યુરોપના 23 દેશમાં રેકોર્ડ બ્રેક હીટવેવ:ગરમીથી 11 લાખ કરોડનું નુકસાન, આવતાં વર્ષે 34% વસ્તી પાણી માટે તરસશે
યુરોપમાં આ વર્ષે ગરમીની લોકોના જીવન અને અર્થતંત્ર બંને પર સીધી અસર પડી. યુરોપના 23 દેશોમાં રેકોર્ડ-બ્રેક હીટવેવ નોંધાઈ. ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યું અને ઘણા શહેરોમાં હોસ્પિટલો, વીજળી ગ્રીડ, પરિવહન અને ખેતી પર દબાણ વધી ગયું. જુદા જુદા અંદાજોમાં આ ગરમીથી 20 હજારથી વધુ મૃત્યુનો દાવો કરવામાં આવી રહ્યો છે. ભીષણ ગરમીની યુરોપના જીડીપી પર પણ અસર થઈ છે. એલિયાન્ઝ રિસર્ચ મોડેલના આધારે કરવામાં આવેલી ગણતરીઓ અનુસાર, ગરમી યુરોપિયન અર્થતંત્રને ₹11 લાખ કરોડ સુધીનો ફટકો આપી શકે છે. જ્યારે, 2030 સુધીમાં યુરોપને 61 લાખ કરોડ રૂપિયા સુધીનું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. તેનું સૌથી મોટું કારણ ઉત્પાદકતામાં ઘટાડો, વીજળીની માગમાં ઉછાળો, પાકને નુકસાન, પર્યટન પર અસર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતું દબાણ છે. નિષ્ણાતોના મતે સંકટ અહીં અટકશે નહીં. યુરોપિયન પર્યાવરણ એજન્સીનો અંદાજ છે કે આવતા વર્ષ સુધીમાં યુરોપની લગભગ 34% વસ્તી જળ સંકટની ઝપેટમાં આવી શકે છે. દક્ષિણ યુરોપમાં આ સંકટ વધુ ઘેરું બનશે, જ્યાં ઉનાળામાં પાણીની માગ વધુ વધશે. ભારતમાં 45 ડિગ્રી સહન કરી લઈએ છીએ તો પછી યુરોપમાં 36 ડિગ્રી આફત કેમ? ભારતમાં 45 ડિગ્રી તાપમાન સૂકી ગરમીમાં હોય છે, તેથી પરસેવો ઝડપથી સુકાઈને શરીરને ઠંડુ કરે છે. યુરોપમાં 36° ડિગ્રી ગરમી પણ ભેજ સાથે આવે છે, તો પરસેવો સુકાઈ શકતો નથી અને શરીર ગરમ રહે છે. તેને વેટ-બલ્બ ખતરો કહેવાય છે. વેટ-બલ્બ તાપમાન લાંબા સમય સુધી રહે તો સ્વસ્થ વ્યક્તિ માટે પણ જીવલેણ બની શકે છે. તેનાથી હીટ સ્ટ્રોકનો ખતરો વધી જાય છે અને કિડની તથા લિવર ફેલ થઈ શકે છે. બ્રિટનમાં ACનું વેચાણ 330%, ફ્રાન્સમાં 1000% વધ્યું ભીષણ ગરમીએ ACને લક્ઝરીમાંથી જરૂરિયાત બનાવી દીધું છે. બ્રિટનમાં ACનું વેચાણ 330% સુધી તો ફ્રાન્સમાં 1000% સુધી વધ્યું. તાપમાન વધતા જ ઘણા બજારોમાં સ્ટોક ઘટવા લાગ્યો. પંખા અને પોર્ટેબલ કુલરની માગ પણ અનેક ગણી ઝડપથી વધી. 23 દેશોમાં ગરમીના રેકોર્ડ તૂટ્યા, સ્પેનમાં પારો 45 ડિગ્રી પાર થયો યુરોપની હીટવેવે તાપમાનના રેકોર્ડ તોડી નાખ્યા છે. ઓછામાં ઓછા 23 દેશોમાં જૂનની ગરમીએ નવા રેકોર્ડ બનાવ્યા. સ્પેનમાં પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો, જ્યારે ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્વિટ્ઝર્લેન્ડ, નેધરલેન્ડ્સ અને બ્રિટનમાં પણ રેકોર્ડ ગરમી નોંધાઈ. ભાસ્કર એનાલિસિસ ભીષણ હીટવેવ પાછળ ઓમેગા બ્લોક; તેમાં ગરમ હવા ફસાઈને તબાહી વધારી રહી છે ઓમેગા બ્લોક શું પેટર્ન હોય છે? આ હવામાનની એવી પેટર્ન છે, જેમાં હાઈ-પ્રેશર સિસ્ટમ બે લો-પ્રેશર સિસ્ટમની વચ્ચે ફસાઈ જાય છે. તેનો આકાર ગ્રીક અક્ષર ઓમેગા જેવો દેખાય છે. આ પેટર્નથી ગરમી કેમ વધવા લાગે છે? હાઈ-પ્રેશર સિસ્ટમ ગરમ હવાને એક જગ્યાએ રોકી દે છે. વાદળો ઓછા બને છે, વરસાદ અટકે છે અને જમીન સતત ગરમ થતી રહે છે. તેનાથી આ સંકટ ઊભું થાય છે. યુરોપની હીટવેવ આ પેટર્ન સાથે કેવી રીતે જોડાયેલી છે? ઓમેગા બ્લોકે ઉત્તર આફ્રિકા અને ભૂમધ્ય સમુદ્રની ગરમ હવાને યુરોપ ઉપર રોકી દીધી. તેથી ઘણા દેશોમાં તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ રહ્યું. આ પેટર્નથી બીજી કઈ અસર થાય છે? જ્યાં હાઈ-પ્રેશર રહે છે, ત્યાં ગરમી અને દુષ્કાળ વધે છે. લો-પ્રેશરમાં ભારે વરસાદ-પૂરનો ખતરો વધે છે. આબોહવા પરિવર્તનથી ખતરો કેમ વધી ગયો છે? ઓમેગા બ્લોક પહેલા પણ બનતા હતા, પરંતુ હવે પૃથ્વી વધુ ગરમ છે. તેથી આવા પેટર્નમાં ફસાયેલી હવા પહેલા કરતા વધુ ગરમ અને જીવલેણ બનવા લાગી છે. યુરોપ દુનિયામાં સૌથી ઝડપથી ગરમ થઈ રહ્યું છે. તેથી ઓમેગા બ્લોક અહીં વધુ ખતરનાક બની રહ્યા છે. યુરોપના 20% ઘરોમાં જ AC, તેથી પણ સંકટ વધુ યુરોપમાં હીટવેવ એટલા માટે પણ વધુ ઘાતક સાબિત થઈ રહી છે, કારણ કે ત્યાં ફક્ત 20% ઘરોમાં જ AC છે. અમેરિકામાં AC 90% થી પણ વધુ ઘરોમાં છે. યુરોપની મોટાભાગની ઇમારતો ઠંડા હવામાન પ્રમાણે બનેલી છે. તેથી તાપમાન વધુ હોવા પર ઘર, હોસ્પિટલ અને નર્સિંગ હોમ પણ ગરમ થઈ જાય છે. વૃદ્ધો, બાળકો અને બીમાર લોકો પર ખતરો વધુ વધી જાય છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

