રાઝિલ, ઇથોપિયા અને કેન્યાની ઠંડી પહાડીઓમાં ઉગે છે, જ્યારે કેફીનથી ભરપૂર રોબસ્ટા પર વિયેતનામનું પ્રભુત્વ છે. પરંતુ છેલ્લા બે વર્ષમાં હવામાને બંને પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે. પરિણામે અરેબિકા બીન્સની કિંમત સરેરાશ 1.2 ડોલર પ્રતિ પાઉન્ડથી 4 ડોલર (384 રૂપિયા) થી ઉપર નીકળી ગઈ. કોફી ઉદ્યોગના દિગ્ગજ ગુઇસેપ્પે લાવાઝા માને છે કે રાહત જલ્દી મળવાની નથી. આ દરમિયાન અમેરિકી ટેરિફે સંકટ વધુ ઘેરું બનાવ્યું. ટ્રમ્પ પ્રશાસને વિયેતનામ પર 46%, ઇન્ડોનેશિયા પર 32% અને બ્રાઝિલ પર 50% સુધી ટેરિફ લગાવ્યો. અમેરિકામાં પીસેલી કોફીની કિંમત 17% અને ઇન્સ્ટન્ટ કોફી 25% સુધી મોંઘી થઈ ગઈ. આખરે વધતી નારાજગી પછી કોફીને ટેરિફમાંથી રાહત આપવી પડી. પરંતુ મુસીબત અહીં જ પૂરી ન થઈ. રેડ સીમાં હૂતી હુમલાઓને કારણે વિયેતનામથી યુરોપ જતાં જહાજો હવે આફ્રિકાનો લાંબો ચક્કર લગાવી રહ્યા છે. યાત્રા 4,000 માઇલ વધી ગઈ. ઉપરથી યુરોપના નવા નિયમો હેઠળ કોફી ખેડૂતોને એ સાબિત કરવું પડશે કે કોફી જંગલ કાપીને ઉગાડવામાં આવી નથી. કિંમત વધવા છતાં ખરીદી, એટલે જ ભાવ નીચે નથી આવતા રસપ્રદ વાત એ છે કે, મોંઘી હોવા છતાં કોફીની માગ ઓછી થઈ નથી. ચિત્ર સ્પષ્ટ છે કે- સપ્લાય ચેઇન સંકટમાં છે, આબોહવા પરિવર્તન અને ભૂ-રાજનીતિ કિંમતો વધારી રહ્યા છે, પરંતુ દુનિયાનો કોફી પ્રેમ અડગ છે. હવે કોફી માત્ર ડ્રિંક નથી, પરંતુ ‘અનુભવ’ બની ગઈ છે. ચીની કંપની કોફી ડેટા અને ટેકનોલોજીના જોરે સ્ટારબક્સને પડકારી રહી છે, જ્યારે બ્રિટનની ગ્રેગ્સ ઓટોમેશન દ્વારા સસ્તી કોફી વેચીને સૌથી મોટી કોફી વિક્રેતા બની ગઈ છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

