₹10 કરોડનું બજેટ ને કમાણી ₹1400 કરોડને પાર!:26 વર્ષના લબરમૂછિયા યૂટ્યુબરે હોલિવૂડ હલાવ્યું; ‘ઓબ્સેસન’ની સુનામીએ સારી-સારી ફિલ્મો પાડી દીધી

Last Updated: June 2, 2026By

આજકાલ દુનિયાભરના બોક્સ ઓફિસ પર એક એવી હોલિવૂડ હોરર ફિલ્મનો ખૌફ જોવા મળી રહ્યો છે, જેણે મોટા સુપરસ્ટાર્સ, દિગ્ગજ ડિરેક્ટર્સ અને કરોડોના બજેટવાળી ફિલ્મોના ઘમંડને ચૂર-ચૂર કરી નાખ્યો છે. આ ફિલ્મનું નામ છે ‘ઓબ્સેસન’. કોઈ મોટા લાઉડ પ્રમોશન વગર રિલીઝ થયેલી આ ફિલ્મે ગ્લોબલ બોક્સ ઓફિસ પર એવી સુનામી આણી છે કે મોટા-મોટા ટ્રેડ પંડિતો પણ મોંમાં આંગળા નાખી ગયા છે. આ ફિલ્મનું બજેટ ભારતમાં સુપરહિટ સાબિત થયેલી ફિલ્મ ‘સ્ત્રી’ (2018) ના બજેટ કરતાં પણ અડધાથી ઓછું છે, પરંતુ તેની કમાણી હોલિવૂડના મોટા પ્રોડક્શન હાઉસને આંખો બતાવી રહી છે. માત્ર વિદેશમાં જ નહીં, ભારતમાં પણ આ ફિલ્મે ગત વીકેન્ડમાં અક્ષય કુમાર સહિતના તમામ બોલિવૂડ સ્ટાર્સની ફિલ્મોને ધૂળ ચટાડી દીધી છે. ₹10 કરોડનું બજેટ! માત્ર 26 વર્ષના યુવા ડિરેક્ટર કેરી બાર્કર દ્વારા નિર્દેશિત સુપરનેચરલ હોરર ફિલ્મ ‘ઓબ્સેસન’ વર્ષ 2026ની સૌથી મોટી સક્સેસ સ્ટોરી બની ગઈ છે. અંદાજે 750,000થી 1 મિલિયન ડોલર (ભારતીય ચલણમાં આશરે ₹10 કરોડ). 2018માં આવેલી બોલિવૂડ ફિલ્મ ‘સ્ત્રી’નું બજેટ ₹20 થી ₹30 કરોડ હતું. જ્યારે તાજેતરમાં આવેલી લો-બજેટ ફિલ્મ ‘લાપતા લેડીઝ’નું બજેટ પણ ₹11 કરોડ હતું. એટલે કે ‘ઓબ્સેસન’ આ બધી ફિલ્મો કરતાં સસ્તી બની છે. ડિરેક્ટર કેરી બાર્કરે પોતાની કરિયરની શરૂઆત યૂટ્યુબ વીડિયો અને શોર્ટ ફિલ્મો બનાવીને કરી હતી. આ ફિલ્મમાં લીડ રોલ પ્લે કરનાર માઈકલ જોન્સ્ટન અને ઈન્ડી નવેરેત્તી પણ કોઈ મોટા સ્ટાર નથી, તે ટીવીમાંથી ફિલ્મોમાં આવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. TIFFમાં રચાયો ઇતિહાસ: ડિસ્ટ્રીબ્યુટરે રિલીઝ પહેલાં જ કરી જેકપોટ ડીલ ગયા વર્ષે ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) ના ‘મિડનાઇટ મેડનેસ’ સેક્શનમાં જ્યારે આ ફિલ્મનું પ્રીમિયર થયું, ત્યારે અમેરિકાની જાણીતી ડિસ્ટ્રિબ્યુશન કંપની ‘ફોકસ ફીચર્સ’ની નજર આના પર પડી. કંપનીએ સહેજ પણ મોડું કર્યા વગર આ નાની ફિલ્મને અધધ 14-15 મિલિયન ડોલર (આશરે ₹133 કરોડથી ₹142 કરોડ)માં ખરીદી લીધી. TIFFના ઈતિહાસમાં આ પ્રકારની કોઈ જોનર ફિલ્મ આટલી મોંઘી ક્યારેય વેચાઈ નહોતી. પહેલા જ વીકેન્ડમાં ચોંકાવનારી કમાણી ટ્રેડ પંડિતોને આશા હતી કે 15 મેના રોજ રિલીઝ થયા બાદ આ ફિલ્મ ઓપનિંગ વીકેન્ડમાં 8-10 મિલિયન ડોલર કમાશે. પરંતુ ફિલ્મે પહેલા જ દિવસે 7 મિલિયન ડોલર (₹66 કરોડથી વધુ)નું કલેક્શન કરીને બધાને ચોંકાવી દીધા. ઓપનિંગ વીકેન્ડ કમાણી 17.2 મિલિયન ડોલર (આશરે ₹163 કરોડ). એટલે કે ડિસ્ટ્રીબ્યુટરે જેટલા રૂપિયામાં ફિલ્મ ખરીદી હતી, તેનાથી વધુ કમાણી તો માત્ર 3 દિવસમાં જ નીકળી ગઈ! 17 દિવસનું કુલ કલેક્શન વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 148 મિલિયન ડોલર (₹1400 કરોડથી વધુ) જેટલું થઈ ગયું છે. આ કમાણી તેના મૂળ બજેટ કરતાં 150 ગણી વધારે છે! માઈકલ જેક્સનની બાયોપિક અને ‘ધ ડેવિલ વિયર્સ પ્રાડા 2’ જેવી મોટી હોલિવૂડ ફિલ્મો સામે પણ આ ફિલ્મ અડીખમ ઊભી છે. ભારતમાં પણ બોલિવૂડ ફિલ્મોનો વારો પાડી દીધો ભારતના થિયેટરોમાં આ ફિલ્મ ગયા શુક્રવારે રિલીઝ થઈ હતી. શરૂઆતમાં તેને માત્ર 900 શૉ મળ્યા હતા અને પહેલા દિવસે ₹1.75 કરોડનું કલેક્શન થયું હતું. શનિવારે ક્રેઝ વધતાં શૉ વધારાયા અને કમાણી ₹2.75 કરોડ થઈ. જ્યારે રવિવારે 1400 શૉ સાથે ફિલ્મે ₹3.25 કરોડની કમાણી કરી લીધી. કુલ મળીને વીકેન્ડમાં ફિલ્મે ભારતમાં ₹7.7 કરોડથી વધુનું નેટ કલેક્શન કર્યું છે. શું છે ફિલ્મની સ્ટોરી? ફિલ્મની સ્ટોરી ‘બિયર’ નામના એક સીધા-સાદા છોકરાની છે, જે મ્યુઝિક સ્ટોરમાં કામ કરે છે. બિયર મનોમન પોતાની ખાસ મિત્ર ‘નિક્કી’ને પાગલની જેમ પ્રેમ કરતો હોય છે. એક દિવસ તેના હાથમાં એક રહસ્યમય અને જાદુઈ (સુપરનેચરલ) ગેજેટ આવી જાય છે. બિયર તે ગેજેટ પાસે મન્નત માંગે છે કે નિક્કી પણ તેના પ્રેમમાં અંજાઈ જાય. ગેજેટ તેની આ ઈચ્છા પૂરી તો કરી દે છે, પરંતુ તેના બદલામાં બિયરની જિંદગીમાં એવો ખૌફનાક અને લોહિયાળ વળાંક આવે છે, જે દર્શકોના રૂંવાડા ઊભા કરી દે છે. માઈકલ જોન્સ્ટન અને ઈન્ડે નવરેટની એક્ટિંગે આ હોરર ડ્રામાને જીવંત બનાવી દીધો છે. જુઓ ફિલ્મનું ટ્રેલર:-

Leave A Comment