'માને તો મનાવી લેજો રે, હે ઓધાજી રે…':અમદાવાદમાં ગુંજશે 'શ્યામ'ના સૂર, એક સ્ટેજ, પિતા-પુત્રની જુગલબંધી ને 40થી વધુ કલાકારો; હાર્દિક દવેની દિવ્યભાસ્કર સાથે ખાસ વાતચીત

Last Updated: May 30, 2026By

મેગા સિટી અમદાવાદમાં આવતીકાલે શનિવારની સાંજ સંગીત અને આધ્યાત્મિકતાના એક અનોખા ત્રિવેણી સંગમની સાક્ષી બનવા જઈ રહી છે. ગુજરાતી લોકસંગીત ક્ષેત્રે ત્રણ દાયકાથી વધુ સમયથી જાણીતા ગાયક પ્રફુલ દવે અને તેમના વારસાને આધુનિક રંગે રંગનાર યુવા સંગીતકાર અને તેના દીકરા હાર્દિક દવેના સંયુક્ત ઉપક્રમે ‘શ્યામ – ધ ક્રિષ્ના કોન્સર્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 30 મે 2026, શનિવારના રોજ સાંજે સોલા ભાગવત મેદાન ખાતે યોજાનારો આ શૉ માત્ર એક સંગીત સંધ્યા નથી, પરંતુ પરંપરાગત ભજન અને પશ્ચિમી સંગીતનો એક એવો પ્રયોગ છે જે શ્રોતાઓને મનોરંજનની સાથે ચિત્તનો ઠેહરાવ આપશે. એકતારા અને વેસ્ટર્ન સિમ્ફનીનો અનોખો સમન્વય આ કોન્સર્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં 40થી વધુ લાઈવ કલાકારો એકસાથે મંચ પર ઇન્ડો-વેસ્ટર્ન સિમ્ફની રજૂ કરશે. ‘શ્યામ: ધ મેમરીઝ ઓફ માધવ’ થીમ પર આધારિત આ કાર્યક્રમમાં એક તરફ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક એવા ‘એકતારા’ની ધ્વનિ ગુંજશે, તો બીજી તરફ પશ્ચિમી વાદ્યોની ભવ્યતા જોવા મળશે. આયોજકોના જણાવ્યા અનુસાર, આ શૉમાં આવનારા હજારો શ્રોતાઓ એક તરફ ‘રાસ’ ના માધ્યમથી જીવનના ઉત્સાહ અને નૃત્યની ઊર્જા અનુભવશે, તો બીજી તરફ ‘ધ્યાન’ના માધ્યમથી અસીમ શાંતિમાં ડૂબી જશે. દિવ્યભાસ્કર સાથે હાર્દિક દવેની ખાસ વાતચીત કોન્સર્ટના આયોજન અંગે ગાયક અને સંગીતકાર હાર્દિક દવેએ દિવ્યભાસ્કર સાથે ખાસ વાતચીત કરી પોતાના વિચારો શેર કર્યા હતા: પ્રશ્ન: ‘શ્યામ’ ની ખાસિયત શું છે? હાર્દિક દવે: કોન્સર્ટ જેવડા મોટા આકારમાં જો આપણે ગુજરાતના અને ભારતના ગામડાના લોકસંગીતને મૂકવું હોય અને પાછું એ રીતે મૂકવાનું કે એનો પ્રાણ મરી ન જાય. ભજન એ બેસીને સાંભળવાનું અને કંઈક શીખવાનું સંગીત છે, એટલે ‘શ્યામ’ એ મનોરંજન સાથે ચિત્તનો ઠેહરાવ (શાંતિ) છે. અહીં ભલે 4000-5000 લોકોની હાજરી હશે, છતાં શ્રોતાઓને એવું જ લાગશે કે તે ગામડાના વડલા નીચે બેસીને ભજન સંગીત સાંભળી રહ્યા છે, એ જ ‘શ્યામ’ની ખરી ખાસિયત છે. પ્રશ્ન: કૃષ્ણ ભક્તિ પર આખો શૉ કરવાના છો, તમને કાન્હાની કઈ વાત સૌથી વધુ ગમે છે? હાર્દિક દવે: મારા ગુરુ ઓશો પાસેથી મેં કૃષ્ણ વિશે એક વાત સાંભળી હતી કે આ એકમાત્ર એવા દેવ છે જેમણે કંઈ પણ છોડવાની વાત નથી કરી, પણ બધું જ સ્વીકારવાની વાત કરી છે. તેમણે જંગલમાં જઈને ભક્તિ કરવાની વાત નથી કરી, એટલે જીવનના બધા જ રંગોને સ્વીકારીને આગળ વધવાની પ્રેરણા કૃષ્ણ પાસેથી શીખવા મળે છે. પ્રશ્ન: તમારું ફેવરિટ કૃષ્ણભજન કયું છે? હાર્દિક દવે: “ઓધાજી! મારા વાલ્હાને વઢીને કહેશો ને…” – આ ભજન મને સૌથી વધુ ગમે છે.. પ્રશ્ન: ‘શ્યામ’ કોન્સર્ટનો વિચાર તમને કેવી રીતે આવ્યો? હાર્દિક દવે: અગાઉ કરેલા મારા બે મુખ્ય આયોજનો – ‘નવશક્તિ’ (નવરાત્રિમાં પરંપરાગત ગરબા ગાવાનો કાર્યક્રમ) અને ‘શિવાય નમ:’ (મહાશિવરાત્રિની રાતે થતો કાર્યક્રમ)માંથી ઘણું બધું શીખીને અને પ્રેરણા મેળવીને હવે હું આ ‘શ્યામ’ વિષય પર આવ્યો છું. પ્રશ્ન: આજકાલ ડાયરા કલાકારો પણ મોટા કોન્સર્ટ તરફ વળ્યા છે, તેના વિશે શું કહેશો? હાર્દિક દવે: આજના મારા જે મિત્રો ડાયરા બાદ હવે કોન્સર્ટ પણ કરી રહ્યા છે તેમને મારા ખૂબ-ખૂબ અભિનંદન. તે કીર્તિદાનભાઈ ગઢવી હોય, ઈશાનીબેન દવે હોય કે ભૌમિક શાહ હોય… આ સહિત મારા તમામ કલાકાર મિત્રો પોતપોતાની ડિઝાઈન અને સ્વભાવ પ્રમાણે લોકસંગીતને મોટા વૈશ્વિક મંચ પર મૂકી રહ્યા છે. મને લાગે છે કે અમારા બધાનો પ્રયત્ન એક જ છે, બસ તેને રજૂ કરવાની રીત અલગ-અલગ છે. 6 જૂને ઈશાની દવે લાવશે ગુજરાતી મ્યુઝિકમાં મોટો “બદલાવ” ગુજરાતી સંગીત જગતમાં માત્ર ‘શ્યામ’ કોન્સર્ટ જ નહીં, પરંતુ આગામી દિવસોમાં મનોરંજનના સ્તરને વૈશ્વિક ઓળખ આપવા વધુ એક આયોજન પણ થવાનું છે. પ્રફુલ દવેની દીકરી અને હાર્દિકની બહેન તેમજ લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના સહયોગ સાથે “બદલાવ: ચેપ્ટર 1” નામનું એક લાઈવ કોન્સર્ટ પ્રોડક્શન રજૂ કરવા જઈ રહી છે. માત્ર 8 વર્ષની ઉંમરે પ્રફુલ દવે સાથે લંડનના રોયલ અલ્બર્ટ હોલથી સંગીત સફર શરૂ કરનાર અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધુ મેદની સમક્ષ પર્ફોર્મ કરી ચૂકેલી ઈશાની દવેનો આ પ્રોજેક્ટ છેલ્લા ચાર વર્ષના પ્લાનિંગનું પરિણામ છે. આગામી 6 જૂન 2026ના રોજ એસ.જી. હાઇવે સ્થિત શંકુસ ફાર્મ ખાતે યોજાવાનો છે. ઈશાની દવેના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પરંપરાગત અને આધુનિક ગુજરાતી સંગીતને એવા ફોર્મેટમાં રજૂ કરવાનો છે, જે વૈશ્વિક ધોરણોને સ્પર્શતું હોય અને નવી પેઢીને પોતાના સાંસ્કૃતિક મૂળ સાથે મજબૂતીથી જોડી રાખે.

Leave A Comment