'ધુરંધરમાં બતાવેલી એક-એક વાત સાચી છે':પાકિસ્તાની નેતાએ આદિત્ય ધરની ડિટેલિંગ પર મહોર મારી, કહ્યું- 'જે સમયગાળો દર્શાવ્યો છે, ત્યારે હું લ્યારીમાં જ હતો'

Last Updated: June 2, 2026By

રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર’ અને ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ જ્યારથી રિલીઝ થઈ છે, ત્યારથી જ સતત ચર્ચામાં છે. ફિલ્મમાં ડિરેક્ટર આદિત્ય ધર દ્વારા કરવામાં આવેલી ઝિણવટપૂર્વકની ડિટેલિંગની સોશિયલ મીડિયા પર ભારે પ્રસંશા થઈ રહી છે. તેવામાં પાકિસ્તાનના કરાચીમાં જન્મેલા પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા આરિફ આઝાકિયાએ તાજેતરમાં દાવો કર્યો છે કે, ફિલ્મ ‘ધુરંધર’માં દર્શાવવામાં આવેલી ઘટનાઓ સંપૂર્ણપણે સાચી છે. ‘મારો જન્મ લ્યારીમાં થયો, માતા-પિતા ગુજરાતના જૂનાગઢના વતની’ ANI (ન્યૂઝ એજન્સી) દ્વારા શેર કરવામાં આવેલા ટૉક જર્નાલિઝમ ઇવેન્ટ દરમિયાન આરિફે કહ્યું, ‘હું કરાચી શહેરનો મેયર હતો અને ચૂંટણી જીતીને આ પદ પર પહોંચ્યો હતો. જે વાર્તા ‘ધુરંધર’માં બતાવવામાં આવી, તે દરમિયાન હું ત્યાં જ હતો. મારો જન્મ લ્યારીમાં થયો અને હું ત્યાં જ મોટો થયો છું, તેથી હું જાણું છું કે તેમાં બતાવવામાં આવેલી દરેક વાત સાચી છે.’ તેમણે પોતાની પારિવારિક પૃષ્ઠભૂમિ (ફેમિલી બેકગ્રાઉન્ડ)નો ઉલ્લેખ કરતા કહ્યું, ‘મારો જન્મ કરાચીમાં થયો, પરંતુ મારા માતા-પિતા ગુજરાતના જૂનાગઢમાં જન્મ્યા હતા. હું પોતાને પાકિસ્તાની નહીં, પરંતુ ભારતીય મૂળનો માનું છું.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘પાકિસ્તાનના બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વા જેવા વિસ્તારોમાં માનવાધિકાર સંબંધિત ઘણા મુદ્દાઓને અવારનવાર આંતરરાષ્ટ્રીય મીડિયામાં પૂરતી જગ્યા મળતી નથી.’ ‘ધુરંધર’ ફ્રેન્ચાઇઝની વાર્તા કરાચીના લ્યારી પર આધારિત હતી ઉલ્લેખનીય છે કે ‘ધુરંધર’ અને ‘ધુરંધર 2’ કરાચીના લ્યારી વિસ્તારમાં સક્રિય ગુનેગાર ગેંગ અને ગેંગવોરની પૃષ્ઠભૂમિ પર આધારિત હતી. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ. ‘ધુરંધર’ના પહેલા ભાગે વિશ્વભરમાં 1307 કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો હતો, જ્યારે તેની સિક્વલને પણ દર્શકોનો શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. ‘ધુરંધર 2’એ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરીને ભારતમાં બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવાનો રેકોર્ડ બનાવ્યો. સેકનિલ્ક (ટ્રેડ એનાલિસ્ટ વેબસાઇટ) અનુસાર, ફિલ્મે ભારતમાં લગભગ ₹1149 કરોડનું નેટ કલેક્શન અને વિશ્વભરમાં લગભગ ₹1813 કરોડની ગ્રોસ કમાણી કરી છે. ગ્રોસ કલેક્શન એ ટિકિટમાંથી કુલ કમાણી અને નેટ કલેક્શન એ ટેક્સ પછીની કમાણી હોય છે. ફિલ્મમાં લાંબી સ્ટારકાસ્ટ ‘ધુરંધર 2’માં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં હતો. આ ઉપરાંત ફિલ્મમાં સંજય દત્ત, આર માધવન, અર્જુન રામપાલ, સારા અર્જુન, ગૌરવ ગેરા અને રાકેશ બેદી જેવા કલાકારોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે પહેલા ભાગમાં અક્ષય ખન્નાએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ‘ધુરંધર’ (2025) અને ‘ધુરંધર 2’ (2026) બંને ફિલ્મોનું ડિરેક્શન આદિત્ય ધરે કર્યું હતું. ફિલ્મને જ્યોતિ દેશપાંડે અને આદિત્ય ધરે મળીને જિયો સ્ટુડિયોઝ અને B62 સ્ટુડિયોઝના બેનર હેઠળ પ્રોડ્યુસ કરી છે.

Leave A Comment